- આજે વિશ્ર્વ સપના દિવસ
- જીવન સાથે સપનાને ઊંડો સંબંધ છે: એક વ્યક્તિને રોજ ચાર થી છ સપના આવે છે, અને આ સપના બહુ લાંબા હોતા નથી પણ, તે માત્ર પાંચથી વીસ મિનિટના જ હોય છે: સપના
જોવાનું કારણ આપણા સુખ-દુ:ખ અને સારા-નરસા પ્રસંગોના અનુભવો છે: આધુનિક મનોવૈજ્ઞાનિકના મતે સુતી વખતે થતા ચેતનાના અનુભવને સ્વપ્ન કહેવાય છે
સપના છબીઓ, વિચારો, લાગણીઓ અને સંવેદનાની શ્રેણી છે: વિશ્ર્વના તમામ મુખ્ય ધર્મોમાં સપનાને સ્થાન અપાયું છે, માંડુક્ય ઉપનિષદમાં અને ભારતીય હિન્દુ ધર્મના વેદ ગ્રંથોમાં પણ સપનાની ત્રણ અવસ્થા
વર્ણવી છે: આજની દુનિયાની ઘણી શોધો એક સાદા વિચાર કે સપના તરીકે શરૂ થઈ હતી
‘સપના મેરા ટુટ ગયા’ આ ફિલ્મ ગીતની જેમ આપણા જીવનમાં સપનાઓ તૂટતા જોવા મળે છે. સામાન્ય રીતે આપણી આઠ કલાકની ઉંઘના ચાર તબકકામાં આંખોનું હલનચલન, અર્ધનિદ્રા, ગાઢ અવસ્થા સાથે નોન-રેપિડ આઈમુવમેન્ટને સ્લીપ કહેવામા આવે છે, સપના જોવાનું કારણ આપણા સુખ-દુ:ખ અને સારા નરસા પ્રસંગોના અનુભવો છે. આપણા માનસપટ પર રમતી ઈચ્છાઓ કે સવારથી સાંજ સુધીની દિન ચર્યાના પ્રસંગો સાથે સતત વિચારોને કારણે લગભગ દરેકને સ્વપ્ન આવતા હોય છે. આજે વર્લ્ડ ડ્રીમ ડે છે, ત્યારે સદીઓથી તેની દુનિયા એક રહસ્ય જેવી છે. દરેકના જીવન સાથે સપનાઓને ઉંડો સંબંધ હોય છે. જયોતિષશાસ્ત્રમાં તેને ભવિષ્ય અને ભૂતકાળ સાથે જોડવામાં આવે છે. એક લોકવાયકા મુજબ ભવિષ્યમા બનનારી ઘટના આપણને પહેલા સપનામાં આવતી હોવાનું મનાય છે. આપણા પરિવારજનોમાં જેની સાથે લાગણી વધુ બંધાઈ હોય તેના મૃત્યુબાદ તેના સપના વિશેષ આવતા હોય છે. આધુનિક મનોવૈજ્ઞાનિકના મતે સુતી વખતે થતા ચેતનાના અનુભવોને સ્વપ્ન કહેવાય છે. મૃગજળના અનુભવો સાથે સપનાના અનુભવની સરખામણી કરવાામ આવે છે. કોઈ વાત કે વિચારનું સતત રટણ તેની આસપાસની વિગતોને લઈને સપનાઓ વધુ આવે છે. સપનાએ કુદરતી અને જટીલ ઘટના છે. આજ સુધી તેનો કોઈ ચોકકસ હેતુ આધુનિક વિજ્ઞાન શોધી શકયો નથી. રાત્રે સુતી વખતે શરીરના મગજ સીવાય બધા અંગોને આરામ મળતો હોય ત્યારે સતત વિચારો ચાલવાની પ્રક્રિયાને કારણે માણસ જે ઝંખતો હોય તે વિષયક સપનાઓ આવે છે. સપનાઓ સારા અને ખરાબ બંને આવતા હોવાથી ઘણીવાર તે આપણી ઉંઘ પણ ઉડાડી દે છે. સપનાઓ આપણને રોમાંચિત પણ કરી દે છે, તે હંમેશા અલગ અલગ આવતા હોય છે. સપનાઓ આપણા આત્માને અભિવ્યકત કરે છે , તે આપણાં વ્યવહારો વિશે પણ ઘણીવાર વાતો કહી જાય છે. ઘણાની ઈચ્છાઓ અધુરી રહેવાથી તે તમારી પાસે સપનાના માધ્યમ વડે મદદ માંગે છે, એવું પણ મનાય છે. સપનાઓ આવે તે કોઈ ચિંતાની વાત જ નથી.
પ્રાચીન સંસ્કૃતિમાં સપનાઓને દેવતાનો સંદેશો કહેવાતો હતો. ઘણા સપનાઓને શુભ કે અશુભ પણ માનવામાં આવે છે. આપણું સપના ઉપર કોઈ નિંયંત્રણ ન હોવાથી તે ગમે તેવા આવી શકે છે, એક વાત છે કે તેને આપણાં વિચારો સાથે સંબંધ છે. ઘણા લોકોને ભગવાનના સપના આવતા હોય છે. તો નદી-તળાવ, જંગલો, પ્રાણીઓ વિગેરેના સપનાઓ આવે છે. એક વાયકા મુજબ ફુલના સપનાઓ આવે તો ભવિષ્યમાં સંપતિ મળવાનો શુભસંકેત આપે છે. ગમે તે સપનાઓ હોય તેનો તમારા ભૂતકાળ સાથે સીધો સંબંધ જોવા મળે છે. સપના હંમેશા રાત્રે ઉંઘમાંજ આવે છે, અને વહેલી સવારે આવેલા સપનાઓ સાચા પડે તેવું પણ માનવામાં આવે છે.
