પતંગ રસિયાઓની ગ્રાહકોને પહોંચી વળવા સદર બજારનાં વેપારીઓ સજ્જ: જીએસટીના કારણે પતંગના ભાવમાં ૧૫ ટકાનો વધારો સામે માલની અછત પણ સર્જાઈ
નાના-મોટા સૌનું માનીતુ પર્વ ઉતરાયણ નજીક આવી રહ્યું છે ત્યારે રાજકોટ સદર બજારમાં મોટા પાયે પતંગોનું વેચાણ થતું હોય છે. આ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ દ્વારા વિવિધ વેરાયટીઓનો જથ્થો બજારમાં ઉતારી દેવામાં આવ્યો છે.
યુવાધનમાં આ તહેવાર વધારે પ્રિય છે. જેના કારણે ઉતરાયણના પર્વની ઉજવણી લોકો ધામધુમથી કરે છે.
પતંગ દોરાના વ્યવસાય સાથે વર્ષોથી સંકળાયેલા જલારામ સીઝન સ્ટોલવાળા જેતીનભાઈ ચંદારાણા, આકાશભાઈ રાજપુતે જણાવ્યું હતું કે, આ વર્ષે અન્ય બજારની જેમ પતંગ બજારમાં પણ જીએસટીના કારણે ૧૫ ટકાનો વધારો જોવા મળે છે. તેમજ પૈસા આપતા પણ માલની અછત સર્જાઈ છે.
જેથી પતંગ રસિયાઓને પતંગ અને દોરી ખરીદવાનું મોઘું પડશે પરંતુ રાજકોટમાં પતંગ રસિયાઓ આખુ વર્ષ ઉતરાયણની રાહ જોતા હોય છે એટલે ગમે તે ભાવે પણ પતંગ દોરી ખરીદવામાં અચકાતા નથી. તેઓ પાંચ દિવસ પહેલા તૈયારી કરી લેતા હોય છે.
જેને લઈને દોરી અને પતંગના વ્યવસાય કરતા વેપારીએ પણ ૧ માસ અગાઉ જથ્થો બજારમાં લાવી દે છે.
આ વર્ષે પતંગોમાં નરેન્દ્રભાઈ મોદી તથા વિજયભાઈ રૂપાણીના ફોટાવાળી તેમજ સૌનો સાથ સૌનો વિકાસ, ગુજકાત કા નેતા રાજકોટ કા બેટા, સોનું તને મારા પર ભરોસો નહીં કે, ૨૦૧૮ સહિતની પતંગોએ બજારમાં આકર્ષણ જમાવયું છે.
આ ઉપરાંત ઝાલરવાળા, વ્હાઈટ અને કલરમાં ચીલ, અઢી હેવી ડાર્ક,રોકેટ, સુપર પ્રિન્ટ, ચાંદ બાળકોમાં છોટા ભીમ, બેનટેન, ટોમ એન્ડ જેરી અને સોનેરી સ્ટીકર વાળી અવનવી વેરાયટી ઉપલબ્ધ છે.
જે રૂપિયા ૫ થી ૪૦ સુધીના પતંગના પંજા અને દોરીમાં બરેલી, સુરતી માજો, ભગવાન શિવમ સહિતના ૬,૯ અને ૧૨ તારના તેમજ જલારામ સીઝન સ્ટોલ સ્પેશ્યલ ફેવીકોલથી પાયેલા દોરાએ બજારમાં જબરુ આકર્ષણ જમાવ્યું છે. જે રૂપિયા ૧૩૦ થી લઈને ૬૫૦ સુધીના દોરા વેચાઈ રહ્યા છે. એસેસરીઝમાં ટોપી, ચશ્મા, સુર્ય ટોપી, પપુડા તેમજ અવનવી વેરાયટીઓ બજારમાં ધુમ મચાવી રહી છે.