- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
- દેશના વિકાસનું ગ્રોથ એન્જિન ગુજરાત ‘ગેટ વે ટુ ધી ફ્યુચર’ સાથે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં પણ લીડ લઈ રહ્યું છે
- રિન્યુએબલ એનર્જીમાં આત્મનિર્ભરતા માટે RE સમિટ મહત્વપૂર્ણ બનશે
- રિન્યુએબલ એનર્જી ટેક્નોલોજી સ્થાપવા માટે ગુજરાત સૌથી સ્માર્ટ ચોઇસ: કેન્દ્રીય નવીન અને નવીકરણીય ઊર્જા મંત્રી શ્રી પ્રલ્હાદ જોશી
- કેન્દ્રીય નવીન અને નવીકરણીય ઊર્જા મંત્રી પ્રલ્હાદ જોશી તેમજ ગુજરાતના ઊર્જા મંત્રી કનુ દેસાઈની પણ ઉપસ્થિતિ
- મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં 4 MoU સાઈન થયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચોથી RE સમિટના બીજા દિવસે આયોજિત ગુજરાત સેશનમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, દેશના વિકાસનું ગ્રોથ એન્જિન ગુજરાત, ગ્લોબલ ડેસ્ટિનેશન અને ‘ગેટ વે ટુ ધી ફ્યુચર’ સાથે રિન્યુએબલ એનર્જી સ્ત્રોતનો મહત્તમ વિનિયોગ કરીને તે ક્ષેત્રે પણ લીડ લઈ રહ્યું છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વિન્ડ એનર્જી અને સોલાર એનર્જીના ઉત્પાદનમાં ગુજરાત અગ્રણી રાજ્ય છે. રાજ્યની 50 હજાર મેગાવૉટથી વધુની ઇન્સ્ટોલ્ડ એનર્જી કેપેસિટીમાં 54 ટકા હિસ્સો રિન્યુએબલ એનર્જીનો છે.
મુખ્યમંત્રી ત્રિ-દિવસીય RE સમિટના સ્ટેટ સેશન અંતર્ગત ‘એનર્જી ટ્રાન્ઝીશન ટોવર્ડ્સ 100 ગીગાવૉટ રિન્યુએબલ એનર્જી ઇન ગુજરાત’માં સહભાગી થયા હતા.
ભારત સરકારના નવીન અને નવીકરણીય ઊર્જાના મંત્રી પ્રલ્હાદ જોશી, ગુજરાતના ઉર્જા મંત્રી કનુ દેસાઈ તેમજ નોર્વેના ક્લાઈમેટ એન્ડ એન્વાયરમેન્ટના પૂર્વ મંત્રી એરિક સોલ્હીમ, મુખ્ય સચિવ રાજકુમાર તેમજ મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા આ સેશનમાં ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે ‘મિશન 100 ગીગાવૉટ ઓફ રિન્યુએબલ એનર્જી ઇન ગુજરાત’નું લૉન્ચીંગ તથા ‘ગુજરાત એનર્જી વિઝન 2047’ના વિમોચન કર્યા હતા.
આ ઉપરાંત મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કુલ ચાર MoU સાઈન કરવામાં આવ્યા હતા. જેમાં PGCIL અને ગુજરાત સરકાર વચ્ચે રૂ. 5 હજાર કરોડ, GSEC અને GUVNL વચ્ચે રૂ. 59 હજાર કરોડ, અવાડા એનર્જી અને GPCL વચ્ચે રૂ. 85 હજાર કરોડ તેમજ જુનીપર ગ્રીન એનર્જી અને GEDA વચ્ચે રૂ. 30 હજાર કરોડના MoU સાઈન થયા છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ફોસિલ ફ્યુઅલ પરની નિર્ભરતા ઘટાડીને પર્યાવરણ સંરક્ષણ સાથે ઉર્જા સુરક્ષા અને ગ્રીન એનર્જીના નવતર આયામો આપ્યા છે. દેશનો પહેલો સોલાર પાર્ક તેમના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ચારણકામાં શરૂ થયો હતો તથા હવે ગુજરાત દેશના પ્રથમ સોલાર વિલેજ મોઢેરાનું પણ ગૌરવ ધરાવે છે.
તેમણે કચ્છના 37 ગીગાવૉટના હાઇબ્રિડ એનર્જી પાર્ક, 4 સેમિકંડક્ટર પ્લાન્ટ તથા ગુજરાતની સેક્ટર સ્પેસિફિક પોલિસીઝ ખાસ કરીને રિન્યુએબલ એનર્જી પોલિસી તથા ગ્રીન હાઈડ્રોજન પોલિસીનો ઉલ્લેખ કરતાં RE સમિટના હિતધારકોને તેનો અભ્યાસ કરવા અને લાભ લેવા અનુરોધ પણ કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે વડાપ્રધાનના વિઝન અનુસાર ગુજરાતને સોલાર પેનલ તથા વિન્ડ ટર્બાઇન મેન્યુફેક્ચરિંગ ઉત્પાદનમાં અગ્રિમ રાખવાના ધ્યેય સાથે આપણે આગળ વધ્યા છીએ.
રિન્યુએબલ એનર્જી દ્વારા એનર્જી સિક્યુરિટી, ક્લીન એનર્જી અને નેટ ઝીરો – આ ત્રણેય લક્ષ્ય સિદ્ધ કરવા સાથે રિન્યુએબલ એનર્જીમાં આત્મનિર્ભરતા માટે આ સમિટ મહત્વપૂર્ણ બનશે તેવી અપેક્ષા તેમણે દર્શાવી હતી.
