-
લાલપુર પોલીસે ટોર્ચના અજવાળે મોડી રાત્રે પડ્યો દરોડો
-
બિયરના ટીન- ઇંગલિશ દારૂ સહીત રૂપિયા ૬.૨૭ લાખનો મુદ્દા માલ કબજે કર્યો
Jamnagar: લાલપુર તાલુકાના સસોઈ ડેમ તરફ જવાના માર્ગે બાવળની ઝાડીમાં એક છોટા હાથીને સંતાડવામાં આવ્યું છે, અને ભૂસાના બાચકા ની નીચે ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને આયાત કરવામાં આવ્યો છે, તેવી બાતમી ના આધારે લાલપુર પોલીસે મોડી રાત્રે ટોર્ચના અજવાળે દરોડો પાડયો હતો, અને માતબર ઇંગ્લિશ દારૂ અને બીયરનો જથ્થો તેમજ છોટા હાથી વગેરે કબજે કરી લીધા છે.
લાલપુરના પીએસઆઇ એસ.પી. ગોહિલ તેમજ સ્ટાફના ટીનુભા જાડેજા, દીગુભા જાડેજા સહિતની ટીમ દ્વારા પૂર્વ બાતમી ના આધારે સસોઈ ડેમ તરફ જવાના માર્ગે મોડી રાત્રે ટોર્ચ લાઈટ સાથે પહોંચી જઈ દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન બાવળની જાળીમાં સંતાડેલું જીજે.-24 X 6081 નંબરનું છોટા હાથી મળી આવ્યું હતું.
જેની તલાસી લેતાં તેમાં ઉપર ભુસાના બાચકા ભરેલા હતા, પરંતુ તેને હટાવીને નિરીક્ષણ કરતાં નીચેથી 51 જેટલા બોક્સ મળી આવ્યા હતા, જેની અંદર બિયરના 1296 નંગ ટીમ તથા ઇંગ્લિશ દારૂની જુદી જુદી બ્રાન્ડ ની નાની મોટી બાટલીઓનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે કુલ 2,77,370ની કિંમત નો દારૂ-બિયર નો જથ્થો અને છોટાહાથી સહિત રૂપિયા 6,27લાખની માલમતા કબજે કરી હતી.
ઉપરોક્ત દારૂ રાજસ્થાન તરફથી આયાત થયો હોવાનું અને છોટાહાથી પાટણ પાસિંગનું હોવાનું ધ્યાનમાં આવ્યું છે. કોઈ બુટલેગર દ્વારા દારૂ આયાત કરીને સંતાડવામાં આવ્યો હતો, અને તેનું કટીંગ થાય તે પહેલા જ લાલપુર પોલીસની ચટુકડી ત્રાટકી હતી, અને મુદ્દા માલ કબજે કરી લીધો છે જે દારૂ નો જથ્થો મૂકી જનાર તેમજ મંગાવનાર બુટલેગરોને લાલપુર પોલીસ શોધી રહી છે.