- જિલ્લામાં સંત સુરદાસ તેમજ ઇન્દિરા ગાંધી નેશનલ ડિસેબીલીટી પેન્શન યોજના અંતર્ગત 2780 દિવ્યાંગોને અપાઈ 89 લાખથી વધુની સહાય
Rajkot:રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગો માટે કલ્યાણકારી યોજનાઓ અમલી છે.જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં વિવિધ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા લોકો સ્વમાનભેર જીવી શકે તે માટે સરકારની ક્લ્યાણકારી યોજનાઓના અમલીકરણમાં જિલ્લા સમાજ સુરક્ષાની કામગીરી નેત્રદીપક બની છે.
સમાજ સુરક્ષા કચેરી દ્વારા વિવિધ યોજનાઓની સહાય આપી રાજકોટ જિલ્લાના દિવ્યાંગોને વ્હારે રાજય સરકાર આવી છે. જેમાં સંત સુરદાસ (પેન્શન) યોજના અંતર્ગત 80 ટકા થી વધુ દિવ્યાંગતા ધરાવતા 17 વર્ષ સુધીના તથા 20 સુધી બી.પી.એલ સ્કોર ધરાવતા દિવ્યાંગ લાભાર્થીઓને તથા ઇન્દિરા ગાંધી નેશનલ ડિસેબીલીટી પેન્શન સ્કીમ અંતર્ગત 18 થી 69 વર્ષના તથા 20 સુધી બી.પી.એલ સ્કોર ધરાવતા કુલ 2780 દિવ્યાંગ લાભાર્થીઓ માસિક રૂ. 1000 પેન્શન અંતર્ગત કુલ રૂ.89 લાખ 23000ની સહાયનો લાભ આપવામાં આવ્યો છે.
રાજકોટ જિલ્લાના માનસિક દિવ્યાંગોને ગુજરાત મેન્ટલી ડિસેબલ પેન્શન યોજના અંતર્ગત પેન્શન આપવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં હાલ સુધીમાં જિલ્લાના 3649 માનસિક દિવ્યાંગ લાભાર્થીઓને કુલ રૂ. 1 કરોડ 42 લાખ, 60 હજાર પેન્શન આપવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત મેન્ટલી ડિસેબલ પેન્શન યોજના અંતર્ગત 50% કે તેથી વધુ બૌધ્ધિક અસમર્થતા, સેરેબ્રલ પાલ્સી અને ઓટીઝમ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા, 0 થી 79 વર્ષ સુધીના દિવ્યાંગ વ્યક્તિને પેન્શનનો લાભ મળી શકે છે. જેમાં અરજદારને પોસ્ટ અથવા બેંક ખાતામાં ડીબીટી મારફત માસિક 1000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી રાજકોટ ખાતેથી અરજી પત્રક મેળવી રજૂ કરવાનું રહેશે.