- કોંગી આગેવાનો પોલીસ કમિશનર કચેરી ખાતે દોડી ગયાં : અધિક પોલીસ કમિશનરને રજુઆત
કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ તાજેતરમાં જ બેફામ ટિપ્પણીઓ કરવામાં આવી હતી તેમજ રાહુલ ગાંધીની જીભ કાપી લાવનારને ઇનામની જાહેરાત પણ કરવામાં આવી હતી. જેની સામે કોંગી આગેવાનો લાલઘુમ થયાં છે. આજે રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણી સહિતના આગેવાનો પોલીસ કમિશ્નર કચેરી ખાતે દોડી ગયાં હતા અને આ પ્રકારની ટિપ્પણી કરનાર વિરુદ્ધ તાત્કાલિક ગુનો નોંધવા રજુઆત કરી હતી.
તાજેતરમાં બીજેપી નેતા તરવિન્દર સિંહ મારવાહએ એક કાર્યક્રમમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે, ’રાહુલ ગાંધી બાઝ આજા, નહીં તો આને વાલે ટાઈમ મેં તેરા ભી વહી હાલ હોગા જો તેરી દાદી કા હુઆ થા’, શિંદે સેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડએ તા. 16-9-2024ના રોજ જાહેરમાં 11 લાખના ઈનામની જાહેરાત કરતા કહ્યું હતું કે, જે કોઈ વિપક્ષના નેતા રાહુલ ગાંધીની જીભ કાપશે તેને 11 લાખ ઈનામ આપીશ. તેમજ રેલ્વે રાજ્ય મંત્રી રવનીત બિહુએ તા. 15-9-2024 ના રોજ મીડિયા સાથે જાહેરમાં વાત કરતી વખતે રાહુલ ગાંધીને ’દેશનો નંબર વન આતંકવાદી’ તરીકે સંબોધ્યા હતા. ઉપરાંત 16-9-2024ના રોજ ભાજપના નેતા અને યુપીના મંત્રી રઘુરાજ સિંહે પણ જાહેરમાં કહ્યું કે વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધી ’ભારતના નંબર વન આતંકવાદી’ છે.
ત્યારે રોષે ભરાયેલા કોંગી આગવવાનોએ રજુઆત કરતા જણાવ્યું છે કે, ભાજપના વિવિધ નેતાઓ અને તેના સાથી પક્ષો દ્વારા જારી કરાયેલ ઉપરોક્ત નિવેદનો અને ધમકી રાહુલ ગાંધીની હત્યા અથવા શારીરિક ઈજાને પ્રોત્સાહન આપનારું છે. રાહુલ ગાંધી સામે આવા ઉચ્ચારણ માત્ર નફરતથી ભરેલી ટીપ્પણીઓ દ્વારા સામાન્ય જનતામાં અશાંતિ ફેલાવવા, રમખાણો ભડકાવવા, શાંતિ ભંગ કરવા વગેરેના ઉદ્દેશ્યથી કરવામાં આવે છે. વધુમાં કોંગ્રેસે જણાવ્યું છે કે, ઉપરોક્ત આપવામાં નામવાળી વ્યક્તિઓએ ઉપર વર્ણવ્યા મુજબ માત્ર નિવેદનો જ આપ્યા નથી પરંતુ તેમના સહયોગીઓ દ્વારા સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા ગુનાહિત નિવેદનો ફેલાવ્યા હતા તેમજ જાણી જોઈને ઉશ્કેરણી પેદા થાય તેવું કામ કરવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી. આથી ગુનેગારો સામે બીએનએસની કલમ 351, 352, 353, 61 હેઠળ ફરિયાદ નોંધવા રજુઆત કરવામાં આવી છે.
મહારાષ્ટ્રના ધારાસભ્ય સંજય ગાયકવાડ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા યુનિવર્સીટી પોલીસને રજુઆત
મહારાષ્ટ્રના બુલઢાણા મતવિસ્તારના શિંદે જૂથના ધારાસભ્ય સંજય ગાયકવાડ દ્વારા આપવામા આવેલ લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ દ્વેષપૂર્ણ ભાષણ વિરુદ્ધ પગલાં લેવા રાજકોટ જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ રોહિત રાજપુતે રજુઆત કરી છે. તેમણે રજુઆત કરતા જણાવ્યું છે કે, સંજય ગાયકવાડનું નિવેદન રાહુલ ગાંધીને જીવને જોખમ ઉભું કરનારું છે અને આ નિવેદનથી સમાજમાં દ્વેષ ઉદભવી શકે છે જેથી ધારાસભ્ય વિરુદ્ધ એફઆઈઆર નોંધી જરૂરી પગલા ભરવા વિનંતી કરુ છુ.