• સ્વચ્છ ભારત મિશન, ભૂગર્ભ ગટર યોજના, લોકોની પ્રાથમિક જરૂરીયાતો તથા ધ્રોેલ પાલિકા.ના ગાર્ડન ડેવલોપમેન્ટનું કામ કચરાના નિકાલની વ્યવસ્થા અંગે સમિક્ષા

જામનગર જિલ્લાના પ્રભારી અને કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં જામનગર જિલ્લાની નગરપાલિકાઓની પડતર વિકાસ કામો અંગે જિલ્લા કલેક્ટર બી.કે. પંડ્યા અને પ્રાદેશિક ચીફ ઓફિસર  મહેશ જાનીની ઉપસ્થિતમાં જામજોધપુર, સિક્કા, કાલાવડ અને ધ્રોલના ચીફ ઓફિસરઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં ચીફ ઓફિસરોએ નગરપાલિકાના આગામી આયોજનો, વિકાસકામો, પડતરગામો, ફાળવવામાં આવેલ ગ્રાન્ટ, સરકારની વિવિધ યોજનાઓથી લોકોને મળતા લાભો, લોકોની પ્રાથમિક જરૂરિયાતો, બ્યુટીફીકેશનના કામો વગરે અંગેની સ્થિતિ અંગે મંત્રીશ્રીને માહિતગાર કર્યા હતા.

આ બેઠકમાં જામજોધપુર નગરપાલિકા વિસ્તારમાં પાણીની સુવિધાઓ, ડ્રેનેજ નેટવર્ક, સ્ટ્રીટલાઇટ, સ્વચ્છ ભારત મિશનના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી તેમજ તે વિસ્તારમાં કચરો ઉપાડવાની કામગીરીના પ્રશ્નો અને પેચવર્કના બાકી કામો ત્વરિત પૂર્ણ કરવા મંત્રીએ જણાવ્યું હતું.

સિક્કા નગરપાલિકાની પાણી વિતરણની સ્થિત, ભૂગર્ભ ગટર યોજના, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, રસ્તાઓનું રિકાર્પેટિંગ, નગરપાલિકાના આગામી આયોજનો, જી.યુ.ડી.એમ.ની યોજનાઓ તેમજ બગીચાનું નિર્માણ કરવાના આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મંત્રીએ  આ વિસ્તારના નવા રેશનકાર્ડ ધારકોને રાશન મળે તે પ્રકારે આયોજન કરવા અને મેઈન રોડ પર સ્ટ્રીટલાઇટના પ્રશ્નોનું નિરાકરણ લાવવા જણાવ્યું હતું.

કાલાવડ ચીફ ઓફિસર દ્વારા રોડની રિસર્ફેસિંગની કામગીરી, જિલ્લા કક્ષાનું મોડેલ ફાયર સ્ટેશન, નલ સે જલ યોજના અંતર્ગત વિકાસકાર્યો, જનભાગીદારી યોજના હેઠળ ડ્રેનેજ કનેક્શન અંગેના આયોજનની વિગતો આપી હતી તેમજ સફાઇના પ્રશ્નો, સ્ટ્રીટલાઇટ, પાણીની લાઇનના વાલ્વ બદલવાની કામગીરી ઉપર ભાર મુકવા મંત્રીએ જણાવ્યું હતું.

ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં પડતર વિકાસકામોમાં ગાર્ડન ડેવલોપમેન્ટનું કામ, સ્વચ્છતા અને કચરાના નિકાલની વ્યવસ્થા અંગે કામગીરી હાથ ધરવામાં આવી છે તેમજ ભૂગર્ભ ગટરની ટાંકીઓનુ રિપેરિંગ અને ઢાંકણ બદલવા, પાણી ભરવાના પ્રશ્નો, કચરાના નિકાલ માટેની વ્યવસ્થા વધુ સુદઢ બનાવવા મંત્રીએ માર્ગદર્શન આપ્યું હતું.

જામનગર જિલ્લાની તમામ નગરપાલિકાઓમાં વિકાસના બાકી કામો ઝડપથી પૂર્ણ થાય અને આગામી સમયમાં લોકોની સુવિધાઓમાં વધારો થાય તે પ્રકારે આયોજન કરી કામો કરવા પ્રભારીમંત્રી  મૂળુભાઈ બેરાએ લગત અધિકારીઓને જણાવ્યું હતું.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.