ઘણીવાર એવા સપનાઓ પણ આવે છે કે જેનો આપણા જીવન સાથે કોઈ સંબંધ હોતો નથી. આપણી પરંપરાઓમાં તેને શુભ અશુભ સાથે જોડીને ઘણી લોકવાયકા છે, જેમાં દરિયાના પાણીના સપનાને અશુભ તો ફુલના સપનાને શુભ ગણાય છે. મોટાભાગના લોકો પોતાના સપનાઓ બીજા સાથે શેર કરતા નથી, પણ જયારે કોઈ ઘટના નિર્માણ થાય તો તે વ્યકિત તેની વાત કરતી હોય છે. સપનાઓની ઉંચાઈ વ્યકિત તરીકે અને સામુહિક તરીકે આગલા સ્તર સુધી લઈ જવા ધ્યાન કેન્દ્રીત કરે છે. આજના દિવસે દરેકને સકારાત્મક સપનાઓ જોવા અનુરોધ કરાયો છે. વિશ્વના વિખ્યાત ફિલ્મ નિર્માતા જેમ્સ કેમરોન બીમાર પડતા તેને આરામ કરવો પડયો, જેમાં તેને સતત વિચારો આવતા તેણે ફિલ્મ ’ધ ટર્મિનેટર’ બનાવી હતી. ધ ડ્રોમ નામની અમેરિકન શોર્ટ ફિલ્મ 1911 માં બની હતી. સપના સાકાર કરવા અથાગ પરિશ્રમની જરૂર પડે છે. 2014 થી વૈશ્વિકસ્તરે આ દિવસ ઉજવાય છે. સપનાઓને સાચા પાડવા હોય તો તેને અનુસરવાની હિંમત કેળવવી પડે છે. આજે પ્રેરણા, પ્રતિબિંબની ઉજવણીનો દિવસ છે. બાળથી મોટેરા બધાએ સપના તો આવે છે આ દિવસની સ્થાપના 2012માં શિક્ષક અને પરિવર્તનશીલ વ્યૂહરચનાકાર એઝીઓમાં એગ્વુનવુ દ્વારા કરવામા આવી હતી. દરેક સ્વપ્નની શરૂઆત સ્વપ્ન દ્રષ્ટાથી થાય છે. દરેક વ્યકિતને દુનિયાને બદલવાની તાકાત ધૈર્ય, જુસ્સો આપેલો છે, તેથી તેને સપના જોવા નો તમામને હકક છે. ગરીબ હોય કે શ્રીમંત દુનિયામાં દરેકમા કોમન વાત એ છે કે દરેકને સપનાઓ આવે છે.
સપનાઓનું અર્થઘટન કેમ કરવું? દરરોજ રાત્રે વિશ્ર્વનિંદ્રામાં હોય ત્યારે એક અતિ વાસ્તવ વિશ્ર્વ આપણા મગજમાં પ્રગટ થાય છે. ભેદી રાત્રીના પ્રદર્શન વાત, વિચારો સદીઓથી માનવને આકર્ષે છે. સાવ નાનાકડું બાળક ભર ઉંઘમાં પણ કયારેક તમને હસતુ જોવા મળે છે, ત્યારે આપણને અચરજ થાય છે, પણ તે પણ વિચારતું હોવાથી આ ઘટના નિર્માણ થાય છે. સપનાની દુનિયાને જાણવા સમજવા ઉંડાણનું અધ્યયન જરૂરી છે.
સપના આપણા મન ને પ્રતિબિંબત કરે છે, લાગણીઓ અને ડર ને પ્રગટ કરે છે. ઉંઘની ગુણવતા સપનાને યાદ અને ભાવનાત્મક સુખાકારીને અસર કરે છે. સપનાઓ આપણા માનસીક અનુભવો છે, જે ઉંઘ દરમ્યાન જ થાય છે. જયારે આપણે સપના જોતા હોઈએ ત્યારે આપણું મગજ અત્યંત સક્રિય હોય છે. બંધ આંખોએ જોવાતા સપનાઓની મીઠાસ પણ કંઈક ઔર રોમાંચ પેદા કરે છે. આપણા અજાગૃત વિચારો અને લાગણીઓને કારણે તે પ્રભાવિત થાય છે. સપનાઓનું અર્થઘટન દરેક વ્યકિતએ અલગ જોવા મળે છે. સપનાઓ આપણા મનનો અરીસો છે. આપણી લાગણી અને માનસીક સ્વાસ્થ્ય તેની સાથે ગુંથાયેલું જોવા મળે છે. ઘણીવાર આપણાો તણાવ ચિંતા અને વણ ઉકેલાઈ લાગણીઓ સ્વપ્ન સ્વરૂપે પ્રગટ થાય છે. તમારા સપનાને અધુરા રહેવા દેવા માટે જીવન ખુબ નાનું છે, તેને સાકાર કરવા પ્રારંભ કરવા કયારેય મોડુ ન કરશો. આપણા બધાની સારી આવતીકાલ માટે આકાંક્ષાઓ અનેલક્ષ્યો છે. સપના સાકાર કરવા ઘણી બધી અડચણોનો સામનો કરવો પડે છે.