- ટ્રેક પર દોડી આવતી ગરીબ રથ એક્સપ્રેસને અટકાવી દેવાઈ : ડીવાયએસપી અને પીઆઈ સહિતના અધિકારીઓ દોડી ગયાં
સુરતમાં ટ્રેન ઉથલાવાનું ષડયંત્ર સામે આવ્યું છે. કીમ રેલવે સ્ટેશન નજીક ટ્રેન ઉથલાવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રેલવે ટ્રેક પર ફિશ પ્લેટ ખુલ્લી મળી આવતા દોડધામ મચી જવા પામી હતી. કોઈ અજાણ્યા ટીખળખોરે અપ ટ્રેકમાંથી ફિશ પ્લેટ અને કેટલીક ચાવીઓ ખોલી અપ ટ્રેક પર મૂકી દીધી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર ઉત્તર પ્રદેશની માફક હવે ગુજરાતમાં પણ ટ્રેનને પાટા પરથી ઉતારી દેવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. જોકે રેલવે પોલીસની સસતર્કતાને લીધે કોઇ મોટો અકસ્માત સર્જાતા અટક્યો છે.
પશ્વિમ રેલવે વડોદરા ડિવીઝને એક વિડીયો જાહેર કરીને જણાવ્યું હતું કે કેટલાક અજાણ્યા લોકોએ કિમ રેલવે સ્ટેશન નજીક યુપી લાઇન ટ્રેક પરથી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને તેને ટ્રેક પર મૂકી દીધી હતી. જે બાદ ટ્રેનની અવર-જવર બંધ કરી દેવામાં આવી હતી. જોકે ઝડપથી જ લાઇન પર ટ્રેન સેવા શરૂ કરી દેવામાં આવી હતી.
ઘટનામાં કિમ પોલીસમાંથી મળેલી વિગત અનુસાર આજે વહેલી સવારે રેલવે પોલીસના જવાનો પેટ્રોલિંગમાં હતા દરમિયાન કોઈ ટીખળખોરે ટ્રેક પરથી ફિશ પ્લેટ અને ચાવીઓ કાઢીને અન્ય ટ્રેક પર મૂકી દીધાનું સામે આવ્યું હતું. જે બાદ રેલવે પોલીસ દ્વારા રેલવે વિભાગ અને કિમ પોલીસને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. જાણ થતાંની સાથે જ ડીવાયએસપીસરવૈયા, કિમ પોલીસના પીઆઈ પી એચ જાડેજા, કોસંબા પીઆઈ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયાં હતા.
ઘટનાની જાણ થતાંની સાથે જ ટ્રેક પર દોડતી આવતી ગરીબરથ એક્સપ્રેસને અટકાવી દેવામાં આવી હતી જેથી મોટી દુર્ઘટના સહેજમાં ટળી ગઈ હતી. ત્યારબાદ તાત્કાલિક ટ્રેક રીપેર કરવાની શરૂઆત કરી દેવામાં આવી હતી. બીજી બાજુ પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવીની ચકાસણી શરૂ કરવામાં આવી હતી પણ બનાવ કિમ રેલવે સ્ટેશનથી અંદાજિત ત્રણ કિલોમીટર દૂર બની હોવાથી નજીકમાં સીસીટીવી કેમેરા નહિ હોવાથી પોલીસ માટે ટીખળખોરને શોધવો પડકારરૂપ બન્યું છે.
રિપોર્ટ અનુસાર તાજેતરમાં જ બે દિવસ પહેલાં ઉત્તર પ્રદેશના રામપુરમાં કેટલાક અસામાજિક તત્વોએ રેલવેના પાટા પર ટેલીફોનના તાર લગાવવામાં ઉપયોગ થનાર એક જૂના છ મીટર લાંબા લોખંડનો થાંભલો મુકી દેધો હતો. જોકે દેહરાદૂન એક્સપ્રેસ ટ્રેનના ચાલક દ્રારા ઇમરજન્સી બ્રેક લગાવવામાં આવતાં અકસ્માત ટળી ગયો હતો. રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘટના રામપુરથી લગભગ 43 કિલોમીટર દૂર રૂદ્રપુર સિટી રેલવે સ્ટેશન પાસે સર્જાઇ હતી. રૂદ્રપુર સિટી સેક્શનના રેલવે એન્જીનિયર રાજેન્દ્ર કુમારને ફરિયાદ પર રામપુરના રાજકીય રેલવે પોલીસ મથકમાં એક અજાણ્યા વ્યક્તિ વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અવાર-નવાર આવી ઘટનાઓને જોતાં રેલવે સ્ટાફની સાથે જીઆરપી, આરપીફ અને સ્થાનિક પોલીસ પણ સતર્ક થઇ ગઇ છે.
તોફાની તત્વોને શોધી કાઢવા અલગ – અલગ ટીમો કામે લાગી : પીઆઈ જાડેજા
મામલામાં કિમ પોલીસ મથકના પીઆઈ પી એચ જાડેજાએ ‘અબતક’ સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે 6 વાગ્યાં આસપાસ આ બનાવ બનવા પામ્યો હતો. જેથી તાત્કાલિક કિમ, કોસંબા પોલીસની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. એક ટીમ દ્વારા સીસીટીવી સહીતની ચકાસણી શરૂ કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઘટના ધ્યાને આવતા ગરીબરથ એક્સપ્રેસને રોકી દેવામાં આવી હતી જેથી મોટી દુર્ઘટના બનતા અટકી હતી.