- સર્જનાત્મક ચિંતન એ એક પ્રક્રિયા છે, જેનો ઉપયોગ આપણે નવા વિચારોનું નિર્માણ કરવા માટે કરીએ છીએ : દરેક બાળકોમાં છૂપી કલાઓ પડી જ હોય છે, તેને ઉજાગર એક શિક્ષક જ કરી શકે છે
- નાનું કે મોટું બાળક સર્જનાત્મક ચિંતન કરતું જ હોય છે: દરેક બાળકને કંઈક નોખું અને અનોખું કરવું જ હોય છે, આપણે તેને પ્રેરણા આપવાની જરૂર છે
કંઈક નવું કરવું એટલે સર્જન કરવું, શિક્ષણની અંદર સર્જનાત્મક ચિંતન ખૂબ જ જરૂરી છે. શિક્ષણની સાથે સાથે બાળકમાં લાઈફ સ્કિલનો વિકાસ થાય તેવું આયોજન શાળા કક્ષાએ સંચાલકોએ અને શિક્ષકોએ કરવું જોઈએ. દરેક બાળકમાં કંઈકને કંઈક સુષુપ્ત કલાઓ પડી જ હોય છે, આપણે તેને ઉજાગર કરવાની હોય છે. બાળકના પૂર્ણ વિકાસ માટે પણ સર્જનાત્મક ચિંતન ખૂબ જ જરૂરી છે. સર્જનાત્મકતાની પ્રક્રિયા એ ઘ્યાનપૂર્વકની કે સતત ચાલતી પ્રક્રિયા છે. આ સ્કિલથી બાળક જાતે નવી વસ્તુ નિર્માણ કરે છે
આપણું મગજ એક સ્વયંસંચાલિત વ્યવસ્થા છે, તેમાં નવા વિચારોનો ઉદ્દભવ અચાનક, ઘ્યાનપૂર્વક કરાતી ગોઠવણી દ્વારા કે સતત ચાલતી ચિંતન પ્રક્રિયા દ્વારા થાય છે. બાળકોના સર્ંવાગી વિકાસમાં જીવન કૌશલ્યોનો વિશેષ ફાળો છે. સર્જનાત્મક ચિંતન કે ક્રિેએટીવ થીંકીંગ તેના જીવનમાં ડેવલપમેન્ટ માટે મહત્વનો રોલ અદા કરે છે. બાળકો ઘર-પરિવાર શાળા સંકુલ કે સમોવડીયા સાથે આખો દિવસ રહે છે, વાતચિત કરે છે તે જોવે છે જેના આધારે તે સતત ચિંતન કરે છે આમ કેમ? આમ કેમ નહીં? દરેક બાળકમાં સર્જનાત્મક શકિત પડેલી જ હોય છે. આપણે કે તેના શિક્ષકોએ માર્ગદર્શન આપીને ઉજાગર કરવાની હોય છે.
નાનુ કે મોટું બાળક સર્જનાત્મક ચિંતન કરતું જ હોય છે. તેને કંઇક નવું ને કંઇક અનોખુ કરવું છે. આ માટે વિવિધ દ્રષ્ટિ કોણથી વિચારતો થાય છે અને પછી તે નિર્માણ કરવા પ્રેરાય છે. પછી ભલે કાગળમાંથી નાની હોડી જ બનાવે પણ નવું કરે છે. ઘણીવાર તેમને અચાનક જ વિચાર આવે ને તે સર્જન કરે છે. ઘણીવાર વાંચનને કારણે વિચારોમાં બદલાવ આવવાથી પણ તેના સર્જનાત્મક વિચારો વેગ પકડે છે. બાળકોનું મગજ સતત ચાલતુ જ હોય છે ને તેનામાં જિજ્ઞાસા વૃત્તિ પણ પ્રબળ હોય છે તેથી કદાચ તે નવા નવા વિચારો થકી નવું નવું કરવા પ્રેરાય છે.
બાળકોમાં વિવિધ છૂપી કલાઓ પડી જ હોય છે તેને ઉજાગર શિક્ષક કરી શકે છે. સંગીત, ચિત્ર, ગાયન વિગેરે જેવી તેમનામાં પડેલી કલા સર્જનાત્મક ચિંતનને કારણે તે એ તરફ રસ રૂચીને વલણોથી જોડાયા છે.
