- જવાબદાર શિક્ષિકા વિરુદ્ધ પોલીસમાં નોંધાવાઈ ફરિયાદ
મહીસાગર: સંતરામપુર તાલુકાના સીમલીયા ગામે થોડા સમય પહેલા ભારે વરસાદ પડવાથી તેમજ વિદ્યાર્થીઓના મકાનો શાળા થી દૂર હોવાના કારણે પાઠ્યપુસ્તકો અને સ્કૂલ બેગ વરસાદના કારણ પલળી ન જાય તે માટે શાળામાંj તેઓએ બેગ મુકવામાં આવ્યા હતા. પરંતુ બે દિવસની રજા બાદ વિદ્યાર્થીઓ શાળા એ આવીને દફતર અને પાઠ્ય પુસ્તકો શાળાની અંદર શોધખોળ કરતા તે મળ્યા ન હતા. જેથી શાળાના વિદ્યાર્થી પારગી દેવેન્દ્ર અને કટારા પંકજે પુસ્તકો માટે શિક્ષક અને આચાર્યને રજૂઆત કરી હતી. ત્યારે વિદ્યાર્થીઓ વારંવાર માંગણી કરતા “આજે આપીશું કાલે આપીશું ” તેમ કહી શિક્ષક અને આચાર્ય સમય પસાર કરતા હતા.
ત્યારે વિદ્યાર્થીઓને બેગ ન મળતા આખરે હારી થાકીને તેમણે વાલીઓને જાણ કરી હતી. ત્યારે વાલીઓએ પણ શાળાની અંદર તપાસ કરી હતી. ત્યારે શોધખોળ દરમિયાન જાણવા મળ્યું હતું કે બંને વિદ્યાર્થીઓનાં દફતર અને પાઠ્ય પુસ્તકો શાળામાં સળગાવી દેવામાં આવ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓનાં દફતર અને પાઠ્ય પુસ્તકો શાળામાં ફરજ બજાવતા શિક્ષિકાએ સળગાવી નાખ્યા હોવાના આક્ષેપો વાલીઓ દ્વારા લગાવવામાં આવ્યા હતા.
આ સાથે સમગ્ર ઘટનાને લઈને સીમલીયા પ્રાથમિક શાળામાં સવારથી જ મોટી સંખ્યામાં વાલીઓ શાળાએ એકઠા થયા હતા. તેમજ શાળામાંથી વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તકો બેગ સહિત તેમને પરત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. તેમજ આવું શા માટે કરવામાં આવ્યું તે વિશે જવાબ માંગ્યો હતો. પરંતુ શાળાના જવાબદાર શિક્ષક શિક્ષિકાઓ તરફથી કોઈ યોગ્ય જવાબ આપ્યો ન હતો. તેમજ અમે તો આવું કર્યું જ નથી તેવું શાળા તરફ થી જણાવવામાં આવ્યું હતું.
ત્યારે આ સમગ્ર મામલે તમામ વાલીઓએ ભેગા મળી શાળાના શિક્ષિકા વિરુદ્ધપોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં વાલીઓએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે છેલ્લા 10 – 15 વર્ષથી આ પ્રાથમિક શાળામાં સારું શિક્ષણ ન મળવાના કારણે વિદ્યાર્થીઓનું ભાવી પણ બગડી રહ્યું છે. જેથી શિક્ષિકા અને આચાર્યની અહીંયા થી બદલી કરવામાં આવે તેમજ વર્ષોથી ચીટકી રહેલા શિક્ષક અને શિક્ષિકાઓની બદલી કરવામાં આવે તો જ અમારા ગામનો અને શિક્ષણનો ઉદ્ધાર થાય તેમ છે તેવું વાલીઓએ જણાવ્યું હતું. આ સાથે અમારા વિદ્યાર્થીઓને બેગ સાથે પાઠ્યપુસ્તકો પરત કરવામાં નહીં આવે તો ટૂંકા ગાળામાં શાળાને તાળાબંધી પણ કરવામાં આવશે તેવી ચીમકી વિદ્યાર્થીઓના તમામ વાલીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.
અમીન કોઠારી