બન્ને દેશોએ એકબીજાની ગરજ મુજબ સંબંધોનો ઉપયોગ કર્યો: પાકિસ્તાન પૈસાની લાલચે અને અમેરિકા આતંકના ખાત્મા માટે એકબીજા સાથે જોડાયેલા રહ્યાં
છેલ્લા થોડા દિવસથી અમેરિકા અને પાકિસ્તાને એકબીજા સામે લાલઆંખ દેખાડવાનું શ‚ કર્યું છે. અમેરિકાએ પાકિસ્તાનને આર્થિક સહાય બંધ કરવાનો નિર્ણય લીધા બાદ પાકિસ્તાન ગીન્નાયુ છે. પાકિસ્તાને અમેરિકા પર અનેક લોકોનો ભોગ લીધો હોવાનો આક્ષેપ કર્યો છે. એકબીજા સામેની આક્ષેપબાજીથી વૈશ્ર્વિક માહોલ ગરમાયો છે.
અલબત હાલ એકબીજા સામે આક્ષેપ કરતા બન્ને દેશો વર્ષોથી ‘સગવડીયા’ મીત્રો રહ્યાં છે. જયારે જયારે જ‚ર પડી છે ત્યારે ત્યારે એકબીજાનો ઉપયોગ કરવાનું ચૂકયા નથી. બન્ને એકબીજાના સ્વાર્થ ખાતર વર્ષોથી નજીક રહ્યાં છે. ગઈકાલે આતંકી સંગઠનો સામે પગલા ન લેવાય ત્યાં સુધી આર્થિક સહાય ન આપવાનો નિર્ણય અમેરિકાએ લીધો હતો. આ નિર્ણયની અસર પાકિસ્તાનને થશે.
અમેરિકાએ પાકિસ્તાનને આતંકવાદના ખાત્મા માટે કરોડો ડોલરની સહાય અત્યાર સુધી કરી છે. ૯/૧૧ના હુમલા બાદ અફઘાનિસ્તાનમાં આતંકીઓનો સફાયો કરવા અમેરિકાએ પાકિસ્તાનની ધરતીનો ભરપુર ઉપયોગ કર્યો છે. આ યુદ્ધમાં પાકિસ્તાનને થયેલા નુકશાનનું અમેરિકાએ ડોલરના ભંડાર ઠાલવી વળતર ચૂકવ્યું છે. માટે પાકિસ્તાન અત્યાર સુધી મુંગુ હતું પરંતુ હવે અમેરિકાએ પાકિસ્તાનને નાણાકીય સહાય આપવાનો ઈન્કાર કર્યો છે. માટે પાકિસ્તાન આડુ ફાટે તેવી શકયતા છે.
અમેરિકા સાથે ડખ્ખો થતાં પાકિસ્તાન ચીનના ખોળામાં જઈને બેસી ગયું છે. અલબત પાકિસ્તાન અગાઉ પણ અમેરિકા સાથે સગવડતા મુજબની મીત્રતા રાખી ચૂકયું છે. બન્ને દેશોએ એકબીજાની ગરજનો ભરપુર ઉપયોગ કર્યો છે. અમેરિકાએ પાકિસ્તાનને એક રીતે સૈન્ય અડ્ડો જ બનાવી લીધો છે. ૧૯૫૦માં રશિયા ઉપર નજર રાખવા અમેરિકાએ પાકિસ્તાનના પેશાવર એર સ્ટેશનનો ઉપયોગ કર્યો હતો. આ એર સ્ટેશનથી અમેરિકાને મિસાઈલ છોડવા સુધીની પરવાનગી પાકિસ્તાને આપી હતી.
પાકિસ્તાને અમેરિકાના પ્રમુખ રિચાર્ડ નિકસનને ચીનના પ્રથમ પ્રવાસ માટે મદદ પણ કરી હતી. જેના બદલામાં અમેરિકાએ લાખો ડોલરની આર્થિક સહાય અને હથિયારો આપ્યા હતા. ૧૯૮૦માં પાકિસ્તાનને સહાય આપવાનું અમેરિકાએ ઓછું કર્યું હતું. આ સમયગાળામાં પાકિસ્તાન ભંડોળનો ઉપયોગ અણુ શસ્ત્રો વિકસાવવા કરી રહ્યું હોવાની શંકા અમેરિકાને થઈ હતી. ૧૯૯૨ બાદ અમેરિકા અને પાકિસ્તાનના સંબંધો થોડા ગાઢ બન્યા હતા. ત્યારબાદ અમેરિકાએ પાકિસ્તાનને અવાર-નવાર આર્થિક ભંડોળ ચૂકવ્યું હતું. જેના બદલામાં અમેરિકાની આતંક વિરોધી કાર્યવાહીમાં આંખે પાટો બાંધવાની શરત પાકિસ્તાન સમક્ષ મુકાઈ હતી. અમેરિકાની કાર્યવાહીમાં હજ્જારો પાકિસ્તાઓના પણ મોત નિપજયા હતા. પરંતુ આર્થિક ભંડોળની લાલચે પાકિસ્તાન આ મામલે ચૂપ બેઠુ હતું.