- એસડીઆરએફ અને ગોંડલ એસઆરપી ગ્રુપ -8ના જવાનો પણ રેસ્ક્યુ અને રિલીફની કામગીરી માટે રાઉન્ડ ધ ક્લોક ફરજ પર તૈનાત
રાજકોટમાં ભારે વરસાદને પગલે રાજ્ય સરકાર દ્વારા આર્મીની એક ટુકડી તૈનાત કરવામાં આવી છે, જેમાં 2 મેજર સહિત 60 જેટલા જવાન ખડેપગે છે. આ ટુકડી શહેરના સોરઠિયાવાડી સર્કલ પાસે આવેલી લલુડી વોકળી, આજી નદી આસપાસના નીચાણવાળા વિસ્તારો તેમજ રામનાથ મહાદેવ મંદિર આસપાસના એરિયામાં પહોંચી હતી અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું, જોકે હાલ વરસાદ થોડો ધીમો પડતાં ધીમે ધીમે શહેરના વિસ્તારોમાંથી વરસાદી પાણી દૂર થઈ રહ્યાં છે, પરંતુ વરસાદ હાલ ચાલુ હોવાથી નોર્મલ પરિસ્થિતિ નહીં થાય ત્યાં સુધી આર્મીની ટીમ રાજકોટ શહેરમાં જ રહેશે. આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં રેસ્ક્યુ અર્થે એસડીઆરએફની એક ટુકડી અને ગોંડલ એસઆરપી જૂથના જવાનો પણ રાઉન્ડ ધ ક્લોક ફરજમાં હાજર છે. ઉલ્લેખનીય બાબત છે કે, હાલ સુધીમાં રાજકોટ જિલ્લામાંથી અંદાજિત 2500 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.
આર્મી ટુકડીના મેજર જિતેન્દ્ર બડગુજર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારી હાયર ઓથોરિટી દ્વારા કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં ભારે વરસાદ હોવાથી આર્મીની ટીમ ફ્લડ રિલીફ માટે મોકલવાની છે, એ સાથે જ હું અમારી મેડિકલ ટીમ સાથે અહીં રાજકોટમાં પહોંચી ગયો. ગઈકાલે રાત્રે 10 વાગ્યે અમે રાજકોટ પહોંચી ગયા અને ત્યાર બાદ વહેલી સવારથી અલગ અલગ વિસ્તારો, જ્યાં હાઈ એલર્ટ છે એ જગ્યાનું નિરીક્ષણ કર્યું. હાલ ભારે વરસાદ પડી રહ્યો છે, જેને કારણે અમને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.
જ્યારે જામનગર મિલિટરીમાંથી આવેલા મેજર ગૌરવ કુમારે જણાવ્યું હતું કે ગઇકાલે બપોરે 1.30 વાગ્યા આસપાસ અમને ગુજરાત સ્ટેટ ઇમર્જન્સી ડિપાર્ટમેન્ટ તરફથી એવો મેસેજ મળ્યો હતો કે ફ્લડ રિલીફ કોલમની રાજકોટમાં જરૂરિયાત છે. માત્ર રાજકોટ જ નહીં, પરંતુ જામનગર અને દેવભૂમિ દ્વારકામાં પણ આર્મીની ટુકડી તહેનાત કરાયેલી છે. એમાં એક ટુકડીમાં 60 જેટલા જવાનો હોય છે. અમે લાઈફ સેવિંગ અને ફ્લડ રિલીફનો સામાન લઈને અહીં આવ્યા છીએ. કલેક્ટર અને એડિશનલ કલેક્ટર સાથે બેઠક કરવામાં આવી અને ત્યાર બાદ તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે ક્યાં ક્યાં વિસ્તારોમાં ફ્લડ ડેન્જર છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજે સવારે આજી નદી પર પહોંચ્યા હતા અને એની આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં નિરીક્ષણ કર્યું હતું, જેથી આ જગ્યાએ અમે જોયું કે ત્યાં પાણીનું લેવલ કેટલું છે અને નુકસાન કઈ રીતનું થઈ શકે છે. અહીં અમુક વિસ્તારો છે, જ્યાં પાણી ભરાઈ જાય તો ત્યાં જવા માટે અમને કહેવામાં આવશે અને 15 મિનિટમાં જ આર્મીની ટીમ એ જગ્યાએ પહોંચી જશે, જેમાં મેડિકલ ટીમની સાથે એન્જિનિયરિંગ ટાસ્કમાં લાઈફ જેકેટ અને બોટ સાથેની ટીમ હોય છે, જેથી પૂરની પરિસ્થિતિમાં ફસાયેલા લોકોને બચાવી શકાય. હાલ જ્યાં સુધી અહીં પરિસ્થિતિ નોર્મલ નહીં થઈ જાય ત્યાં સુધી આર્મીની ટીમ રાજકોટમાં જ રહેશે.
એસડીઆરએફની ટીમે 36 કલાકમાં 31 સગર્ભાઓને રેસ્ક્યુ કરી સફળ પ્રસુતિ કરાવી
રાજકોટ જિલ્લા વહીવટી તંત્રની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમમાંથી પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટ જિલ્લામાં એસડીઆરએફની એક ટુકડી સતત ખડેપગે છે. ત્યારે છેલ્લા 36 કલાકમાં એસડીઆરએફની ટીમે 31 સગર્ભાઓ કે જેમની પ્રસુતિનો સમય આવી ગયો હતો તેમને રેસ્ક્યુ કરી સફળ પ્રસુતિ કરાવી માતા-બાળકને નવજીવન આપ્યું છે.
ધોરાજીના ગોદાણા ગામે 23 વર્ષીય યુવતીને સર્પદંશ થતાં રેસ્ક્યુ કરી નવજીવન અપાયું
ધોરાજીના ગોદાણા ગામે 24 વર્ષીય યુવતીને સર્પદંશ થયો હતો. ભાદર ડેમ ઓવરફ્લો થતાં આખુ ગામ સંપર્કવિહોણું થતાં દવાખાના સુધી પહોંચવું અત્યંત મુશ્કેલ હતું. ત્યારે એસડીઆરએફની ટીમે તાત્કાલિક ગોદાણા ગામે પહોંચીં યુવતીને રેસ્ક્યુ કરીને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. બે દિવસની સારવાર બાદ ગઈકાલે રાત્રીના અગિયાર વાગ્યા આસપાસ યુવતી સ્વસ્થ થઇ જતાં ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યું છે.