ગીર સોમનાથ જિલ્લાના ઉના પંથકમાં સુમો બેબી ની બીજી ઘટના બહાર આવતા લોકોમાં આશ્ચર્ય…
વાજડી ગામ બાદ પડાપાદર ગામે પણ વધુ બે બાળકોને મેદસ્વીતા ની બીમારી… કુદરતી રીતે વધતા વજનથી શ્રમિક પરિવાર ચિંતિત…
ઉના તાલુકાના પડાપાદર ગામે મજૂરી કામ કરી માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવતા લાલજીભાઈ ડાંગોદરાની ધારા નામની પુત્રી નું વજન જન્મ સમયે અઢી કિલો અને પુત્ર પ્રિન્સ નું વજન સવા બે કિલો હતું.
પરંતુ ૧૦ વર્ષ ની ઉંમરે ધારાનું ૬૫ કિલો વજન અને ૭ વર્ષ ની વયે પ્રિન્સનું ૬૫ કિલો વજન થઈ જતા લાલજીભાઈ એ જિંદગી ભરની કમાયેલી મૂડી આ બાળકો પાછળ ખર્ચ કરી નાખવા છતાં આ બંને બાળકોના વજનમાં કોઈ ફેર ન પડતા આ પરિવાર ચિંતિત બન્યો છે.
લાલજીભાઈ એ પોતાના મેદસ્વી બાળકો સારવાર માટે અથાક પ્રયત્નો કર્યા છે. આમ છતાં પરિણામ ન મળતા આર્થિક અને માનસિક રીતે હારી ગયા છે. હવે આ પરિવાર પોતાના બાળકો ને નિષ્ણાત ડોકટરો પાસે સારવાર મળે તે માટે આરોગ્ય વિભાગ અને સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યો છે.
આ મેદસ્વી બાળકો નું દિનપ્રતિદિન વજન વધતા તેનો પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે. આ બંને બાળકો કલાકે કલાકે જમવાનું માંગે છે.
એકજ દિવસ દરમિયાન ૧૦ થઈ ૧૨ વખત બાજરાના રોટલા અને ઘઉં ની રોટલી ખાવા છતાં પણ આ બાળકો ની ભૂખ સંતોષાતી નથી.
ઉના ખાતેના બાળરોગ નિષ્ણાત ડોકટર માંડવીયા એ ઘણો સમય આ મેદસ્વી બાળકોની સારવાર કરી…અંતે ડો. માંડવીયા એ વધુ સારવાર અર્થે આ બાળકોને આગળ ટ્રીટમેન્ટ માટે લઈ જવાનું કહ્યું છે.
તો બીજી બાજુ આ પરિવાર અગાઉ પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બતાવી ચૂકયા છે.સિવિલ ના ડોકટરો ની સલાહ મુજબ દવાઓ પણ કરી છતાં વજનમાં કોઈજ ફરક પડતો નથી ઉલટાનું આ બાળકોનું વજન દિન પ્રતિદિન વધતુજ જાય છે. ત્યારે હાલ ઉના ના ડોક્ટર દ્વારા રાજકોટ એન્ડોક્રાયનોલોજીસ્ટ પાસે રિપોર્ટ કરાવવા માટે ભલામણ કરાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છેકે ઉના તાલુકાના વાજડી ગામે આ પહેલા પણ ત્રણ બાળકો આ રીતે વજન વધવાની બીમારી થી પીડાઇ રહ્યા છે. ત્યારે ઉના તાલુકાનાજ પડાપાદર ગામે આ બે વધુ બાળકો મેદસ્વીપણાની બીમારી નો શિકાર બન્યા છે.
ઉના તાલુકાના લોકો તેમજ અગ્રણીઓ ઈચ્છી રહ્યા છે કે ગુજરાત તેમજ કેન્દ્ર સરકાર આ બાબત ને ગંભીરતાથી લઈ ને તાત્કાલિક અસર થઈ ઉના પંથકમાં સંશોધન કરાવે કે, આ બીમારી માટે કોઈ વાયરસ કે બેક્ટેરિયા તો જવાબદાર નથી ને..!!નહીં તો આ પ્રકારની બીમારીનો ભોગ ઉના તાલુકા ની અન્ય પ્રજા પણ બનનવાની સંભાવના વ્યક્ત થઇ રહી છે.