- જાપાનના એક તળાવમાં લોખંડ અને મીઠાની માત્રા વધારે હોવાથી, તળાવના પાણીનો રંગ લાલ રંગનો જોવા મળે છે : બ્રાઝિલના પાલો ટાપુ ખતરનાક સાપોથી ઉભરાયેલો રહે છે, અહીંના સાપની ગણના વિશ્ર્વના સૌથી ઝેરીલા સાપમાં કરવામાં આવે છે
- આફ્રિકાના કિવું તળાવના પાણીની નીચે મિથેન ગેસ આવેલો હોવાથી, તેના ઝેરી ગેસથી બનેલા વાદળો જો સપાટી ઉપર આવી જાય તો માણસનું મૃત્યુ થઈ શકે છે : બર્માના રામરી આઇલેન્ડનાં ખારા પાણીમાં ખતરનાક મગરોથી દ્વીપ ભરેલો રહે છે
આજના યુગમાં લોકો મનોરંજન અને સાહસ માટે અન્ય કરતા જુદી જગ્યાએ ફરવાનું પસંદ કરતા હોય છે. દુનિયામાં એવા કેટલા સ્થળો છે ,જ્યાં બહુ જૂજ લોકો જ જવાનું પસંદ કરતા હોય છે, આવી જગ્યાએ આનંદ સાથે સાહસ તો મળે છે, પણ ઘણીવાર જીવનું જોખમ પણ વધી જાય છે. આજના યુગમાં લોકોમાં ટ્રાવેલ કરવાનું જબ્બર ક્રેઝ છે, ત્યારે લોકો ટેન્શન દૂર કરવા પર્વતો, જંગલો, ધોધ, દરિયા કિનારો કે ટાપુની મુલાકાત લેતા હોય છે. અમેરિકામાં આવેલી ડેથ વેલી ને પૃથ્વીની ભઠ્ઠી કહેવામાં આવે છે, જ્યાં માણસ 14 કલાકથી વધુ જીવી શકતો નથી, એના રણને પૃથ્વીનો સૌથી ગરમ તાપવાળું રણ કહેવાય છે. આ ભયાનક જગ્યાએ પણ લોકો જોવા ને ફરવા જાય છે. બિકીની એટોલ ટાપુ, માર્શલ ટાપુ ના દરિયાના મોજા માં ક્યાંક ખોવાયેલો હોવાથી દૂરથી ખૂબ જ સુંદર લાગે છે. આ જગ્યાની સફેદ રેતી અને હરિયાળી પર્યટકો ને આકર્ષે છે. આ ટાપુ પર રેડીએશન ઉચ્ચસ્તર હોવાથી કેન્સરનો ભય રહે છે, જોકે આ ટાપુ મનુષ્ય અને પ્રાણીઓ માટે હવે રહેવા યોગ્ય નથી. વિશ્ર્વમાં કેટલાક એવા પણ સ્થળો છે, જયાં મનુષ્યોને રહેવા માટે વધારે ખતરનાક છે. આમાંથી કેટલાક ક્ષેત્રો એવા પણ છે જયાં લોકોને જવા માટે પ્રતિબંધ હોય છે. આજે ધરતીના કેટલાક એવા જ સ્થળો વિશે વિગતો આ લેખમાં પ્રસ્તુત કરી છે.
ખૂની પોખર, જાપાન
આ જાપાનની સૌથી ફેમસ જગ્યામાંથી એક છે. આ તળાવમાં તરવાની મનાઇ છે. કારણ કે આનું તાપમાન 194 ફેરનહાઇટમાં રહે છે. તળાવમાં લોખંડ અને મીઠાની માત્રા વધારે છે. તેથી આ તળાવનું પાણી ખૂની લાલ રંગનું હોય છે. આ પાણીમાં વરાળની સપાટીથી બાષ્પીભવન થાય છે. આને જોતા એવું લાગે છે કે જાણે આ નરકનું દ્વાર હોય.
માઉન્ટ મેરાપી જવાળામુખી, ઇન્ડોનેશિયા
માઉન્ટ મેરાપી એક સક્રિય જવાળામુખી છે, જે ઇન્ડોનેશિયાના યાગ્યકાટામાં આવેલ છે. ઇન્ડોનેશિયામાં આ સૌથી સક્રિય જવાળામુખી છે. 1548 થી સક્રિય છે. જયારે આમાં વિસ્ફોટ ન થાય ત્યારે પણ આમાંથી વધારે ઘુમાડાઓ નીકળે છે. આ ઘુમાડો આકાશમાં બે માઇલ ઊંચાઇ સુધી દેખાય છે. આની આજુબાજુ ચાર માઇલથી પણ નજીક બે લાખ લોકો રહે છે. જો આ જવાળામુખી અચાનક મોટો થાય તો લોકો પાયમાલ થઇ શકે છે.
