અમદાવાદ (EMS) ગુજરાતના પાટનગર ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે મેટ્રો ટ્રેન સેવા શરૂ થવાને હવે માત્ર દિવસો બાકી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સમયમાં ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે, જે દરમિયાન તેઓ અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન સેવાનું ઉદ્ઘાટન કરશે.
આ રૂટ પર મેટ્રો ટ્રેન શરૂ થવાથી બંને શહેરના નાગરિકોને ફાયદો થશે. ખાસ કરીને ગાંધીનગર સચિવાલયમાં કામ કરતા કર્મચારીઓને મેટ્રો ટ્રેન શરૂ થવાથી ઘણો ફાયદો થશે.અમદાવાદ અને ગાંધીનગરના નાગરિકોની મેટ્રો રેલ સેવાની રાહ ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે.
પીએમ મોદી 16મી સપ્ટેમ્બરે અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલ સેવાને લીલી ઝંડી આપશે. આ મેટ્રો ટ્રેન સેવા અમદાવાદના મોટેરા અને ગાંધીનગરના મહાત્મા મંદિર વચ્ચે શરૂ કરવામાં આવશે. મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગરના સેક્ટર-1ના ફેઝ-2ની ટ્રાયલ ફેબ્રુઆરી મહિનામાં જ પૂર્ણ થઈ હતી. મેટ્રો માટે નર્મદા કેનાલ પર 300 મીટરનો કેબલ બ્રિજ પણ બનાવવામાં આવ્યો છે. ફેઝ-2નો કુલ રૂટ 28.24 કિલોમીટરનો છે. તેમાં 22.84 કિમી મોટેરાથી મહાત્મા મંદિર કોરિડોર અને 5.42 કિમી GNLU-ગિફ્ટ સિટી કોરિડોરનો સમાવેશ થાય છે. મોટેરા સ્ટેડિયમ અને મહાત્મા મંદિર વચ્ચે કુલ 20 સ્ટેશન હશે. અમદાવાદથી ગાંધીનગર મેટ્રો ટ્રેન શરૂ થતાં નાગરિકો સરળતાથી પાટનગર ગાંધીનગર પહોંચી શકશે.
તેનાથી અમદાવાદ-ગાંધીનગરથી અપડાઉન કરતા લોકોને મોટી રાહત મળશે. સમય જતાં નાણાંની બચત થશે, ટ્રાફિકની ભીડ ઘટશે અને લોકોને પરિવહનના નવા વિકલ્પો મળશે. ગાંધીનગર સેક્ટર-1 મેટ્રો સ્ટેશન પર ગુજરાતનો વિકાસ જોવા મળશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન પર રજૂ કરવામાં આવ્યું છે. અટલ બ્રિજ અને ઝૂલતા મિનારાઓ પણ મેટ્રો સ્ટેશનની સુંદરતામાં વધારો કરશે.