Anjar:ભારતમાં દર વર્ષે 5મી સપ્ટેમ્બરને ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ પર “શિક્ષક દિવસ” ઉજવવામાં આવે છે. ડો. સર્વપલ્લી ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા. તેમજ શિક્ષકોને સમર્પિત આ દિવસ શિક્ષકોના સમર્પણ,સખત મહેનતનું સન્માન કરવા અને વિદ્યાર્થીઓના જીવનમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકાને પ્રકાશિત કરવા માટે “શિક્ષક દિવસ” ઉજવવામાં આવે છે. આ ઉપરાંત રાષ્ટ્રીય શિક્ષક દિવસના દિવસે દરેક શાળામાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આજરોજ શિક્ષક દિવસ નિમિત્તે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત અંજાર પોલીસ દ્વારા અલગ અલગ શાળાઓની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં અંજાર પોલીસ દ્વારા બાળકોને ભણતર સાથે ગણતર શીખવનાર શાળાના શિક્ષકોને “શિક્ષક દિવસ” નિમિતે એમના કાર્યને બિરદાવી શિક્ષકોનું સન્માન કર્યું. તેમજ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પી.જી. ગાલા પ્રાથમીક શાળામાં SPC યોજના અમલમાં હોય છે. જેમાં SPC ના બાળકો દ્વારા શિક્ષક દિવસની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જે કાર્યક્રમમાં અંજાર પોલીસ સ્ટેશનના વુમન કોન્સ્ટેબલ રાજલ ગઢવી દ્વારા શિક્ષકોની પરિભાષા સમજાવવા સાથે સાથે ચારણી સાહિત્યની ઝલક જોવા મળી હતી.