- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં નવા યુગની નવી બસોની શરૂઆત કરી છે.
- નાગરિકોની પરિવહન સેવાને વધુ સુદ્રઢ બનાવવા વાહનવ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતેથી 20 નવીન હાઈ ટેક વોલ્વો બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું.
- આ દેશની પ્રથમ બસ છે જે એરક્રાફ્ટ અને સબમરીન જેવી આધુનિક ફાયરસેફટી ધરાવતી સ્પ્રિંકલર સિસ્ટમથી સજ્જ છે, જે નાગરિકોની સુરક્ષામાં વધારો કરે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રગતિના પાયારૂપ બાબતોમાં અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડ કનેક્ટીવીટી અને જાહેર પરિવહન સેવાને દેશની ગતિશીલતાનો આધાર ગણાવી છે. આ સાથે તે જ દિશામાં આગળ વધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર માર્ગ નિગમ દ્વારા સામાન્ય નાગરીકો સુધી જાહેર પરિવહનની ઉત્તમ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
રાજ્યના વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર બસ સ્ટેશન ખાતેથી નાગરિકોની પરિવહન સેવામાં 20 નવીન હાઈટેક વોલ્વો બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. તેમજ મંત્રીએ નાગરિકોની સુરક્ષાને લગતી સુવિધાઓનું જાત નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં નવા યુગની નવી બસોની શરૂઆત થઇ ગઈ છે. ત્યારે આ અધતન ટેક્નોલોજી યુક્ત 20 નવીન હાઈટેક બસો આજથી ગુજરાતના નાગરીકો માટે કાર્યરત રહેશે. જેમાં અમદાવાદ નેહરુનગરથી સુરત માટે 8 બસો, અમદાવાદ નેહરુનગરથી વડોદરા ખાતે 8 બસો અને અમદાવાદથી રાજકોટ માટે 4 બસોનું સંચાલન આજથી નાગરિકો માટે કરવામાં આવશે.
હર્ષ સંઘવીએ નવીન બસમાં સુરક્ષા અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, આ બસ દેશની પ્રથમ અને સૌથી સુરક્ષિત બસ છે. આ બસમાં એરફોર્સના એરક્રાફ્ટ અને નેવીની સબમરીનમાં જે પ્રકારની ફાયર સેફટીની સુવિધા હોય છે તે પ્રકારની ફાયરસેફટીની સુવિધા ઉપલબ્ધ હોય છે. જેમાં ફાયર ડીટેકશન,અલાર્મ, સપ્રેશ અને પ્રોટેક્શનનો સમાવેશ થાય છે. તેમજ બસમાં કોઈ પણ કારણસર આગની દુર્ઘટના અથવા ધુમાડો ઉત્પન્ન થાય ત્યારે નાઈટ્રોજન ગેસ અને 250 લીટરની પાણીની 2 ટેન્કો દ્વારા બસની અંદર સ્પ્રિંકલર ટેક્નોલોજીની મદદથી પાણીનો છંટકાવ થશે અને નાગરીકો સુરક્ષિત બહાર આવી શકશે. આ સાથે જ બસોમાં મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખીને 1 ઈમરજન્સી બટન આપવામાં આવ્યું છે. ત્યારે યાત્રા દરમિયાન મહિલાઓ સાથે કોઈ બનાવ બને ત્યારે મહિલાઓ દ્વારા આ બટન દબાવવાથી નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ થશે અને ગુનેગારને પકડવામાં સરળતા રહેશે.
મંત્રીએ ઉમેર્યું કે આ નવીન બસોમાં નાગરિકો માટે વિશેષ સુવિધાઓ ધ્યાનમાં રાખવામાં આવી છે. જેમાં 47 સીટીંગ કેપેસીટી, 2×2 લેધર અને આરામદાયક પુશબેક સીટ, CCTV કેમેરા, મોબાઈલ ચાર્જીંગ ફેસીલીટી, ફાયરસેફટી માટે અધ્યતન સ્પ્રિંકલર સિસ્ટમ, સ્મોક ડિટેક્ટર એલાર્મ, LED TV, ઇમર્જન્સી એક્ઝિટ ડોર વગેરે આધુનિક ટેકનોલોજી સુવિધાઓથી સજજ આ વોલ્વો બસો નાગરિકોની મુસાફરીને વધુ આરામદાયક બનાવશે.
આ કાર્યક્રમમાં મેયર મીરાબેન પટેલ, ગાંધીનગર ઉત્તર ધારાસભ્ય રીટાબેન પટેલ, માણસાના ધારાસભ્ય જયંતિભાઈ પટેલ, કલોલ ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક અનુપમ આનંદ સહિત ST વિભાગ સાથે જોડાયેલા અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.