ગુજરાતમાં ચોમાસા બાદ રોગચાળો વકર્યો છે. તેમાં ગુજરાતનું નાનામાં નાનું શહેર પણ તેનાથી બાકાત નથી. અમદાવાદ, સુરત, રાજકોટ જેવા શહેરોમાં વિવિધ રોગોએ માઝા મૂકી છે. તેમજ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. ડેન્ગ્યુ એ તાવનો એક પ્રકાર છે. તેમજ ડેન્ગ્યુ વાયરસના કારણે થાય છે. તેના લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, સ્નાયુ-સાંધામાં દુખાવો, અને ત્વચા પર ઓરી જેવી ફોલ્લીઓનો સમાવેશ થાય છે. એક નાના પ્રમાણના કિસ્સાઓમાં આ રોગ જીવન માટે જોખમી છે.

આ દરમિયાન રાજકોટમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે. ત્યારે શહેરના પેડક રોડ પર સેટેલાઇટ ચોક સેટેલાઇટ સોસાયટી શેરી નંબર 1 માં રહેતા યુવાનને થોડા સમય પહેલા સામાન્ય તાવ આવ્યા બાદ તબિયત વધુ લથડતા તેને પ્રથમ સારવાર કુવાડવા રોડ પર આવેલ સ્કંદન લાઈફ કેરમા આપવામાં આવેલ હતી. જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેની તબિયત વધારે ખરાબ થતા તેને વોકાર્ડ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર કારગત નીવડે તે પહેલા તેનું મોત થઈ જતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. ત્યારે પરિવાર દ્વારા સ્કંદન લાઈફ કેર હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફની બેદરકારીના આક્ષેપો કરવામાં આવ્યા હતા.

મૃતકની તબિયત ખરાબ થતા પરિવારે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવાનું ડોક્ટરને પૂછ્યું હતું. પરંતુ ડોક્ટરે કોઈ યોગ્ય જવાબ આપ્યો ન હતો. તેને સંતાનમાં એક 4 માસની પુત્રી છે. અને મૃતક વ્યક્તિ ઓટો કન્સલટનો વ્યવસાય ધરાવે છે. તેના પરિવારજનોએ લોકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, લોકોએ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં સારવાર લેવી જોઈએ. જેથી કરીને બધી જ પ્રકારની સારવાર એક જ હોસ્પિટલમાં મળી રહે. આ દરમિયાન મોતનું સચોટ કારણ જાણવા મૃતદેહને PM અર્થે સીવીલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.