સંપૂર્ણ સહભાગિતા સાથે RE INVEST સમિટની યજમાની કરવા બદલ કેન્દ્રીય નવીન અને નવીકરણીય ઊર્જા મંત્રી પ્રલ્હાદ જોશીએ ગુજરાતના મુખ્યમંત્રી સહિત સમગ્ર રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ આજે ગુજરાતને દરેક ક્ષેત્રમાં વિશેષ પ્રભાવની સાથે પ્રગતિશીલ રાજ્ય તરીકે ઓળખે છે. દાયકાઓથી ગુજરાત નવીનીકરણ ઊર્જાના વિકાસમાં અગ્રેસર રહ્યું છે. રિન્યુએબલ એનર્જી પોલિસી બનાવનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. વડાપ્રધાનએ તાજેતરમાં કહ્યું હતું તેમ, ગુજરાત એ રાજ્ય છે જ્યાં શ્વેત ક્રાંતિ – મધુક્રાંતિ થઈ છે. ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ક્રાંતિ શરૂ થઈ ગઈ છે.
ક્લાયમેટ ચેન્જ માટે અલાયદો વિભાગ બનાવનારું ગુજરાત સમગ્ર વિશ્વનું પ્રથમ રાજ્ય છે. ગુજરાતમાં 300 દિવસ ભરપૂર માત્રામાં સૂર્યપ્રકાશ આવતો હોવાથી, ગુજરાતમાં સોલાર ઊર્જાની ક્ષમતા વધારવાની અનેક શક્યતાઓ રહેલી છે. સાથે જ દેશનો સૌથી લાંબો દરિયાકિનારો હોવાથી પવન ઊર્જામાં પણ ભરપૂર સંભાવનાઓ રહેલી છે. ગુજરાત અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વર્તમાનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આ ક્ષમતાઓને ઓળખીને આ સંશાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરી રહ્યું છે.
રિન્યુએબલ એનર્જી ટેક્નોલોજી સ્થાપવા માટે ગુજરાત સ્માર્ટ ચોઇસ છે, તેમ કહી કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું કે, ભારતની સૌર ઉત્પાદન ક્ષમતામાં ગુજરાતનો હિસ્સો લગભગ 53 ટકા જેટલો છે. પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના હેઠળ, દેશમાં 3.5 લાખ ગ્રાહકોએ રૂફટોપ સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરી છે, જેમાં 50 ટકા ઇન્સ્ટોલેશન પહેલેથી જ પૂર્ણ થઈ ચૂક્યું છે. ક્લીન એનર્જી પહેલ માટે ગુજરાતને રૂ. 4,490 કરોડ ફાળવવામાં આવ્યા છે, જેનો ગુજરાતે શ્રેષ્ઠતમ ઉપયોગ કર્યો છે.
તેમણે આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું કે, ગુજરાતે વર્ષ 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જી ક્ષમતા 100GW સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. રૂફટોપ સોલાર સિસ્ટમની સ્થાપનામાં ગુજરાતે દાખલો બેસાડ્યો છે. અન્ય રાજ્યોએ પણ ગુજરાત મોડલને અનુસરીને પોલિસી સપોર્ટ આપવાનું શરૂ કરવું જોઈએ. ગુજરાત ખરેખર ભારતનું ગૌરવ છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
ગુજરાતના મુખ્ય સચિવ રાજકુમારે જણાવ્યું હતું કે, ભારત તમામ ક્ષેત્રોમાં રિન્યુએબલ એનર્જીને અપનાવવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. આવા ટ્રાન્ઝિશન સમયમાં RE-INVEST 2024ની યજમાની કરવી એ ગુજરાત માટે ગૌરવપૂર્ણ બાબત છે. ગુજરાત અત્યારે રૂફટોપ સોલાર સિસ્ટમની સ્થાપના માટે તેમજ પવન ઊર્જા ઉત્પાદનમાં દેશભરમાં પ્રથમ છે. જ્યારે, સોલાર ઊર્જા ઉત્પાદનમાં પણ ગુજરાત દેશમાં દ્વિતીય ક્રમે છે.
ભારત સરકારના નવીન અને નવીકરણીય ઊર્જા મંત્રાલયના સચિવ ભૂપિન્દર સિંઘ ભલ્લાએ જણાવ્યું હતું કે, રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાત અત્યારે ભારતના મોડલ સ્ટેટ તરીકે ઉભરી રહ્યું છે. એટલા માટે જ, RE INVEST જેવી ફ્લેગશીપ સમિટના આયોજન માટે ગુજરાત સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે.
આ કાર્યક્રમમાં ગુજરાતના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદરે સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. સાથે જ તેમણે દેશના એનર્જી ટ્રાન્ઝિશનમાં ગુજરાતના યોગદાન અંગે વિગતવાર માહિતી આપી હતી.
મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવી, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાણી, ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા, GUVNLના મેનેજિંગ ડિરેક્ટર જયપ્રકાશ શિવહરે તેમજ UGVCLના મેનેજિંગ ડિરેક્ટર અરુણ મહેશ બાબુ સહિત દેશના વિવિધ રાજ્યોના રિન્યુએબલ એનર્જી ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.