- ભૂગર્ભ ગટર કૌભાંડ મુદ્દે વિરોધ પક્ષ નેતાના આક્ષેપો
- પ વર્ષ પહેલા ર0 લાખમાં થતું કામ હવે 4 કરોડમાં થાય છે અને ફરીયાદો હલ કરવાનો ખર્ચ મનપા ચૂકવે છે
જામનગર મહાનગર પાલિકામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. વિરોધ પક્ષનેતા ધવલ નંદાએ જણાવ્યું હતું કે જામનગર મહાનગર પાલિકા ભ્રસ્ટાચારનુ એપિ-સેન્ટર બની ગયું છે. વિપક્ષના નેતા ધવલ નંદાએ દાવો કર્યો છે કે, કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર વિનાનું એકેય કામ નથી હોતું અને ભૂગર્ભ ગટરની સફાઈના નામે લાખો રૂપિયાનું કૌભાંડ ચાલી રહ્યું છે. વિપક્ષ દ્વારા અનેક આક્ષેપો કરવા છતા કુંભકર્ણની નિંદ્રામાં સુતેલુ મહાનગરપાલિકાનું તંત્ર જાગતુ પણ નથી.દરરોજ નોંધાતી 170 ફરિયાદોમાંથી 90% ફરિયાદો બોગસ હોવાનું સામે આવ્યું છે. આ બોગસ ફરિયાદો કોન્ટ્રાક્ટરોના માણસો જ કરે છે અને પછી તે જ કામ કરીને બિલ બનાવી નાણાં ખિસ્સામાં પાડે છે. આ સમગ્ર કૌભાંડમાં કોન્ટ્રાક્ટરો, મહાપાલિકાના અધિકારીઓ અને એન્જિનિયરો સામેલ હોવાનો આક્ષેપ સામે આવ્યા ‘અબતક’ સાથેની વાતચીતમાં ધવલ નંદાએ જણાવ્યું કે, પાંચ વર્ષ પહેલાં 20 લાખ રૂપિયામાં થતું કામ હવે 4 કરોડ રૂપિયામાં થાય છે. આ કૌભાંડને કારણે લોકોના કરોડો રૂપિયા બગાડવામાં આવી રહ્યા છે. નંદાની તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, ભૂગર્ભ ગટર સાફ કરવાના ભાવ નક્કી કરવામાં આવ્યા છે અને ફરિયાદ મળતાં જ આ ભાવ પ્રમાણે બિલ બને છે. બે એન્જિનિયરો દ્વારા ફરિયાદની તપાસ થાય છે અને જામનગર મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ આ કૌભાંડમાં સામેલ છે. નંદાએ આ કૌભાંડને રોકવા માટે તાત્કાલિક તપાસ કરી કાર્યવાહી કરવાની માગ કરી છે.
સફાઇના નવા કોન્ટ્રાકટ માટે ટેન્ડર પ્રક્રિયાઓ હાથ ધરાય: નાયબ ઇજનેર અમિત કણસાગરા
‘અબતક’ સાથેની વાતચીતમાં જામનગર મહાનગરપાલિકાના નાયબ ઇજનેર અમિત કણસાગરાએ જણાવ્યું હતું કે, જામનગર મનપા દ્વારા હાલ જે હયાત ભૂગર્ભ ગટર નેટવર્ક છે. તેની ફરીયાદ આધારીત સફાઇ કામગીરી કરવામાં આવે છે. અને સફાઇ કામગીરી અન્વયે જે ફરીયાદ આવે છે જેમાં વોટસઅપ, પદાધિકારી, કોર્પોરેટરો તથા અરજદારો દ્વારા રૂબરૂ ફરીયાદો તથા ઓનલાઇન ફરીયાદો કરવામાં આવે છે આ તમામ ફરીયાદોનો નિકાલ લગત ઝોન દ્વારા કરવામાં આવે છે. તે ફરીયાદના નિકાલ બાદ રેન્ડમલી વેરીફીકેશન કરવામાં આવે છે. આ પ્રક્રિયા બાદ ઓડીટ કરવામાં આવે છે. દરરોજ ભૂગર્ભ ગટરને લગત 150 થી 170 જેટલી ફરીયાદો આવે છે અને ઝડપ ભેર ફરીયાદોનું નિકાલ કરવા અમે કામગીરી કરીએ છીએ.