- “આ ડુંગરવાળા માં’ એટલે રાજા ભાણ જેઠવાના દિકરી અને હલામણ જેઠવાના ફઈબા જસુબતી”
ડુંગરવાળા માતાજી-પોરબંદર (પ્રથમ)
પોરબંદરથી બદલી થતા હું બાબરા પોલીસ મથકમાં હાજર થઈ ગયો. દસ પંદર દિવસે હું પોરબંદર બગવદર જતો એક વખત રજા ઉપર બગવદર જતા ફઈબાએ મને કહ્યુંં કે વર્ષોથી અમે સગાવ્હાલામાંથી વાતો સાંભળી એ છીએ કે બરડા ડુંગરમાં એક માતાજી જંગલમાં ફરતા રહે છે. દૂરથી દેખાય છે. પણ નજીકથી કોઈને મળતા નથી મારા ફૈબાના એક સગા અહિં બાજુના મોરાણા ગામે હતા તેથી વાતો સાંભળેલી કે માતાજી 700 થી 800 વર્ષની ઉંમર ધરાવે છે. ફૈબા એ જે વાત કહી તે સાંભળી હું આશ્ર્ચર્ય પામી ગયો. તેમણે કહ્યું પોરબંદરના જેઠવાઓની રાજધાની પહેલા બરડાની તળેટીમાં આવેલ ધુમલીનગરમાં હતી હવે ત્યાં કોઈ નગર નથી પરંતુ ધમલી નામની જગ્યા અને એક ખંડેર નવલખો તરીકે ઓળખાતું પૌરાણીક મંદિર છે. જયારે કચ્છમાંથી જાડેજાઓ હાલારમાં જામરાવલની સરદારીમાં આવી નવાનગરની સ્થાપના કરેલી અને તે જ સમયે ધુમલી ઉપર હુમલો કર્યો ત્યારે શાસન જેઠવાઓનું હતુ પરંતુ જાડેજા સામે જેઠવાઓ યુધ્ધમાં ટકી શકે તેમ નહી હોય જેઠવાઓએ સ્થળાંતર કરી છાંયામાં ગાદી ફેરવી નાખી અને પોર નામનું બંદર વિકસાવ્યું જે હાલમાં પોરબંદર તરીકે ઓળખાય છે. તે પહેલા ની આ વાતો છે. ત્યારે ધુમલીના રાજા ભાણ જેઠવા હતા તેમને એક દિકરી નામે જસુમતી અને દિકરો નામે હલામણ જેઠવા હતા.
એક દિવસ જયારે ભાણજેઠવા ધુમલી દરબારગઢમાં પ્રધાનો સાથે રાજકાજની ચર્ચા કરતા હતા ત્યારે એક્ મંત્રીએ રાજાને કહ્યું, બાપુ એક એવા સમાચાર જાણવા મળ્યા છે કે ધુમલીનગર બહાર ડુંગરની તળેટીમાં નાગા બાવાઓની જમાત થોડા દિવસોથી આવેલી છે. સાધુઓ તો થોડાજ દિવસ રોકાવાના છે. નગરજનોનો તેના દર્શને જાય છે. પરંતુ આપના કુંવરીબા પણ લોકો સાથે દર્શને જાય છે તે સારૂ લાગતુ નથી આથી ભાણજેઠવાએ મનોમન નકકી કર્યું કે લોકોની લાગણી અને માન્યતાને ઠેસ પહોચતી હોય તેવા મુદાની જાહેર દરબારમાં જ ચર્ચા થવી જોઈએ.
આથી બીજા દિવસે સવારે દરબારમાં જાહેરસભામાં જ આ વાતનો ખુલાસો કરવાનું નકકી કર્યું તે મુજબ સભા ભરાતા ગઢમાં એક સંદેશા વાહકને મોકલી કુંવરી જસુમતીને દરબારમાં સભામાં હાજર રહેવાનું કહેણ મોકલ્યું કુંવરી જસુમતી તુરત જ પોતાની સખીઓ જોડે સભામા હાજર થઈ આથી જસુમતીના પિતા ઉપરાંત રાજા એવા ભાણ જેઠવા એ કહ્યું દિકરી બેટા લોકોમાં ચર્ચા થાય છે કે તળેટીમાં નાગા સાધુની જમાત આવી છે. ત્યાં લોકો સાથે તમે પણ સખીઓને લઈને દર્શને જાવ છો? જસુમતીએ કહ્યું હા પિતાજી દર્શને જાવ છું આથી રાજાએ કહ્યું ‘દિકરી લોકોની વાત અલગ છે. આપણે રાજઘરાનાના કહેવાય મર્યાદા લાગે.’ આથી કુંવરીએ કહ્યું પિતાજી વાત ખરી છે. પરંતુ અખાડાના જે મહંત સાધુ છે તે મારા પૂર્વ જન્મના ગુરૂ છે.