- તંત્ર એ તા. 15 સુધી નેશનલ હાઈવેના તમામ રસ્તાની સુધારણાની બાંહેધરી આપી
સમગ્ર કચ્છનો નેશનલ હાઇવે રસ્તો ખૂબ જ ખસ્તા હાલતમાં છે, એવી વારંવાર ફરિયાદો ઉઠતી જ હતી અને છેલ્લા લગભગ એક અઠવાડિયામાં તમામ ટ્રક, ટ્રાન્સપોર્ટ, ગુડઝ વગેરે એસોસિયેશન સાથે મળીને ગાંધીધામ ચેમ્બરના નેજા હેઠળ રજૂઆતો પણ કરી હતી. આમ છતાં, પણ કાંઈ પરિણામ ન આવતાં અંતે અગાઉની ચેતવણી મુજબ જ બુધવારે મોખા ટોલનાકેથી ખખડધજ રસ્તાના મામલે `રોડ નહીં, તો ટોલ નહીં’ની ઝુંબેશ સાથે અનિશ્ચિત મુદતની લડતના મંડાણ થયા હતા. આ ટ્રાન્સપોર્ટરો એટલા નારાજ થયા હતા કે તુરત યોગ્ય જવાબ અને ખાતરી નહીં મળે તો મોખા સહિત તબક્કાવાર બાકીના કચ્છના ચારેય ટોલનાકે આ જ રીતે લડત શરૂ થશે એવું જણાવ્યું હતું. બુધવારે સવારે લગભગ 10-30 વાગ્યાના અરસામાં ગાંધીધામથી મોખા આવેલા વિવિધ ટ્રાન્સપોર્ટ એસો. તેમજ ગાંધીધામ ચેમ્બરના અગ્રણીઓ અને બીજીબાજુ મુંદરાથી આવેલા ટ્રાન્સપોર્ટ આગેવાનોએ ઝુંબેશનો આરંભ કર્યો હતો.
આ સાથે ટ્રાન્સપોર્ટના વાહનો થોભાવી દેવાયા હતા અને એવી માગણી કરી હતી કે, નબળા રસ્તાઓનું સમારકામ નહીં થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો ટોલ આપવામાં નહીં આવે, જો નવો રસ્તો ન બને ત્યાં સુધી ટોલ માફી મળે તો વાહનો પસાર થશે, નક્કર ખાતરી નહીં મળે તો આંદોલન જારી રહેશે અને આ અભિયાન કચ્છભરના ટોલમાં ચલાવવામાં આવશે. અંતે આ વિરોધ પ્રદર્શનનો સુખદ અંત આવ્યો હતો અને તંત્ર એ .તા. 15 સુધી નેશનલ હાઈવેના તમામ રસ્તાની સુધારણાની બાંહેધરી આપી હતી. આ બાબતે ચેમ્બરના પૂર્વ પ્રમુખ તેજાભાઈ કાનગડે અબતક ન્યુઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સાંજે જિલ્લાના વહીવટી તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટી સાથે મોખા ખાતે જ બેઠકનો દોર આરંભાયો હતો અને એક ચોક્કસ સમયમર્યાદામાં રસ્તાની હાલત સુધારવાની ખાતરી આપવામાં આવી હતી,
જેના પગલે આંદોલન સમેટી લેવાયું હતું. આખો દિવસ ચાલેલાં આંદોલન બાદ હરકતમાં આવેલાં વહીવટી તંત્રએ બાંહેધરી આપતાં રાત્રે વાહનવ્યવહાર પૂર્વવત થયો હતો. તેજાભાઈ કાનગડે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, 15 તારીખે રાત્રિના 12 વાગ્યાથી નેશનલ હાઈવેના કચ્છને જોડતા જેટલા પણ રસ્તાઓ ખરાબ છે, તેની સુધારણા કરાશે, તેવી ખાતરી મોડી રાત્રે નેશનલ હાઈવેના અધિકારી દ્વારા આપવામાં આવી હતી. મુંદરાથી મોખા, માખેલ સહિતના હાઈવેમાં એક પણ જગ્યાએ ખાડા નહીં હોય જો હોય, તો 16 તારીખથી આંદોલન કરજો, તેવું કહ્યું હતું. સાંસદ વિનોદભાઈ ચાવડા, માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ મધ્યસ્થી કરવામાં વ્યાપક સહયોગ આપ્યો હોવાનું ચેમ્બર પૂર્વ પ્રમુખે જણાવ્યું હતું. જિલ્લા કલેક્ટર અમિત અરોરા, પશ્ચિમ કચ્છ પોલીસવડા સાગર બાગમાર, મુંદરાના નાયબ કલેક્ટર, માલતદાર સહિતના વહીવટી તંત્રના અધિકારી પ્રત્યે આભારની લાગણી પણ વ્યક્ત કરી હતી.
રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