- નજીવી બાબતોમાં ત્રણ યુવકોને રહેસી નખાતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠ્યા
એક જ દિવસમાં ત્રણ હત્યાના બનાવથી કચ્છ રક્તરંજીત બન્યું છે. એકતરફ ગાંધીધામમાં જુગારના ડખ્ખામાં યુવકને મોતને ઘાટ ઉતારી દેવાયો છે જયારે બીજી બાજુ એક યુવકની હત્યા કરી લાશ કુવામાં ફેંકી દેવાઈ હતી. ઉપરાંત ભુજના માધાપરમાં સગા ભાઈના હાથે નાના ભાઈની હત્યા થતાં ચકચાર મચી જવા પામ્યો છે. એક જ દિવસમાં ત્રણ હત્યાથી કચ્છમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠવા પામ્યાં છે.
પ્રથમ બનાવની જો વાત કરવામાં આવે તો ગાંધીધામના જૂની સુંદરપુરી વિસ્તારમાં ગતરાત્રે ગંજીપાના વડે જુગાર રમતી વખતે અંદરોઅંદર કોઇ મુદ્દે ડખો થતાં એક શખ્સે નરેશ વેરશી દાદુ માતંગ (ઉ.વ. 25) ઉપર છરી વડે હુમલો કરી તેની હત્યા નીપજાવી હતી. હત્યાના આ બનાવમાં ચાર શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ચારેયને પકડી પાડયા હતા.
શહેરના જૂની સુંદરપુરી ખેતરપાળ મંદિર પાછળ નવરાત્રિ ચોક વિસ્તારમાં રહેનાર નરેશ નામનો યુવાન ગઇકાલે રાત્રે ઘરેથી તહેવારના દિવસો હોવાથી બહાર નીકળ્યો હતો. તેના પિતા એવા આ બનાવના ફરિયાદી વેરશીભાઇ માતંગ રાત્રે સૂઇ ગયા હતા. મોડી રાત્રે ત્રણેક વાગ્યે ફરિયાદીના અન્ય દીકરા વિશાલે તેમને જગાડયા હતા અને નરેશનો ઝઘડો થયો છે, તેને સ્ટર્લિંગ હોસ્પિટલ લઇ જઇએ છીએ, તેમ કહી તે નીકળી ગયો હતો. દરમ્યાન, ફરિયાદી પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં નરેશના જમણા પગમાં ઇજાઓ થઇ હોવાથી તેનું મોત થયું હોવાનું ફરજ પરના તબીબે જણાવ્યું હતું. બનાવ અંગે ફરિયાદીએ પોતાના દીકરા વિશાલને પૂછતાં પોતે રાત્રે અઢી-પોણા ત્રણ વાગ્યે જાગી ઘરની બહાર નીકળતાં ચોકમાં નરેશ પડયો હતો. તેના પગમાંથી લોહી નીકળતું હતું. મોહન જટ હાથમાં છરી લઇને ઊભો હતો. ત્યાં તેના પિતા ખીમજી, મેઘજી માતંગ, પપ્પુ ઉર્ફે પ્રેમજી પણ ઊભા હતા, ત્યાં વિશાલનો મિત્ર ગોપાલ મહેશ્વરી પણ હાજર હતો. વિશાલને જોઇ આ ચાર શખ્સ નાસી ગયા હતા.
વિશાલે ત્યાં હાજર પોતાના મિત્ર ગોપાલને પૂછતાં તે પોતે તથા નરેશ અને મોહન ખીમજી જટ, મેઘજી અરજણ માતંગ, પ્રેમજી ઉર્ફે પપ્પુ અરજણ માતંગ તથા કરણ તહેવાર હોવાથી ગંજીપાના વડે જુગાર રમી રહ્યા હતા અને જુગાર રમતા-રમતા નરેશનો મોહન, મેઘજી તથા પપ્પુ સાથે ઝઘડો-તકરાર થતાં મેઘજી અને પપ્પુએ તેને માર માર્યો હતો. ઝઘડાનો અવાજ સાંભળી જતાં મોહનના પિતા ખીમજી પણ ત્યાં આવી અને નરેશને મારી નાખો તેમ કહેતાં તેના દીકરા મોહને છરી કાઢી નરેશના જમણા પગમાં-સાથળમાં ઘા ઝીંકી દીધો હતો, જેમાં આ યુવાનને ગંભીર ઇજાઓ થતાં તે ઢળી પડયો હતો. બનાવની તપાસ કરતા પી.આઇ. એમ.ડી. ચૌધરીએ જણાવ્યું હતું કે, વધુ લોહી નીકળી જતાં આ યુવાનનું મોત થયું હતું. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી ચારેય આરોપીઓને પકડી પાડયા હતા. છરી, લોહીવાળા કપડાં કબજે કરવા સહિતની આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી. જુગાર રમતા કોઇ મુદ્દે બબાલ બાદ યુવાનનું ઢીમ ઢાળી દેવાતાં ભારે ચકચાર પ્રસરી હતી.
