Gujarat:ચોમાસાનો ત્રીજો રાઉન્ડ પૂરજોશમાં ચાલી રહ્યો છે. તેમજ જૂનાગઢમાં શનિવારે 10 ઈંચ વરસાદ પડતાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ સાથે જ આજે પણ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ભાવનગરમાં આજે સવારે 8 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો હતો, જેના કારણે સમગ્ર શહેરમાં પાણી ભરાઈ ગયા હતા.
રવિવારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 80 તાલુકાઓમાં મુશળધાર વરસાદને કારણે સ્થાનિક નદીઓ છલકાઈ ગઈ છે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ડઝનબંધ ડેમ ઓવરફ્લો થયા છે. રાજકોટ જિલ્લામાં આજી-1 અને ન્યારી ડેમ પણ ઓવરફ્લો થયા છે. સાથે જ ભાદર ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 3 ફૂટ ઓછો છે. ભાવનગર જિલ્લાનો સૌથી મોટો શેત્રુંજી ડેમ પણ ઓવરફ્લો થયો છે.
અમદાવાદ એરપોર્ટમાં ઘૂંટણ સુધીના પાણી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ઉપરાંત મધ્ય ગુજરાતમાં પણ ચોમાસું મહેરબાન છે. આ સાથે વડોદરા અને અમદાવાદમાં પણ છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે વરસાદને કારણે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તેમજ રસ્તાઓ પર 2 થી 3 ફૂટ પાણી ભરાવાને કારણે અનેક જગ્યાએ ટ્રાફિક જામ થયો છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર પણ ઘૂંટણિયે પાણી ભરાઈ ગયું છે. જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સુરત જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તેમજ સુરત શહેરમાં સૌથી વધુ 3 ઈંચ જેટલો વરસાદ લિંબાયત વિસ્તારમાં નોંધાયો છે. જેના કારણે અનેક ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે. આ ઉપરાંત વરાછા-એમાં અઢી ઈંચ, વરાછા-બીમાં દોઢ ઈંચ, રાંદેરમાં અઢી ઈંચ, કતારગામમાં અઢી ઈંચ,ઉધનામાં અડધો ઈંચ અને અઠવામાં બે ઇંચ. વરસાદ નોંધાયો છે. તેમજ નવસારી રોડ પર પાણી ભરાવાના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
મહારાષ્ટ્રના હતનુર ડેમના તમામ દરવાજા ખોલવાને કારણે 1 જ દિવસમાં ઉકાઈ ડેમની જળ સપાટીમાં 3 ફૂટનો વધારો થયો છે. જેના કારણે દક્ષિણ ગુજરાતના સૌથી મોટા ઉકાઈ ડેમની જળસપાટી ઝડપથી વધી રહી છે. તેમજ શનિવાર સુધી ડેમની જળસપાટી 317.57 ફૂટ હતી. જે આજે સવારે 320 ફૂટે પહોંચી છે. તેમજ ડેમની હાઈ લેવલ 345 ફૂટ છે. આ સાથે ડેમમાં હજુ પણ પાણી વહી રહ્યું છે, જેના કારણે આગામી દિવસોમાં ડેમ ભરાઈ જવાની સંભાવના છે. અને ડેમમાં પાણીની પુષ્કળ આવક થતા દક્ષિણ ગુજરાતમાં ખુશીનો માહોલ છે.
રાજકોટ જિલ્લામાં મુશળધાર વરસાદના કારણે ગોંડલ-આટકોટ હાઈવે બંધ થઈ ગયો છે. જેના કારણે હાઇવે બંને બાજુથી બંધ કરી દેવામાં આવ્યો છે. તેમજ કોટડા સાંગાણીના વાડીપરા ગામમાં નદીના પૂરમાં 15 લોકો ફસાયા હતા. જેમને NDRFની ટીમે બચાવી લીધા હતા.
જામનગરમાં શનિવારે દિવસભર ઝરમર વરસાદે રાત્રે વિરામ લીધો હતો. પરંતુ આજે સવારે 8 વાગ્યાથી ભારે વરસાદ પડી રહ્યો છે. શહેરના રણજીતનગર, ઉદ્યોગનગર, જનતા ફાટક, બેડીગેટ વિસ્તારોમાં પાણી ભરાયા છે. અનેક રસ્તાઓ પર પાણી જમા થવાના કારણે અનેક જગ્યાએ લાંબો ટ્રાફિક જામ છે. આ સાથે જ અમરેલી જિલ્લાના લાઠી, બાબરા, ચમારડી, વલારડી, ઈંગોરાળા અને કુંવરગઢ ગામમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.