- છેલ્લા 24 કલાકમાં સાબરકાંઠા જિલ્લામાં સરેરાશ 2 ઇંચથી વધુ વરસાદ; જ્યારે મહેસાણા, પાટણ તેમજ બનાસકાંઠા જિલ્લામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો
- ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 120 ટકાથી વધુ; સૌથી વધુ કચ્છ ઝોનમાં 183 ટકાથી વધુ વરસાદ નોંધાયો
દક્ષિણ ગુજરાતમાં ગત દિવસ દરમિયાન વરસી રહેલા ધોધમાર વરસાદનું આજે જોર ઘટ્યું છે. સાથે જ, હાલ કચ્છ, સૌરાષ્ટ્ર ઝોન અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં પણ વરસાદે વિરામ લીધું છે. જ્યારે, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં 24 કલાક દરમિયાન મહેસાણાના વિજાપુર અને સાબરકાંઠાના તલોદ તાલુકામાં સૌથી વધુ 5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત સાબરકાંઠાના પ્રાંતિજ અને ગાંધીનગરના માણસા તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
ગત 24 કલાકમાં સાબરકાંઠા જિલ્લામાં સરેરાશ ૨ ઇંચથી વધુ અને મહેસાણા, પાટણ તેમજ બનાસકાંઠા જિલ્લામાં એક ઈંચ કરતા પણ વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે સમગ્ર ઉત્તર ગુજરાતમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
તાલુકાની વાત કરીએ તો, બનાસકાંઠાના પાલનપુર અને ડિસા, પાટણના રાધનપુર, સાબરકાંઠાના હિંમતનગર, મહેસાણા તેમજ આણંદ તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત, રાજ્યની આશરે 14 તાલુકામાં 2 ઇંચથી વધુ, 46 તાલુકામાં એક ઈંચથી વધુ તેમજ 137 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યના કુલ 207 તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ એક ઈંચથી ઓછો વરસાદ ખાબક્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તારીખ 06 સપ્ટેમ્બર, 2024ના રોજ સવારે 6.00 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 120 ટકાથી વધુ નોંધાયો છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 183 ટકા કરતા પણ વધારે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં 128 ટકાથી વધુ તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં 122 ટકા નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં 116 ટકાથી વધુ, જ્યારે, ઉત્તર ગુજરાતમાં 104 ટકાથી વધુ મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.