રાજય સરકારના મંત્રીઓ અને ભાજપ શાસિત સ્થાનીક સ્વરાજયની સંસ્થાના હોદેદારો માટે આજના દિવસે માત્ર એક જ લીટીનો કાર્યક્રમ રહેશે સદસ્યતા અભિયાન દરમિયાન આજે શકય તેટલા લોકોને ભાજપના સભ્ય બનાવવા, આજે મંત્રીઓ પોતાના મત વિસ્તારમાં સભ્યો બનાવવાની કામગીરીમાં વ્યસ્ત હોવાના કારણે દર બુધવારે યોજાતી રાજય સરકારના મંત્રી મંડળની બેઠક આજે રદ કરી દેવામાં આવી છે. આજે અન્ય કોઇપણ કાર્યક્રમ ન યોજવા કડક સુચના આપી દેવામાં આવી છે. માત્રને માત્ર ભાજપના સભ્યો બનાવવાની કામગીરી કરવા આદેશ આપવામાં આવ્યો છે. ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ પણ અમદાવાદના બોપલ વિસ્તારમાં સદસ્યતા અભિયાનમાં જોડાયા હતા.

ભાજપ દ્વારા ગત 1 સપ્ટેમ્બરથી દેશભરમાં સદસ્યતા અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાં બે કરોડ સભ્યો બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ અભિયાન 1પમી ઓકટોબર સુધી ચાલશે જેમાં આજ સુધીમાં 76 લાખ સભ્યો નોંધાયા છે. છેલ્લા ત્રણ દિવસથી સભ્ય નોંધણી માટે મેગા ડ્રાઇવ ચાલી રહ્યું છે. જેમાં 31 લાખ નવા સભ્યો બનાવવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. સોમવાર અને મંગળવારના રોજ સંગઠનના હોદેદારો દ્વારા મેગા ડ્રાઇવ અંતર્ગત કામગીરી કરાયા બાદ આજે રાજય સરકારના મંત્રીઓ, ધારાસભ્યો અને મહાપાલિકા, નગરપાલિકા, જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચુંટાયેલા પ્રતિનિધિઓ અને પદાધિકારીઓને ખાસ હોમવર્ક આપવામાં આવ્યું છે. જેમાં આજે દિવસભર તમામે માત્રને માત્ર સભ્ય નોધણી પર જ ભાર મુકવાનો રહેશે.

રાજય સરકારના તમામ મંત્રીઓ આજે પોતાના મત વિસ્તારમાં પહોંચી ગયા છે. અને સવારથી સભ્ય નોંધણીની કામગીરીમાં જોતરાય ગયા છે. ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આજે અમદાવાદના બોપલ વિસ્તારમા સદસ્યતા અભિયાનમાં જોડાયા હતા અને વધુમાં વધુ લોકો ભાજપના સભ્યો બને તેવા પ્રયાસ સીએમ દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા. કાર્યકરોને પણ આજના દિવસે વિશેષ કામગીરી કરવા માટે પ્રદેશ હાઇકમાન્ડ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. રાજયમાં ર કરોડ લોકોને ભાજપના સભ્ય બનાવવાના લક્ષ્યાંક સાથે આજ સુધીમાં 76 લાખ સભ્યો બન્યા છે.

સદસ્યતા અભિયાનને ધારી સફળતા સાંપડી નથી જેના કારણે ત્રણ દિવસની મેગા ડ્રાઇવ યોજવામાં આવી છે. જેમાં 31 લાખ નવા સભ્યો બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.. જે પરિપૂર્ણ કરવો મહામુશ્કેલ જણાતા ભાજપે હવે ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને સભય નોંધણી માટે મેદાનમાં ઉતારવાની ફરજ પડી છે. બીજી તરફ સાંસદ અને ધારાસભ્યોને આપવામાં આવેલા લક્ષ્યાંકમાં વધારો કરી દેવામાં આવ્યો છે.

આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ઉપરાંત મંત્રી મંડળના તમામ સભ્યો સદસ્યતા અભિયાનની કામગીરીમાં વ્યસ્ત હોવાના કારણે દર બુધવારે મળતી મંત્રી મંડળની બેઠક પણ રદ કરી દેવામાં આવી છે. સ્થાનીક સ્વરાજયની સંસ્થાઓના પદાધિકારીઓને પણ આજે કોઇ કાર્યક્રમ ન યોજવા પ્રદેશ ભાજપ દ્વારા આદેશ આપવામાં આવ્યા છે.

હાલ સદસ્યતા અભિયાનમાં ભાજપના 161 ધારાસભ્યો પૈકી રાજય સરકારના એક માત્ર મહિલા મંત્રી અને રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય ભાનુબેન બાબરીયા સૌથી આગળ ચાલી રહ્યા છે. જયારે બીજા ક્રમે રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ હોવાનું જાણવા મળી રહ્યું છે. અમુક ધારાસભ્યો પોતાને આપેલા લક્ષ્યાંક સુધી પહોંચી શકે તેવી સંભાવના પણ દેખાતી નથી. સભ્ય નોંધણીમાં ધારી સફળતા ન મળતા સમય અવધીમાં પણ વધારો કરવામાં આવે તેવી સંભાવના છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.