- ગત વર્ષે કારીગરના સ્વાંગમાં રહેલા ત્રણ આતંકીઓને ઉઠાવી ગઈ’તી એટીએસ
- એક જ સપ્તાહમાં સીટીઝન પોર્ટલ પર નોંધણી કરાવનાર 100થી વધુ લોકો વિરુદ્ધ નોંધાઈ ચુક્યો છે ગુનો
રાજકોટની સોની બજારમાં બંગાળી કારીગરો વેપારીનું સોનુ લઈને ફરાર થઈ જતા હોવાના અવારનવાર કિસ્સાઓ બને છે. ગત વર્ષે આ જગ્યાએ બંગાળી કારીગરના સ્વાંગમાં 3 આતંકવાદી ઝડપાયા હતા. આથી આજે રાજકોટ એસઓજીની ટીમ દ્વારા સોની બજારમાં ચેકિંગ ડ્રાઈવ કરવામાં આવી હતી. જેમાં રાજકોટ ક્રાઇમ એસીપી ભરત બસિયા પણ ડ્રાઈવમાં જોડાયા હતા. તેઓએ જણાવ્યું હતું કે, અત્યારસુધીમાં 100થી વધુ બંગાળી કારીગરો મળી આવ્યા છે જેમનું રજિસ્ટ્રેશન થયું નથી. જેથી વેપારીઓ સામે જાહેરનામા ભંગના ગુના દાખલ કરવામાં આવેલા છે. વેપારીઓને સિટીઝન પોર્ટલમાં ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવા માટેની પણ અપીલ કરવામાં આવી હતી. જો કે આ ચેકિંગ દરમિયાન સોની બજારના વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
એસીપી ભરત બસિયાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ એ ઔદ્યોગિક એકમોનું હબ છે. અહીં મોટી સંખ્યામાં પરપ્રાંતીય કારીગરો કામ કરવા માટે આવતા હોય છે. જેમાંના અમુક અગાઉ મિલકત સંબંધી અને શરીર સંબંધી ગુનાઓમાં પકડાઇ ચૂક્યા છે. આ તમામ કારીગરોનું સિટીઝન પોર્ટલમાં રજિસ્ટ્રેશન કરાવવું ખૂબ જ જરૂરી છે. જે માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું છે. જેથી રાજકોટ શહેર એસઓજીની ટીમ દ્વારા
જાહેરનામા ભંગ અંગેની ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવેલી હતી. જેમાં જે વેપારીઓએ પોતાને ત્યાં કામ કરતા કારીગરોનું રજિસ્ટ્રેશન પોલીસમાં નથી કરાવેલું તેમની સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ ચેકિંગ ડ્રાઈવ દરમિયાન અત્યારસુધીમાં 100થી વધુ કેસ કરવામાં આવ્યા છે. સોની બજારમાં કામ કરતા બંગાળી કારીગરો વેપારીનું સોનુ લઈને ફરાર થઈ જવાના અનેક કિસ્સાઓ બને છે. આ અંગે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે બાબતે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, મારી ઔદ્યોગિક એકમોના તમામ વેપારીઓને વિનંતી છે કે, સિટીઝન પોર્ટલમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. જેથી તમામ વેપારીઓ પોતાના કારીગરોનું રજિસ્ટ્રેશન વહેલી તકે કરાવી લે. રાજકોટ એસઓજીની ટીમ દ્વારા ચેકિંગ ડ્રાઈવ સતત ચાલુ રહેશે અને જાહેરનામા ભંગના ગુના નોંધવામાં આવશે. સોની બજારમાં અંદાજિત 90,000થી વધુ બંગાળી કરીગરો કામ કરી રહ્યા છે. આ ઉપરાંત બંગાળી કારીગરો જે જગ્યાએ રહે છે ત્યાં એ ડિવિઝન, બી ડિવિઝન અને પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરવામાં આવશે.