કેમ્પ ઉપર ગ્રેનેડ ફેંકયા અને અંધાધૂંધ ગોળીબાર કર્યો: કુલ ચાર આતંકીઓ હોવાની શકયતા, અન્યની શોધખોળ
જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપુરમાં સીઆરપીએફ કેમ્પ ઉપર આતંકી હુમલો થયો છે. આ હુમલામાં સીઆરપીએફના પાંચ જવાનો શહીદ થયા છે. જયારે હુમલાની જવાબી કાર્યવાહીમાં બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. હુમલાની જવાબદારી જૈસ એ મહમદે સ્વીકારી છે.
મોડી રાત્રે શ્રીનગરથી ૪૦ કિ.મી.દૂર સીઆરપીએફ કેમ્પ પર આતંકી હુમલો થયો હતો. આ હુમલા પાછળ ચાર થી વધુ આતંકીઓનો હાથ છે. જેમાં બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. જયારે ત્રીજો આતંકી કેમ્પના પરિસરમાં આવેલા બિલ્ડીંગમાંથી અંધાધૂંધ ફાયરીંગ કરતો હોવાનું જાણવા મળે છે. જયારે અન્ય આતંકી આસપાસના વિસ્તારમાં છુપાયો હોવાનું માનવામાં આવે છે.
આ હુમલાની જવાબદારી પાકિસ્તાન પ્રેરીત આતંકી સંગઠન જૈસ એ મહમદ દ્વારા લેવામાં આવી છે. તાજેતરમાં જૈસ એ મહમદના ટોચના આતંકી નુર મહમદ ઉર્ફે નુર ટ્રાલીને સુરક્ષા દળોએ ઠાર કર્યો હતો. ત્યારબાદ આતંકી સંગઠને બદલો લેવાના હેતુથી આ હુમલો કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
સીઆરપીએફ કેમ્પ ઉપર હુમલો કરનાર આતંકીઓ પાસે ઓટોમેટીક હથિયારો અને ગ્રેનેડ છે. તેમણે રાત્રે પુલવામાં આવેલા સીઆરપીએફ કેમ્પની ૧૮૫ બટાલીયનના ટ્રેનીંગ સેન્ટર પર હુમલો કર્યો હતો. હુમલા પહેલા ગ્રેનેડ ફેકવામાં આવ્યા હતા. આ હુમલામાં અંધાધૂંધ ગોળીબાર થયો હતો. સૈન્યના જવાનોએ જવાબી કાર્યવાહી કરી હતી. સમગ્ર ઘટનામાં સૈન્યના ચાર જવાનો શહિદ થયા છે. જયારે બે આતંકીઓને ઠાર કરવામાં સફળતા મળી છે અન્ય આતંકીઓને શોધખોળ થઈ રહી છે.