બાળકના પૂર્ણ વિકાસ માટે પણ આ સર્જનાત્મક ચિંતનનો વિકાસ કરવો જરૂરી છે. ઘણીવાર આ કૌશલ્યના વિકાસ સાથે બીજા કૌશલ્યોનો વિકાસ આપમેળે થવા લાગે છે. આ બધાને કારણે બાળક આત્મ નિર્ભરતા અનુભવે છે. ઘણા બાળકોની કલ્પનાશકિત સાથે મૌખિક અભિવ્યકિત ખુબ જ સારી હોવાથી તે કોઇપણ વસ્તુને સારી રીતે સમજાવી શકે છે. જીવન કૌશલ્યનો વિકાસ જ તેમને સારા નરસાની પરિભાષા સમજાવે છે. શિક્ષકે વર્ગખંડમાં જ એવું વાતાવરણ નિર્માણ કરવું કે બાળકો મુકતપણે તેના વિચારો રજુ
કરી શકે.
જો કોઇ વ્યકિતમાં સર્જનાત્મકતા ન હોય તો તે કૌશલ્યને પ્રક્રિયા કે ચિંતન દ્વારા વિકાસાવી શકાય છે. સર્જનાત્મકતા ત્યારે જોવા મળે છે જયારે કોઇ વ્યકિત કોઇ વસ્તુનુ નિર્માણ શોધ કરે, જે પહેલા અસ્તિત્વમાં ન હોય, તેની જાણ બહાર બીજી કોઇ જગ્યાએ અસ્તિત્વ ધરાવતી હોય, કોઇ વસ્તુના ઉત્પાદન માટે નવી પઘ્ધતિનું નિર્માણ કરે કે તે પઘ્ધતિને નવી પરિસ્થિતિમાં ઉપયોગ કરે, બીજી કોઇ વ્યકિતના કોઇ ચોકકસ વસ્તુને જોવાના દ્રષ્ટિકોણ કરતાં અલગ પ્રકારે તે વસ્તુને તે જુએ, સર્જનાત્મકતા એ વિશ્ર્વમાં કોઇ નવી વસ્તુનું નિર્માણ, શોધ કરવું તે નથી, પરંતુ, તે આપણે અંદર (મગજમાં) કોઇ નવીન વસ્તુનુ નિર્માણ કરવું તે છે.
સર્જનાત્મક ચિંતન એ એક પ્રક્રિયા છે, જેનો ઉપયોગ આપણે નવા વિચારોનું નિર્માણ કરવા માટે કરીએ છીએ. મગજમાં હયાત વિચારોના ઉપયોગ દ્વારા નવા વિચારનું નિર્માણ થાય છે. આ પ્રક્રિયામાં બે કે તેથી વધુ વિચારોને સાંકળીને નવા વિચારનું નિર્માણ કરવામાં આવે છે. આપણું મગજ એક સ્વસંચાલિત વ્યવસ્થા છે. તેમાં નવ વિચારોનો ઉદ્દભવ અચાનક, ઘ્યાનપૂર્વક કરાતી ગોઠવણી દ્વારા કે સતત ચાલતી ચિંતન પ્રક્રિયા દ્વારા થાય છે. આમ, સર્જનાત્મકતાની પ્રક્રિયા એ ઘ્યાનપૂર્વકની કે સતત ચાલત કે અચાનક સર્જાતી પ્રક્રિયા છે. જેમાં ઘ્યાનપૂર્વક વિચારોને સાંકળવામાં આવે છે જે સામાન્ય રીતે કયારેય પહેલા વિચારેલ ન હોય, દા.ત.બાળકો પોતાના સર્જનાત્મક ચિંતન દ્વારા સામાન્ય કાગળમાથી વિવિધ પ્રકારનાં સર્જનો કરતાં હોય છે. જેમ કે, કાગળની હોડી, પક્ષી, ટોપી વગેરે સર્જનાત્મક ચિંતન વ્યકિતને સામાજીક, પ્રેમાળ અને પ્રમાણિક બનાવવામાં મદદ કરે છે. કારણ કે સર્જનાત્મક ચિંતન એ ઉમદા પ્રકારની સર્જનાત્મક શકિત ઉપજાવે છે.
