- મગજમાં સોજો અને હાર્ટ-લિવરમાં ઈન્ફેક્શન થયું હતું
- છેલ્લા ઘણા દિવસોથી તબિયત ખરાબ હોવાનું પરિવારે જણાવ્યું
Surat: પાલિકા સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહેતી અને એનેસ્થેસિયાનો અભ્યાસ કરતી પ્રથમ વર્ષની રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુમાં મોત નિપજ્યું છે. પરિવારે તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી, જ્યાં મગજમાં સોજો અને હાર્ટ-લિવરમાં ઈન્ફેક્શન થઈ ગયું હતું.મૂળ અમદાવાદની 24 વર્ષીય ધારા નરોત્તમભાઈ ચાવડા સ્મીમેરમાં એનેસ્થેસિયા વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. ત્રણ-ચાર દિવસથી ધારાને તાવ આવતો હતો. રવિવારે ઊલટી બાદ તબિયત વધુ લથડતા સ્મીમેરમાં દાખલ કરાઈ હતી. જ્યાં ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
પરિવારને જાણ થતાં તેઓ ધારાને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં વેન્ટિલેટર પર હતી. દરમિયાન તેની યાદશક્તી ઓછી થઈ ગઈ હતી તેમજ ચક્કર આવતા હતા. ગુરુવારે મળસ્કે તેનું સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ જ રીતે યોગીચોક તિરૂપતી સોસાયટી ખાતે રહેતા ખોડીદાસ સાવલીયા (26) ત્રણ બહેનોના એકના એક ભાઈ હતા. ત્રણ દિવસથી તેમની ખાનગી હોસ્પિટલમાં ડેંગ્યુની સારવાર ચાલી રહી, જ્યાં ગુરુવારે મોત નિપજ્યું હતું.
છેલ્લા બે મહિનામાં ડેન્ગ્યુમાં 8 મોત થયાં છે. જો કે, 4 મહિનામાં પાલિકાના ચોપડે 87 કેસ નોંધાયા છે. જ્યારે સિવિલમાં ડેન્ગ્યુના 239 દર્દી દાખલ થયા છે. ઓગસ્ટમાં સિવિલમાં 155 દર્દી દાખલ થયા છે. જ્યારે સપ્ટેમ્બરના 10 દિવસમાં જ 21 દર્દી દાખલ થયા છે. સ્મીમેરના ડીન ડો. દીપક હાવલેએ જણાવ્યું કે, 6 દિવસ પહેલાં ધારાને તાવ આવ્યો હતો અને તે જાતે દવા લેતી હતી. ડેન્ગ્યુના રિપોર્ટ બાદ પ્રાઈવેટમાં દાખલ હતી, જ્યાં મગજમાં સોજો, હાર્ટ અને લિવરમાં ઈન્ફેક્શન બાદ ગુરુવારે મળસકે તેનું મોત થયું હતું.