- રૂપિયો ગઈકાલે 10 પૈસા મજબૂત થયા બાદ આજે પણ 7 પૈસા મજબૂત થયો: સેન્સેક્સે 83773 અને નિફટીએ 25611ની સપાટી સ્પર્શી
- અમેરિકન ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં 0.50 ટકાનો ઘટાડો કર્યો છે અને અપેક્ષા મુજબ સ્થાનિક શેરબજારો તેજી સાથે ઓપન થયા હતા. આજે યુએસ ફેડના નિર્ણયની તાત્કાલિક અસર ભારતીય બજાર પર જોવા મળી રહી છે અને સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ હાઈ પર ખુલ્યા છે.
યુએસ ફેડ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવાના નિર્ણય બાદ ગુરુવારે શરૂઆતના વેપારમાં યુએસ ડોલર સામે રૂપિયો 7 પૈસા વધીને 83.69 પર પહોંચ્યો હતો. ગઈકાલે બુધવારે રૂપિયો 10 પૈસા સુધરીને મંગળવારે યુએસ ડોલર સામે 83.76 પર સેટલ થયો હતો. તો બીજી તરફ સેન્સેક્સે 83773 અને નિફટીએ 25611ની ઓલ ટાઈમ સપાટી સ્પર્શી છે.
બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં 3.09 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. એટલે કે બજાર ખુલતાની સાથે જ રોકાણકારોની સંપત્તિમાં 3.09 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. અગાઉ 18 સપ્ટેમ્બર 2024ના રોજ, બીએસઇ પર લિસ્ટેડ તમામ શેર્સની કુલ માર્કેટ કેપ 4,67,72,947.32 કરોડ રૂપિયા હતી. આજે એટલે કે 19 સપ્ટેમ્બર 2024ના રોજ બજાર ખુલતાની સાથે જ તે 4,70,82,827.84 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. મતલબ કે રોકાણકારોની મૂડીમાં 3,09,880.52 કરોડ રૂપિયાનો વધારો થયો છે.
બીજી તરફ એશિયન માર્કેટમાં આજે તેજી જોવા મળી રહી છે. જાપાનનો નિક્કેઈ 2.49% અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.49% ઉપર છે. જ્યારે હોંગકોંગનો હેંગસેંગ પણ 1.27% છે. 18 સપ્ટેમ્બરે અમેરિકન બજારનો ડાઉ જોન્સ 0.25% ઘટીને 41,503ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે નાસ્ડેક 0.31% ઘટીને 17,573 પર બંધ રહ્યો હતો. એસએન્ડપી 500 0.29% ઘટ્યો. એનએસઇના ડેટા અનુસાર, વિદેશી રોકાણકારોએ 18 સપ્ટેમ્બરે રૂ. 1,153.69 કરોડના શેર ખરીદ્યા હતા. આ સમયગાળા દરમિયાન સ્થાનિક રોકાણકારોએ પણ રૂ. 152.31 કરોડના શેર ખરીદ્યા હતા.
અમેરિકાએ વ્યાજદરમાં અપેક્ષા કરતા પણ વધુ ઘટાડો કર્યો
ફેડરલ રિઝર્વે ચાર વર્ષમાં પ્રથમ વખત વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. એવી અપેક્ષા હતી કે ફેડરલ રિઝર્વ વ્યાજદરોમાં 25 બેઝિક પોઈન્ટનો ઘટાડો કરશે, પરંતુ તેણે અપેક્ષા કરતાં વધુ વ્યાજદરોમાં 50 બેઝિક પોઈન્ટનો ઘટાડો જાહેર કર્યો છે. આનાથી બજારને ટેકો મળ્યો છે. કોઈપણ મધ્યસ્થ બેંક પાસે પોલિસી રેટના સ્વરૂપમાં ફુગાવા સામે લડવા માટે એક શક્તિશાળી સાધન છે. જ્યારે ફુગાવો ઘણો ઊંચો હોય છે, ત્યારે સેન્ટ્રલ બેંક પોલિસી રેટ વધારીને અર્થતંત્રમાં નાણાંના પ્રવાહને ઘટાડવાનો પ્રયાસ કરે છે.
ચાંદીની સાથે સોનાનો ભાવ આસમાને
યુએસ ફેડરલ રિઝર્વે બુધવારે વ્યાજદરમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યા બાદ સોનાના ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા હતા, જેના કારણે ડોલરમાં ઘટાડો થયો હતો. ઈન્ટરનેશન માર્કેટમાં સ્પોટ ગોલ્ડ 0.9% વધીને 2,592.39 ડોલર પ્રતિ ઔંસ થયું. યુએસ ગોલ્ડ ફ્યુચર્સ 0.2% વધીને 2,598.60 ડોલર પર પહોંચી ગયો. તો બીજી તરફ સ્થાનિક માર્કેટમાં થોડા સમયમાં સોનુ 80,000 અને સાથે ચાંદી 1,00,000ને આંબશે તેવો નિષ્ણાંતોનો આશાવાદ છે.