- રેવન્યુ સર્વે નંબર 37 પૈકી 1/2ની 4.35 એકર જમીનના ગોબરા વહીવટમાં બી ડિવિઝન પોલીસને કાર્યવાહી કરવા અદાલતનો આદેશ
- મેંગો માર્કેટ પાછળની વિવાદિત જગ્યામાં હાઇકોર્ટની ખેડૂતને રાહત
રાજકોટની મેંગો માર્કેટ પાછળ આવેલી 4.35 એકર વિવાદિત જમીનના વહીવટમાં હાઇકોર્ટએ બી ડિવિઝન પોલીસને ચાર અઠવાડિયામાં એટલે કે એક માસમાં ગુનો દાખલ કરવા આદેશ આપ્યો છે. જો ગુનો દાખલ કરવામાં ન આવે તો લેખિતમાં ખુલાસો કરવા માટે હાઇકોર્ટએ આદેશ આપ્યો છે. છેલ્લા એકાદ માસથી મેંગો માર્કેટ પાછળ આવેલી રેવન્યુ સર્વે નંબર 37 પૈકી 1/2ની 4.35 એકર જમીનના કાચા વ્યવહારમાં થયેલો ગોબરો વહીવટ સામે આવ્યો હતો.
રંગીલું રાજકોટ હવે જમીન કૌભાંડનું એપિસેન્ટર બનતું જઈ રહ્યું છે. કમાઈ લેવાની લ્હાયમાં જમીનના કાચા વ્યવહાર કરવામાં આવતા હોય છે અને ત્યારબાદ કાચા વ્યવહારમાં કાચું કપાઈ ગયા બાદ સામસામે આક્ષેપ – પ્રતિઆક્ષેપનો સિલસિલો શરૂ થતાં વહીવટ ગોબરો બની જતો હોય છે. ત્યારે શહેરમાં વધુ એક જમીનના કાચા વ્યવહારનો ગોબરો વહીવટ સામે આવ્યો હતો. રાજકોટના રેવન્યુ સર્વે નંબર 37 પૈકી 1/2ની 4 એકર 35 ગુંઠા જમીનમાં કાચા સાટાખતના (રજીસ્ટર્ડ ન હોય તેવું) આધારે બિનખેતી કે માલિકીપણું મેળવ્યા વિના જ વેચાણ શરૂ કરી દેવામાં આવ્યાનું સામે આવ્યું હતું. અધૂરામાં પૂરું હજુ બિનખેતી મંજુર થયું નથી તેમ છતાં પ્લોટનું વેચાણ અને રોડ રસ્તાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હરું તેવું અરજદારે સોગંદનામા પર જાહેર કરીને અદાલતમાં રજૂ પણ કરી દીધું હતું અને ફક્ત એટલું જ નહિ બિલ્ડર ગ્રુપ દ્વારા પત્રકાર પરીષદ બોલાવીને તેમાં પણ સરાજાહેર એવુ સ્વીકારવામાં આવે કે બિનખેતી વિના જ પ્લોટનું વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું હતું ત્યારે સવાલ એવો ઉઠ્યો હતો કે, જો બિનખેતીનો હુકમ ન કરવામાં આવે અથવા તો કોઈ પણ અન્ય વિવાદ સર્જાય તો અંતે મરવાનુ તો રોકાણકારોએ જ ને? ત્યારે આ સમગ્ર મામલો હાઇકોર્ટ સુધી પહોંચતા અદાલતે મામલામાં ગુનો દાખલ કરવા આદેશ આપ્યો છે.
