• વિદ્યાર્થીઓની આંતરીક પ્રકૃતિ અને વ્યકિતગત વિકાસ માટે કાર્યરત થવું એ વર્તમાન સમયની માંગ

રાજકુમાર કોલેજ, રાજકોટના ધી ઇન્વેસ્ટિચર સેરેમની-2024માં ઉપસ્થિત રાજવીઓ, વિધાર્થીઓ, વાલીઓ, ગુરૂજનોને સંબોધન કરતાં પ્રેસિડેન્ટ   માંધાતાસિંહજી જાડેજાએ કહ્યું હતું કે, ગુણવત્તા યુક્ત શિક્ષણ ઉપરાંત સહ-અભ્યાસ પ્રવૃત્તિઓનાં માધ્યમથી વિધાર્થીઓમાં પ્રથમથી જ રહેલાં આંતરિક સત્ત્વોને ઉજાગર કરીને તેમની મૌલિકતાને યથાયોગ્ય ઘાટ આપીને તેમને સક્ષમતા, સર્જનાત્મકતા, સ્પર્ધાત્મકતા, ક્રિયાશિલતા અને કાર્યદક્ષતાના પથ ઉપર પ્રયાણ કરાવવા માટે રાજકુમાર કોલેજ સંકલ્પબદ્ધ છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યત્વે રાજકુમારોને જ શિક્ષણ આપવા માટે 1 ફેબ્રુઆરી, 1871 માં આરંભ પામેલી આ કોલેજ 1938માં સ્થાપક સભ્યોની દૂરંદેશીથી જ્ઞાતિ, સંપ્રદાય કે રંગને ધ્યાનમાં લીધા વિના સમાજના એક મોટાવર્ગને આવરી લેતી અને વિધાર્થીઓમાં દેશભક્તિની ભાવના સાથે રાષ્ટ્ર નિર્માણ ઉચ્ચત્તમ ધ્યેયને આવરી લેતી જાહેર શાળા બની છે એટલું જ નહીં પરંતુ શિક્ષણ જગતમાં ભારતની ટોચની દશ વિન્ટેજ લેગસી ડે-કમ બોર્ડિંગ સ્કૂલોમાં આપણે ચોથા ક્રમે છીએ એ આપણાં સહુ માટે ગૌરવપૂર્ણ ઘટના છે.

વિદ્યાર્થીઓનાં સર્વાંગી વિકાસ સાથે જીવનમાં શ્રેષ્ઠતા માટે જરૂરી તમામ પ્રક્રિયાઓ માટે અમો કટીબધ્ધ છીએ ત્યારે હેડ બોય, હેડ ગર્લ, પ્રી-ફેક્ટ્સ જેવા મહત્વના હોદ્દાઓના માધ્યમથી નેતૃત્વ, પ્રતિબદ્ધતા, સમર્પણ, ટીમવર્ક, નમ્રતા, સૌજન્ય, સભ્યતા અને પરિપક્વતાની ભાવના દાખવીને તમોને પ્રાપ્ત થયેલાં પદ દ્વારા સંસ્થાકીય આંતરિક અને બાહ્ય રાજદૂત બનો તેવી શુભકામનાઓ પાઠવું છું   આપણાં આ વિધાર્થીઓમાં પડેલી સર્વશ્રેષ્ઠ શક્તિઓને પૂર્ણતયા ખિલવવા માટે તમામ સ્વરૂપે નિશ્ચિત અને સંકલિત પ્રયાસો કરીએ.

પ્રાસંગિક ઉદબોધન કરતાં રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર   ડી. પી. દેસાઈએ કહ્યું હતું કે, રાજકોટ રાજવીના સક્ષમ નેતૃત્વ તળે કાર્યરત ભારતની આ શ્રેષ્ઠ શાળાના વિધાર્થીઓ, શિક્ષકો અને સંચાલકો સાથે વાતચીત કરવાનો મને અવસર મળ્યો છે ત્યારે એટલું જ કહેવું છે કે, જ્યારે શાળા વિધાર્થીની જીવનના ઘડતર માટે પ્રયત્નશીલ હોય છે ત્યારે વિધાર્થી તરીકે તમે પોતે તમારા જીવનમાં શું કરવા ઇચ્છો છો તેની સ્વયં સ્પષ્ટતા હોવી અતિશય મહત્વની બાબત બની જાય છે. અહીં નિવાસી અને બિન-નિવાસી બન્ને સ્વરૂપે આપનું શિક્ષણકાર્ય થઇ રહ્યું છે. એટલે આપણે કેટલાંક ઇશારાઓ ઝીલીને આપણું જીવન ઘડતર જાતે જ કરવાનું છે. સહ અસ્તિત્વ જીવનની ચાવી છે અને કુદરત પણ આપણને એ જ શીખવે છે એટલે આપણી આસપાસ વ્યાપ્ત  પર્યાવરણમાં સ્થિત પ્રત્યેક અસ્તિત્વનો આદર કરીને તેના પ્રત્યેની આપણી જવાબદારીનો સ્વીકાર કરીએ. અલગ રીતે વિચારીએ, નાવિન્ય સભર શીખીએ અને મુક્ત મને જીવીએ. જે વ્યક્તિ સ્વયં પોતાનો આદર કરી શકે છે તે અન્યને આદર આપી શકે છે. સ્વ થી સમષ્ટિ સુધી પહોંચવા માટેનો આ ગુરુમંત્ર છે. ગાઢ અંધકારમાં જયારે આપણે દીવો લઈને ચાલીએ ત્યારે આપણે એવું વિચારતા હોઇએ છીએ કે હું દિવો લઈને ચાલું છું પરંતુ જરા જુદા સ્વરૂપે વિચારીએ તો ખ્યાલ આવે કે હું દિવા ને લઇને નથી ચાલતો પરંતુ દીવો મને લઇને ચાલી રહ્યો છે. આપણે જાણકાર નહીં પરંતુ સમજદાર બનવા માટે પ્રયત્નશીલ રહેવું જોઇએ, કારણ કે જાણવા કરતા સમજવું એ અતિશય મહત્વપૂર્ણ છે. તમને જાણનારની સંખ્યા અધિક હોઇ શકે છે પરંતુ તમને સમજનારાની સંખ્યા બહુ જ ઓછી હશે. આપણે સમજણની અખંડ જ્યોત પ્રગટાવી શકીએ એવી કામના સાથે આજે કેટલાંક વિધાર્થીઓને વિશેષ ઉત્તરદાયિત્વ પ્રાપ્ત થઇ રહ્યું છે તેમને વિશેષ અભિનંદન પાઠવીને સફળ નેતૃત્વ માટે શુભકામનાઓ પાઠવું છું.

આ સમારોહમાં 2024-25 માટે પ્રિફેક્ટોરિયલ એપોઇન્ટમેન્ટ્સ કરવામાં આવી હતી જેમાં માધવ સોલંકી-હેડ બોય, અનિકેત કુહાડા-ડેપ્યુટી હેડ બોય, વિભૂતિબા રાણા-હેડ ગર્લ અને હીર વૈશ્નવ- ડેપ્યટી હેડ ગર્લના નામની ઘોષણા કરવામાં આવી હતી. તદુપરાંત

નિવાસી, બિન-નિવાસી અને ડે-સ્કુલના નિયમિત વ્યવસ્થાપન હેતુ સિનિયર હાઉસ, લોઅર સિનિયર હાઉસ, ઇન્ટર હાઉસ અને જુનિયર હાઉસની મોનીટોરીયલ ટીમોની પણ ઘોષણા કરવામાં આવી હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.