મિયાક્રેઝીમા આઇલેન્ડ, જાપાન
જાપાન સ્થિત આ આઇલેન્ડમાં ન્યુકિલચર અકસ્માતો સિવાય પણ ભૂકંપ ઘટનાઓ ખૂબ ઘટે છે. અહીના શ્યામાઓયામાં જવાળામુખી ફાટતો રહે છે. આ જવાળામુખીને કારણે અહીં લોકો સ્વચ્છ શ્ર્વાસ પણ નથી લઇ શકતા, આ આઇલેન્ડમાં જીવતું રહેવા માટે લોકોને હમેશા ગેસ માસ્ક લગાવી રાખવું પડે છે, કારણ કે અહીં વાતાવરણમાં ઝેરી વાયુઓનું પ્રમાણ સામાન્ય કરતા વધુ માત્રામાં છે. આ ઉપરાંત આ દ્રીપમાં એક નહિ પણ અનેક જોખમ છે.
સેબલ આઇલેન્ડ, જહાજોને ખાનારો આઇલેન્ડ, કેનેડા
કેનેડામાં હેલિફેકસ પાર્ટની પાસે આ દ્રીપ ઝાકળમાં સતત છુપાયેલ રહે છે. આને જોતા એવું લાગે છે કે હંમેશા શિકારની શોધમાં સાવધ રહે છે. આ અખાતની ગરમ લહેર લેબ્રોડોરની ઠંડી હવાને મળે છે. ઝડપી પવનો અને ઘણાં ઊંચા મોજાની વચ્ચે લગભગ આ દ્રીપ દેખાતો નથી, એટલા માટે અહીં કેટલાક જહાજો દુર્ધટનાગ્રસ્ત થાય છે. આ જમીનની રેતીનો રંગ સમુદ્રના પાણીની જેમ બદલાતો રહે છે. આને દુનિયાના સૌથી ખતરનાક સ્થળમાંથી એક માનવામાં આવે છે.
રોયલ પાથ, સ્પેઇન
દુનિયાના સૌથી ખતરનાક સ્થળમાંથી એક છે સ્પેઇન નો રોયલ પાય, અલોરા નામના એક ગામની પાસે જયોર્જ એલ ચોરની બાજુમાં આવેલ છે. આ ખતરનાક રસ્તો 300 થી 900 ફૂટની ઊંચાઇ લંબાઇ 1.8 મીટર અને પહોળાઇ 3 ફૂટ છે. સ્પેઇનના આ રોયલ પાથને પબ્લિક માટે બંધ કરી દેવામાં આવ્યો છે. પર્યટકોની વચ્ચે હજુ પણ આ એક રોમાંશ બનેલ છે. અહીં દર વર્ષે કેટલાક લોકોનું પડવાથી મોત થયેલ છે.
રામ્રી આઇલેન્ડ, બર્મા
આ આઇલેન્ડ બર્મામાં આવેલ છે. આ આઇલેન્ડને ગિનીસ ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એટલા માટે જગ્યા મળી છે કે અહીંના ખતરનાક જાનવરોએ સૌથી વધારે લોકોને નુકશાન પહોચાડયું છે. આ આઇલેન્ડમાં ખારા પાણીના ઘણા બધા તળાવો આવેલ છે અને આ દ્રીપ ખતરનાક મગરોથી ભરેલ છે.
કીવું લેક, આફ્રિકા
આફ્રિકાના મહાદ્રીપમાં કોંગો ઓફ ડેમોક્રેટિક રિપબ્લિક અને રવાંડાની સીમાની વચ્ચે આ લેક આવેલ છે. આ પાણીની નીચે ઊંડાઇએ મિથેન ગેસ આવેલ છે. જો આ ઝેરીલા ગેસથી બનેલા વાદળો સપાટી પર આવી જાય તો આ ક્ષેત્રમાં વસેલા ર0 લાખ લોકોનું મૃત્યુ થાય.
સ્નેક આઇલેન્ડ, બ્રાઝીલ
બ્રાઝીલના આ સાઓ પાલો ટાપુનો કિનારો છે આને ગોલ્ડન લાંસહેડ સાપની પ્રજાતિનું ઘર કહેવામાં આવે છે. અહીં આ સાપોની સંખ્યા એટલી વધુ માત્રામાં છે કે દરેક એક ચોરસ મીટરે પાંચ સાપ, એટલે કે તમારો સિંગલ બેડ જેટલી જગ્યામાં છે તેટલી જગ્યામાં દસ સાપ, અને ડબલ બેડની જગ્યામાં વીસ સાપ, આ સાપની ગણતરી વિશ્ર્વના સૌથી ઝેરીલા સાપોમાં કરવામાં આવે છે. આ સાપ જયારે કરડે છે ત્યારે માણસ 10 થી 1પ મીનીટની અંદર જ મરી જાઇ છે. આખા બ્રાઝીલમાં સાપ કરડવાથી થયેલ મૃત્યુમાંથી 90 ટકા મોત માટે સાપોને જ જવાબદાર માનવામાં આવે છે. હાલમાં બ્રાઝીલના લોકોએ આ જગ્યા પર પ્રતિબંધ મૂકેલ છે.