એટલે મારા ગુરૂ જ છે તેથી દર્શને જાવ છું આથી રાજાએ દિકરી જસુમતીને હવે જવાની ના પાડતા કુંવરીએ કહ્યુંં પિતાજી આ શરીરનું ખોળીયું તો બદલતુ રહે પરતુ શ્રધ્ધા, ભકિત અને માન્યતાતો જન્મોજન્મની હોય છે તે છુટે નહી પરંતુ રાજકીય ગતીવિધિ અને બદલાયેલી સામાજીક માન્યતા વાળા ભાણ જેઠવાએ કહ્યું ‘હું રાજા તરીકે હુકમ કરૂ છું કે ત્યાં હવે તમારે જવાનું નથી ! દીકરી જસુમતી પણ જન્મોજન્મના સંસ્કાર ‘બ્રહ્મ સત્યં જગત મિથ્યા’થી રંગાયેલા હોય પોતાને ગુરૂ પાસે જવામાં શું વાંધો હોય ? તેમ કહેતા રાજા ભાણ જેઠવાએ જવાની સખ્ત મનાઈ ફરમાવતા જસુમતીને એકદમ આઘાત લાગ્યો આથી પૂર્વ જન્મના વૈરાગ્યના સંસ્કાર જાગ્રત થતા ત્યાં જાહેર સભામાં જ જસુમતીએ પોતાનાં વસ્ત્રોનો ત્યાગ કરી કહ્યું મહારાજા હવે હું તમારી દીકરી નહી હું હવે અલખની આરાધના કરવા જાઉ છું મને માફ કરજો, કહી ની:વસ્ત્ર અવસ્થામા જ નાગા સાધુનો અખાડો હતો ત્યાં પોતાના ગુરૂ પાસે આવી પ્રણામ કર્યા આથી ગુરૂ એકદમ ચમકી ગયા અને કહ્યું ‘દીકરી-બેટા હજુ તમારો તપસાધના માટેનો સમય આવ્યો નથી. તમે પુછયા વગર ઉતાવળ કરી નાખી ! હજુ તમારે અખાડામાં સામેલ થવાનો સમય પાકયો નથી આવ્યો નથી. આથી કુંવરી જસુમતીએ દરબારમાં બનેલ હકીકતની વાત કરી કહ્યું કે ગુરૂદેવ હું તો બધુ છોડીને આવી ગઈ હવે સંસારમાં પાછુ જવાય તેમ નથી. આથી ગુરૂએ વચલો રસ્તો કાઢ્યો કહ્યું વાંધો નહી તમે હવે અખાડામાં સામેલ થવાને બદલે અહિં બરડા ડુંગરમાં જ રહીને સાધના કરો.
ફઈબાએ મને કહ્યું ત્યારથી આ માતાજી બરડા ડુંગરમાં રહી તપ-સાધના કરે છે. વર્ષોના વહાણા વાઈ ગયા હવે લોકો તેમને વેણુવાળા માતાજી કહે છે. કોઈ અભણ લોકો તેમને નાગી માતાજી કહે છે તો કોઈ લોકો તેમને ‘ડુંગરવાળા મા’ કહે છે. લાકેો તેમને દૂર થી જ જોઈ શકે છે. પરંતુ કોઈ સાધક ભગત ને માતાજી મળતા હોવાની વાત સંભળાય છે.
આમ વાત થતા મને મારા મિત્ર જે.કે.ઝાલાએ દોઢેક વર્ષ પહેલા કરેલી વાત યાદ આવી પરંતુ આજદિન સુધી ખાતાની દોડધામ અને ઉપાધી વાળી નોકરી એટલે જયારે હું અહિં બગવદર પોલીસ સ્ટેશનમાં ફરજ ઉપર હતો ત્યારે કયારેક યાદ આવતું પણ સમયના અભાવે આ તપાસ કરવાની બાકી રહી જતી હતી. હવે શું થાય? પરંતુ ફઈબા એ મને કહ્યું કે સોઢાણા ગામના એક હરભમ ભગત છે તેમના ગુરૂ જો ધારે તો માતાજીના દર્શન થઈ શકે ! આથી મેં તુરત જ મારા સમયના અંગત સ્ટાફના કોન્સ્ટેબલ જીવાભાઈ ઓડેદરાને બોલાવ્યા અને મેં તેમને ડુંગરવાળા માતાજી તથા સોઢાણા વાળા હરભમ ભગતની વાત કરતા જીવાભાઈએ કહ્યુંં હા સાહેબ આ વિસ્તારમાં લોકોમાં આ માતાજીની અનેક પ્રકારની આશ્ર્ચર્યજનક વાતો થતી હોય છે કે તેઓ બરડા ડુંગરમાં જંગલમાં અને ગુફામાં રહે છે. આ માતાજી નાગીમાતાજી તરીકે આ વિસ્તારના લોકો ઓળખે છે. અને કોઈક ને જ બરડામાં દૂરથી દર્શન થાય છે. પરંતુ નજીકથી કોઈને મળતા નથી કોઈ નજીક જાય તો ત્યાં સુધીમાં માતાજી કયાંક આડા અવળા થઈ જાય છે. અલોપ થઈજાય છે.
આમ વાત કરી જીવાભાઈ મોટર સાયકલ લઈને સોઢાણા ગામે ઉપડયા અને અડધા કલાકમાંજ પાછા આવ્યા તેથી મેં પુછયું ન મળ્યા ? આથી તેણે જવાબ આપ્યો કે ‘હરભમ ભગતની કાંઈ જરૂર નથી તેમના ગુરૂને હું તેમજ તમો પણ સારી રીતે ઓળખો છો ફટાણા વાળા ‘મુળુ ભગત’ ! આથી હું આશ્ર્ચર્યચકિત થઈ ગયો કેમકે મુળુ ભગતને તો વારંવાર મળવાનું થતું અને તેમની સાથે ધાર્મિક તેમજ ઐતિહાસીક અને આ વિસ્તારની જાણવા જેવી વાતો પણ થતી પરંતુ મુળુ ભગતે આ ડુંગર વાળા માતાજી અંગે કયારેય કોઈ ચર્ચા કે વાત કરેલી એવું બનેલું નહીં.
આ મુળુ ભગત પણ એક અલગારી ભગત હતા, પોતે સંસારી હોવા છતાં એક પાકા મકાનનો ગામમાંજ અલાયદો માતાજીનો મઢ હતો તેમાં રહેતા ! (ક્રમશ:)