Rajkot:ગોંડલ નાગરિક બેંકની હાઇવોલ્ટેજ ડ્રામા સમી ચૂંટણીનું પરીણામ વહેલી સવારે જાહેર થતાં ભાજપ પ્રેરિત પેનલના તમામ 11 ઉમેદવારોનો જ્વલંત વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના યતિષ દેસાઈની કરારી હાર થઇ છે. ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારની ડિપોઝિટ ડૂલ થઇ છે. તેમજ ભાજપની પેનલનો જયજયકાર થતાં સમર્થકોએ ઢોલ-નગારાં વગાડી, ફટાકડા ફોડી વિજયને વધાવ્યો હતો. હાલ જૂનાગઢની જેલમાં રહેલા જ્યોતિરાદિત્યસિંહ (ગણેશ ગોંડલ)નો વિજય થતાં ગુજરાતના સહકારી ક્ષેત્રમાં જેલમાં રહી ચૂંટણી જીતવાની પ્રથમ ઘટના બની છે. ચૂંટણીમાં આમ જોઈએ તો જ્યોતિરાદિત્યસિંહ (ગણેશ ગોંડલ)નું રાજકીય લોંચિંગ થયું છે. તે જેલમાં હોવા છતાં જીત મેળવી તેમણે નવો રાજકીય આયામ સર્જ્યો છે.

જયરાજસિંહ જાડેજાનું રાજકીય વર્ચસ્વ બરકરાર સમગ્ર ગુજરાતની જેના પર મીટ મંડાઇ હતી. તેવી ગોંડલની નાગરિક બેંકની ચૂંટણીની મતગણતરી ગત રાત્રીના 8:30 કલાકે શરૂ થઈ હતી. મતગણતરીની શરૂઆતથી જ ભાજપ પ્રેરિત પેનલના તમામ ઉમેદવારો લીડ સાથે આગળ ચાલી રહ્યા હતા. ત્યારે આજે વહેલી સવારે પરિણામ જાહેર થતાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો હતો. આ સાથે જયરાજસિંહ જાડેજાનું રાજકીય વર્ચસ્વ બરકરાર રહેવા પામ્યું છે. તો સૌથી વધુ મત મેળવી ચેરમેન અશોક પીપળિયા કિંગમેકર સાબિત થયા છે. છેલ્લાં ચાર વર્ષમાં ચેરમેન અશોક પીપળિયાએ નાગરિક બેંકને વિકાસની ટોચ પર પહોંચતી કરી કુશળ વહીવટ દાખવ્યો તે ભાજપની જીતનો ટર્નિંગ પોઇન્ટ બન્યો છે.

ભાજપની પેનલનો ભવ્ય વિજય થતાં કાર્યકર્તાઓએ ઉજવણી કરી.

ભાજપ પ્રેરિત પેનલને મળેલ મતદાન:

નામમળેલ મતદાન
અશોક પીપળિયા6327
હરેશ વડોદરિયા6000
જ્યોતિરાદિત્યસિંહ (ગણેશ ગોંડલ)5999
ઓમદેવસિંહ જાડેજા5947
કિશોર કાલરિયા5795
પ્રહલાદ પારેખ5767
પ્રમોદ પટેલ5690
ભાવના કાસોદરા6120
નીતા મહેતા5893

કોંગ્રેસ પ્રેરિત પેનલને મળેલ મતદાન:

નામમળેલ મતદાન
યતિષ દેસાઈ3527
કલ્પેશ રૈયાણી3095
લલિત પટોળિયા3063
જયદીપ કાવઠિયા3031
સંદીપ હીરપરા2892
રમેશ મોણપરા2875
વિજય ભટ્ટ2807
કિશોરસિંહ જાડેજા2800
ક્રિષ્ના તન્ના3335
જયશ્રી ભટ્ટી3011
જયસુખ પારધી2868

જ્યારે અપક્ષ ઉમેદવાર પ્રતિપાલસિંહ ઝાલાને માત્ર 195 મત મળતાં તેમણે ડિપોઝિટ ગુમાવી છે.

ગીતાબા જાડેજા  ધારાસભ્ય ગીતાબાએ ‘ગણેશ ગોંડલ’ના જેલમાંથી ફોર્મ ભરવાના સવાલ પર જણાવ્યું હતું કે, ગણેશભાઈએ જેલમાંથી ફોર્મ ભર્યુ છે તો કંઈ ખોટું નથી કર્યું. તેમજ લોકશાહીમાં સૌને હક હોય છે અને કોઇપણ વ્યક્તિ ચૂંટણી લડી શકે છે. ત્યારે કાયદા કાનુનમા જે રીતે ફોર્મ ભરવાનું છે તે રીતે જ ભર્યું છે. તેમજ લોકોએ એમને આગ્રહથી જ ભરાવ્યું છે. આમાં ગણેશની કે તેના પરિવારની કોઈ માગ ન હતી. લોકોની ઇચ્છાથી અને ભાજપના કાર્યકર્તાઓના તેમજ ભાજપે આપેલા મેન્ડેટથી ગણેશે ચૂંટણીમાં લડી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.