સર્જનાત્મક ચિંતન પ્રક્રિયામાં રમૂજ અને રમતગમત દ્વારા બાળક અવનવું શીખે છે, તેઓમાં જડતાનો અભાવ હોય ે અને તેઓ પાસે ઘણું સારું સર્જન કરવાની આવડત હોય છે. સર્જનાત્મક ચિંતનના લક્ષણ વગર બાળક એકલતા અનુભવે છે. તે ઓછું રમતિયાળ, વધુ તનાવગ્રસ્ત અને નિરાશા અનુભવતું બને છે. જયારે સર્જનાત્મક ચિંતન કરનાર બાળકો વધુ અસરકારક બુઘ્ધિનો આનંદ અનુભવે છે અને અનુભવો સાથે મોકળા મનથી વર્તે છે. આ કૌશલ્ય બાળકોને વિકાસશીલ વ્યકિતઓ બનાવવા માટે જરુરી છે. તે માત્ર કળાના ક્ષેત્રની જ જરૂરીયાત નથી પરંતુ દરેક ક્ષેત્રમાં વ્યકિતના પૂર્ણ વિકાસ અને વિકાસની પ્રક્રિયાને સતત કાર્યશીલ રાખવા માટે જરૂરી છે. તે વ્યકિતને મુકત રીતે વિચારતા કરે છે અને તેનામાં સારી ટેવો વિકસાવે છે. માટે જ દરેક માતા-પિતાની અને શિક્ષકની જવાબદારી છે, કે તે બાળકમાં આ કૌશલ્યના વિકાસ માટે તેમને મદદ કરે,
શિક્ષકે વર્ગમાં એવું વાતારણ ઊભુ કરવું જોઇએ કે જેથી વિઘાર્થીઓ તેમના વિચારો વર્ગમાં મુકતપણે દર્શાવી વર્ણવી શકે, વિઘાર્થીઓને સર્જનાત્મક કાર્ય કરવા માટે પ્રોત્સાહન પુરૂ પાડવું જોઇએ, જેથી તેઓ પોતાની મુકત વિચારધારા પ્રાપ્ત કરે, કોઇપણ પરિસ્થિતિ કે સમસ્યાના ઉકેલ બાળકો પાસેથી મેળવવા, જેમાં તેમને તેના ઉકેલ માટેના જુદા જુદા વિકલ્પો વિશે વિચારવા પ્રોત્સાહિત કરવા જોઇએ, ઉપરાંત તેમને વકતત્વ સ્પર્ધામાં ચર્ચામાં ભાગ લેવા પ્રોત્સાહન આપવું, જેથી તેઓમાં જુદા જુદા દ્રષ્ટિકોણનો વિકાસ થાય.આમ, બાળકના પૂર્ણ વિકાસ માટે સર્જનાત્મક ચિંતન કૌશલ્યનો વિકાસ કરવો જરૂરી છે. આ કૌશલ્યના વિકાસની સાથે સાથે બીજા જીવન કૌશલ્યો જેવા કે વિવેચનાત્મક ચિંતન, સમસ્યાનો ઉકેલ, નિર્ણય શકિત જેવા કૌશલ્યોનો વિકાસ પણ શકય બને છે. જેના દ્વારા બાળક આત્મનિર્ભરતા અનુભવે છે.
વિદ્યાર્થી વર્ગખંડમાં મુક્તપણે વિચારો રજુ કરી શકે એવું વાતાવરણ નિર્માણ કરો
શિક્ષકે વર્ગખંડમાં એવું વાતાવરણ નિર્માણ કરવું જોઈએ જેથી, વિદ્યાર્થીઓ તેમના વિચારો વર્ગખંડમાં મુક્તપણે દર્શાવી શકે. બાળકના રસ, રૂચી અને વલણ પ્રમાણે જો તેને વિકાસ કાર્યમાં જોડી શકાય તો સૌથી શ્રેષ્ઠ બાબત ગણી શકાય. અભ્યાસમાં નબળો બાળક ઘણીવાર ઘણા બધા કૌશલ્યમાં ખૂબ જ નિપુણ હોય છે, આવા બાળકોને શિક્ષકે વિશેષ કાળજી લઈને તેનો સર્વાંગી વિકાસ કરવો જોઈએ.