- ગુજરાત પેવેલીયનનો કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલે આરંભ કરાવ્યો
ભારત સરકાર દ્વારા નવી દિલ્હી ખાતે વર્લ્ડ ફૂડ ઇન્ડિયાના ત્રીજા સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત આ સમિટમાં પોતાની કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ સ્ટ્રેન્થનું પ્રદર્શન કરવા માટે ભાગીદાર રાજ્ય તરીકે સહભાગી થયું છે. 22 સપ્ટેમ્બર સુધી યોજાના વર્લ્ડ ફૂડ ઇન્ડિયા-2024નો ભારત મંડપમ ખાતે કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રલ્હાદ જોશી, કેન્દ્રીય ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાન તેમજ કેન્દ્રીય ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્ય મંત્રી રવનીત સિંહની પ્રેરક ઉપસ્થિતિમાં શુભારંભ થયો હતો.
ભાગીદાર રાજ્યના પ્રતિનિધિ તરીકે ગુજરાત તરફથી કૃષિ મંત્રી રાઘવજી પટેલ વર્લ્ડ ફૂડ ઇન્ડિયાના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ સમિટ અંતર્ગત આયોજિત પ્રદર્શનમાં ગુજરાત સરકારના પવેલીયનનું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે ગુજરાતની માળખાકીય શક્તિઓ, અદ્યતન ટેકનોલોજી અને નિકાસ સંભવિતતા રજૂ કરવામાં આવી છે. આ ઉપરાંત કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલના અધ્યક્ષ સ્થાને ઉચ્ચ સ્તરીય સીઇઓ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં 100થી વધુ મલ્ટીનેશનલ કંપનીના ચીફ એકઝીક્યુટીવ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા. આ સીઇઓ કોન્ફરન્સમાં કેન્દ્રીય ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાન અને રાજ્ય મંત્રી રવનીતસિંહ ઉપરાંત ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
કૃષિ મંત્રીએ ગુજરાત પવેલિયનની મુલાકાત લઇ જણાવ્યું હતું કે, વિશ્ર્વને ભારત અને ખાસ કરીને ગુજરાતની સમૃદ્ધ ખાદ્ય સંસ્કૃતિનો પરિચય કરાવવા તેમજ વૈવિધ્યસભર ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં રોકાણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી વર્લ્ડ ફૂડ ઇન્ડિયા સમિટના આયોજનમાં ગુજરાત ભાગીદાર તરીકે સહભાગી થયું છે. આજે ગુજરાત ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. એ સમય દૂર નથી, જ્યારે અન્ય ક્ષેત્રોની જેમ ગુજરાત ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે પણ દેશમાં અગ્રેસર બનશે.આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી ઉપરાંત ગુજરાતના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. અંજુ શર્મા, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના મેનેજીંગ ડીરેક્ટર ડી. એચ. શાહ સહિત કૃષિ વિભાગના વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.