જમીનના મૂળ માલિક દિલીપ કરશનભાઇ મકવાણાએ ગુજરાત હાઇકોર્ટમાં વરિષ્ઠ ધારાશાસ્ત્રી આશિષ ડગલી મારફત કરેલી અરજીમાં જણાવ્યું હતું કે, સામાપક્ષે બિલ્ડર ગ્રુપ દ્વારા કાયદેસરની છેતરપિંડી આચરી જમીનનો કબ્જો લઇ લીધા છતાં પોલીસ ફોજદારી ફરિયાદ લેતી નથી. ત્યારે જસ્ટિસ નિર્ઝર એસ. દેસાઈની સિંગલ જજની બેંચએ પોતાનો આદેશ આપતાં જણાવ્યું છે કે, અરજદારે ગત તા. 27 જુલાઈના રોજ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈને સંબોધી લેખિત ફરિયાદ આપી હતી. જે મામલે બી ડિવિઝન પોલીસ તાત્કાલિક ગુનો દાખલ કરવા બાબતે નિર્ણય લ્યે અથવા આ મામલામાં ફોજદારી ગુનો બને છે કે કેમ? તે બાબતે લેખિતમાં ખુલાસો આપે. અદાલતે જણાવ્યું છે કે, સંબંધિત પોલીસ મથકના પીઆઈ આખા મામલાનો અભ્યાસ કરીને જો ફોજદારી ગુનો ન બનતો હોય તો અરજદારને વિગતવાર અને મુદ્દાસર આ અંગે લેખિતમાં જવાબ આપવામાં આવે. બી ડિવિઝન પોલીસને આ મામલે કાર્યવાહી માટે ચાર સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે.
શું છે સમગ્ર મામલો?
સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો થોડા દિવસો પૂર્વે રાજકોટના બી-ડિવિઝન પોલીસ મથકમાં એક બિલ્ડરે તેની જમીન પરથી 3 શખ્સે સીસીટીવી કેમેરાની લૂંટ ચલાવ્યાની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં 30 કરોડની જમીન કાચા વ્યવહારને લીધે ગોબરી થયાંનું સામે આવ્યું હતું. દિલીપભાઈ કરસનભાઈ મકવાણા નામના જમીન માલિકે કરેલી અરજીમાં આરોપી તરીકે સંજયભાઈ ઈશ્વરભાઈ ઘાટલિયા, રસિકભાઈ અરજણભાઈ ભલગામા, દિનેશભાઈ નાનાલાલ ચૌહાણ, મનસુખભાઈ શીવાભાઈ તલસાણીયા, હંસાબેન વિનોદભાઈ કોશિયા, પ્રફુલભાઈ હીરાભાઈ નડીયાપરા અને ગોવિંદભાઈ છગનભાઈ લાઠીયાનું નામ આપી આ સાતેય શખ્સોએ કીમતી જમીન પચાવી પાડવા ખોટા લખાણો ઉભા કરાવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ધાકધમકી અને ગેરકાયદેસર કબજો કરવાનો પ્રયત્ન કર્યો હોય તેવા આક્ષેપ કર્યા છે.
25 કરોડની કિંમતી જમીન પાણીના ભાવે પડાવી લેવા ષડયંત્ર : અરજદાર
જમીન માલિકે જણાવ્યું છે કે, શહેરના પૂર્વ વિભાગમાં સર્વે નંબર 37 પૈકી 1 તથા રેવન્યુ સર્વે નંબર 37 પૈકી 2ની કુલ 4 એકર 35 ગુઠાની જમીન વારસાઈ ધોરણે તેમને પ્રાપ્ત થયેલ છે. આ જમીન અત્યંત કિંમતી હોય આ કામના આરોપીઓએ જમીન પચાવી પાડવા માટે પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું અને તેમની પાસેથી ઓછી રકમના લખાણો કરાવી કીમતી જમીન પચાવી પાડવા વિશ્વાસઘાત અને છેતરપિંડી આચાર્યો હતો. તેમણે જણાવ્યું છે કે, આ સાતેય શખ્સોએ ગત ત. 18-2-2022 ના રોજ લખાણ કરાવી રૂ. 1.50 કરોડ તા. 18-2-2023 ના રોજ રૂપિયા છ કરોડ ચૂકવવાનું વચન આપ્યું હતું પરંતુ રકમ ચૂકવી નહીં લખાણ કરાવી તેમાં સહી મેળવી લીધી છે. આ આરોપીઓએ તેમની પાસેથી અલગ અલગ લખાણ કરાવી જમીનની બજાર કિંમત રૂપિયા 25 કરોડથી વધુ હોવા છતાં ખેડૂતની અજ્ઞાનતાનો લાભ લઇ માત્ર રૂપિયા નવ કરોડમાં લખાવી લીધી હતી.