ભુજમાં યુવાનની હત્યા નીપજાવી લાશ કુવામાં ફેંકી દેવાઈ
ભુજ શહેરના ગુમ થયેલા યુવાનની હત્યા નીપજાવી કૂવામાં નાખી દીધાની માહિતી મળતા પોલીસ બેડામાં દોડધામ મચી હતી. આ અંગે મળતી માહિતી મુજબ પોલીસમાં યુવાનની નોંધાયેલી ગુમનોંધની તપાસ દરમ્યાન યુવાનની હત્યા નીપજાવી લાશ સરપટ નાકા બહાર છત્રીસ ક્વાર્ટર્સ, ગીતા કોટેજીસ આસપાસ કૂવામાં નાખી દીધાની વિગતો મળતાં રાતે એલસીબી, એસઓજી, બી-ડિવિઝન પોલીસના કાફલાએ વિસ્તાર ખૂંદી નાખ્યો હતો. પોલીસે આ શંકાસ્પદ હત્યાને લઇને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
માધાપરમાં આડા સંબંધનો કરુણ અંજામ: સગા ભાઈના હાથે નાના ભાઈની હત્યા
ભુજ શહેર સમીપેના માધાપરના સથવારાવાસમાં 27 વર્ષીય ઈશ્વર પ્રેમજી સથવારાનું તેના મોટા ભાઈ કલ્પેશે લોખંડના પાઈપથી ફટકારી ઢીમ ઢાળીને તેની લાશને પત્રીની સીમમાં ફેંકી દીધાનો પર્દાફાશ થયો છે. પરિવારની મહિલા સાથેના આડા સંબંધ આ હત્યા પાછળ કારણભૂત હોવાનું પોલીસ ફરિયાદમાં લખાવાયું છે. આ હત્યા સંબંધે મૃતક અને હત્યારાના પિતા પ્રેમજી કાનજી સથવારાએ માધાપર પોલીસ મથકે નોંધાવેલી વિગતો મુજબ તેઓ પત્રીના વાડી વિસ્તારમાં રહે છે અને પુત્ર ઈશ્વર તથા કલ્પેશ માધાપરમાં સથવારાવાસમાં પાસપાસમાં રહે છે. હત્યાના પર્દાફાશ બાદ આરોપીએ કરેલા ઘટસ્ફોટમાં પરિવારની મહિલા સાથેના આડા સંબંધને લઈ બન્ને ભાઈઓ વચ્ચે અવાર-નવાર ઝઘડા થતા હતા અને 15મી ઓગસ્ટના પણ આવો જ ઝઘડો થયો હતો. બીજા દિવસે સવારે કલ્પેશ લોખંડનો પાઈપ લઈ ઈશ્વરના ઘરે ગયો હતો અને માથાના ભાગે પાઈપના ફટકા મારી લોહીલુહાણ કરી ઢીમ ઢાળી દીધું હતું. આ હત્યા બાદ તેની લાશને ટેમ્પામાં પાછળ મૂકી પત્રી ગામની ખારા વિસ્તારની સીમમાં ફેંકી દીધી હતી. આ બાદ 16મીથી જ કલ્પેશ અને તેના ત્રણ સંતાનો તથા ઈશ્વર ગુમ થયાની જાણ ફરિયાદી પ્રેમજીભાઈને થતાં તે માધાપર દોડી આવ્યા હતા. ઘરમાં તપાસતાં ઈશ્વના ઘરમાં લોહીના છાંટા ઊડયાનું તથા લોહીના ડાઘ સાફ કરાયાનું જણાતાં માધાપર પોલીસને જાણ કરતાં પોલીસે પણ બનાવની ગંભીરતા સમજી તપાસ આદરી હતી અને કલ્પેશે ભાંગી પડી પિતા સમક્ષ હત્યા કબૂલી લીધી હતી.