પાકિસ્તાન ઉપર હવે માત્ર દબાણ નહીં પરંતુ દંડાત્મક પગલા લેવાની અમેરિકાની તૈયારી
પાકિસ્તાને વર્ષો સુધી અમેરિકાને બેવકુફ બનાવવાની વાત જગજાહેર થઈ ગઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ વાત કબુલી લીધી છે. અબજો ડોલરની પાકિસ્તાનને ત્રાસવાદ વિરુધ્ધ પગલા લેવા આપેલી સહાયને કયાં વાપરવામાં આવી તેના પર પણ શંકા વ્યકત થઈ છે. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ તમામ હિસાબ આપવા ઈચ્છા વ્યકત કરી છે. ત્યારે હવે અમેરિકા પાકિસ્તાનને ભીડવે તેવી શકયતા છે.
અમેરિકા આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે ભીડવશે. હાલ તો આર્થિક નિયંત્રણો લાદવા માટેની તૈયારી અમેરિકાની છે. અમેરિકાએ વધુ આર્થિક સહાય ન ફાળવવાનું કહ્યું છે. અમેરિકા અનેક વખત પાકિસ્તાન ઉપર આતંકવાદ સામે પગલા લેવા દબાણ કરી ચૂકયુ છે પરંતુ પાકિસ્તાન આતંકવાદ સામે હંમેશા નમાલુ પુરવાર થયું છે. માટે હવે માત્ર દબાણ નહીં પરંતુ દંડાત્મક પગલા લેવાની તૈયારી થઈ રહી હોવાનું જાણવા મળે છે. યેનકેન પ્રકારે પાકિસ્તાનને ભીડવવાનો પ્રયાસ થશે.
વ્હાઈટ હાઉસના પ્રવકતા સરાહ સેન્ડરે કહ્યું છે કે, આતંકવાદને રોકવા માટે પાકિસ્તાન પગલા લઈ શકે તેમ છે. અમે પાકિસ્તાન પગલા લે તેવું ઈચ્છીએ છીએ. યુએનમાં અમેરિકાના રાજદૂત નિકી હેલીએ કહ્યું હતું કે, અમેરિકા પાકિસ્તાનની અપાતી આર્થિક સહાય રોકવા ઈચ્છી રહ્યું છે. પાકિસ્તાન ત્રાસવાદ સામેની લડાઈમાં નબળુ પુરવાર થયું છે.
અમેરિકાને અત્યાર સુધી દૂધ પીવડાવીને ઉછેરેલો સાપ હવે નડી રહ્યો છે. અફઘાનિસ્તાનમાં આતંકવાદીઓ સામેની કાર્યવાહી માટે પાકિસ્તાનની ભૂમિનો ઉપયોગ કર્યા બાદ પાકિસ્તાનને ત્રાસવાદ સામેની લડાઈ માટે અઢળક ભંડોળ અમેરિકાએ ફાળવ્યું હતું. પરંતુ આ ભંડોળનો યોગ્ય સ્થાને ઉપયોગ થયો નથી. હવે અમેરિકાને આતંકવાદની સાથે પાકિસ્તાન પણ નડવા લાગ્યું છે.