- વરસાદનો અનેરો ઇતિહાસ: રાજકોટમાં 1987માં સૌથી ઓછો સાડા સાત ઈંચ: 2019માં સૌથી વધુ 61 ઈંચ વરસાદ
- બે દિવસ રેડ એલર્ટની આગાહીને પગલે શહેરમાં વરસાદ યથાવત્: સતત ચોથા દિવસે રાજકોટના લોકોને ધરાર ઘરમાં પૂરાઇ રહેવું પડ્યું, અનેક સ્થળે નુકસાની પણ થઇ
રાજકોટ શહેરમાં સતત પાંચ દિવસથી વરસાદ પડી રહ્યો છે. ડીપ ડિપ્રેશનને કારણે 29 તારીખ સુધી રેડ એલર્ટ અપાયું છે. 27મીએ અનરાધાર વરસાદ પડ્યા બાદ રાતથી વરસાદે વિરામ લીધો હતો. બુધવારે બપોર સુધી માત્ર છાંટા પડ્યા હતા. બપોરે 12 કલાકે વરસાદ શરૂ થયો હતો જે સાંજ સુધી અલગ અલગ ગતિએ પડ્યો પણ સાથે સાથે ભારે પવનોએ લોકોની મુશ્કેલી વધારી દીધી હતી. જનજીવન થાળે પડે તે પહેલાં જ ભારે પવન અને વરસાદે ફરીથી લોકોને ઘરમાં જ રહેવા મજબૂર કરી દીધા હતા. છેલ્લા 48 વર્ષના ઇતિહાસ પર નજર કરવામાં આવે તો વર્ષ 2019 માં રાજકોટમાં સૌથી વધુ 61 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જયારે 1987માં શહેરમાં માત્ર 7.43 ઇંચ જ વરસાદ વરસવાના કારણે કારમી જળ કટોકટી ઉભી થવા પામી હતી.ગત વર્ષ પણ ચોમાસુ પ્રમાણમાં સામાન્ય રહ્યું હતું 38 ઇંચ જેટલો વરસાદ પડયો હતો. રાજકોટ શહેરમાં આ વર્ષે સિઝનનો કુલ વરસાદ 48 ઈંચ થયો છે. ગત વર્ષે 2023માં 26 ઈંચ અને તે પહેલાંના વર્ષે 38 ઈંચ હતો. 2021માં 51 ઈંચ વરસાદ નોંધાયો હતો. હાલની સ્થિતિએ 3 વર્ષનો સૌથી વધુ વરસાદ આ વખતે નોંધાયો છે. હજુ સપ્ટેમ્બરના બીજા સપ્તાહ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કુલ વરસાદ 60 ઈંચથી વધુ નોંધાશે તો તે 14 વર્ષનો નવો રેકોર્ડ બનશે.બુધવારે બપોરે વરસાદ અને ભારે પવન શરૂ થયા બાદ શહેરના અલગ અલગ અન્ડરબ્રિજમાં ફરીથી પાણી ભરાયાં હતાં જેથી તાત્કાલિક વાહન વ્યવહાર બંધ કરી દેવાયો હતો. 30 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા લાગ્યો હતો જેથી અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. મનપાના ચોપડે 160 વૃક્ષ ધરાશાયી થયાનું નોંધાયું છે જેમાં મોટાભાગના વૃક્ષો હટાવીને રસ્તો સાફ કરાયાનું મનપાએ કહ્યું છે. ભારે વરસાદને પગલે રૈયા સહિતનો વિસ્તાર બેટમાં ફેરવાયો હતો અને લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું હતું.
રાજ્યમાં સિઝનનો 109.42 ટકા વરસાદ વરસી ગયો
રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ગુજરાતમાં સિઝનનો કુલ 100 ટકાને પાર વરસાદ વરસ્યો છે. કચ્છમાં 154.03 ટકા, ઉત્તર ગુજરાતમાં 86.41 ટકા વરસાદ વરસ્યો છે. મધ્ય અને પૂર્વમા. 104.07 ટકા અને સૌરાષ્ટ્રમાં 123.34 ટકા વરસાદ ખાબક્યો છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં 110.84 ટકા વરસાદ વરસ્યો છે. ગુજરાતના 76 ડેમ સંપૂર્ણ ભરાયો છે. 96 ડેમ હાઈ એલર્ટ પર મુકાયા છે. 46 ડેમ અને 70 થી 100 ટકાની વચ્ચે વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં 36 જેટલી નદીઓ અને તળાવ ઓવરફ્લો થયા છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે હવામાન વિભાગે માછીમારોને 30 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.