- રૂફટોપ સોલાર સીસ્ટમ સ્થાપિત કરવામાં દેશમાં ગુજરાત પ્રથમ
- રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશનના વધી રહેલા વ્યાપને કારણે લોકોના જીવન ધોરણમાં વધારો થયો: ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈ
- રાજ્યના 6.94 લાખથી વધુ રહેણાંક મકાનો પર કુલ 2744 મેગાવોટ ક્ષમતા ધરાવતી રૂફટોપ સોલાર પેનલ સ્થાપિત કરાઈ
- ગ્રાહકોને વીજબીલમાં રૂ. 3260 કરોડની બચત અને સૌર ઊર્જાના વેચાણથી રૂ. 330 કરોડની આવક પણ થઈ
- પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના અંતર્ગત ગુજરાતમાં કુલ ૫૩૨ મેગાવોટ ક્ષમતાની1.45 લાખથી વધુ સોલાર રૂફ્ટોપ સિસ્ટમ સ્થાપિત કરાઈ
પરંપરાગત ઇંધણ પરથી ભારણ હટાવીને વર્ષ 2030 સુધીમાં ભારતની 50 ટકા વીજ આપૂર્તિ વિવિધ પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત દ્વારા થાય, તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મિશન છે. જળવાયુ પરિવર્તનના પડકારોને પહોંચી વળવા પુનઃપ્રાપ્ય ઊર્જાના સ્ત્રોત વધારવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કુશળ નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે અનેક સફળ પ્રયાસો હાથ ધર્યા છે. પરિણામે આજે ગુજરાત રાજ્ય પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ગુજરાતની વીજ માંગને પહોંચી વળવા ઉપરાંત કાર્બન ઉત્સર્જનને ઘટાડવા રાજ્ય સરકારે સૌર ઊર્જા પર ભાર મૂક્યો છે.
રહેણાંક મકાનો પર સોલાર પેનલ લગાવીને નાગરીકો પોતાનું વીજબીલ ઘટાડી શકે તેમજ રાજ્યની વીજમાંગને પહોંચી વળવામાં પણ ફાળો આપી શકે, તે માટે ગુજરાત સરકારે વર્ષ 2019 માં ‘સૂર્ય ગુજરાત’ યોજના અમલમાં મૂકવામાં આવી હતી. આજે ગુજરાત રહેણાંક શ્રેણીમાં સોલાર રૂફ ટોપ સ્થાપિત કરવામાં સમગ્ર દેશમાં પ્રથમ છે. સૂર્ય ગુજરાત યોજનાના (સૂર્ય ઊર્જા રૂફટોપ યોજના) અમલીકરણથી રાજ્યના રહેણાંક મકાનો માટે સરળ પ્રક્રિયાથી સોલાર રૂફટોપ સિસ્ટમ ઇન્સ્ટોલેશન શક્ય બન્યું, સાથે જ તેમાં સહાય પણ મળતી થઇ.
લાભાર્થીઓને રૂ. 3155 કરોડ સબસીડી ચૂકવાઈ
ગુજરાતના ઊર્જા મંત્રી કનુ દેસાઈએ સૂર્ય ગુજરાત યોજનાની સિદ્ધિ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. આ યોજના અમલમાં મૂકાઈ ત્યારથી અત્યાર સુધીમાં આશરે ૬.૯૪ લાખથી વધુ રહેણાંક મકાનો પર કુલ 2744 મેગાવોટ ક્ષમતા ધરાવતી રૂફટોપ સોલાર પેનલનું ઇન્સ્સ્ટોલેશન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા સોલાર પેનલ ઇન્સ્સ્ટોલેશન માટે આ ગ્રાહકોને કુલ રૂ. 3155 કરોડથી વધુની સબસીડી આપવામાં આવી છે. એટલું જ નહીં, પરંતુ ગ્રાહકોને રૂ. 3260 કરોડની વીજ બીલમાં બચત થઈ છે તેમજ સૌર ઊર્જાના વેચાણથી રૂ. 330 કરોડની આવક પણ થઈ છે. રાજ્યમાં સોલાર રૂફટોપનો વ્યાપ વધારવા રાજ્ય સરકારે ચાલુ વર્ષના બજેટમાં પણ સોલર રૂફ્ટોપ યોજના અંતર્ગત ગ્રાહકોને સહાય આપવા માટે રૂ. 993 કરોડની માતબર જોગવાઈ કરી છે.
PM સૂર્ય ઘર મુફ્ત બીજલી યોજનામાં ગુજરાતનું 52 % યોગદાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા રૂ. ૭૫,૦૦૦ કરોડ કિંમતની મહત્વકાંક્ષી “પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફ્ત બીજલી યોજના” જાહેર કરી છે, જેનો ઉદ્દેશ્ય 300 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડીને એક કરોડ પરિવારોને લાભ આપવાનો છે. આ યોજના હેઠળ ગુજરાતમાં કુલ 2.49 લાખથી વધુ અરજીઓ નોંધાઈ હતી. આ અરજીઓ પૈકી અત્યાર સુધીમાં કુલ ૫૩૨ મેગાવોટ ક્ષમતાની 1.45 લાખથી વધુ સોલાર રૂફ્ટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. પીએમ સૂર્ય ઘર યોજનાના અમલીકરણમાં સમગ્ર રાષ્ટ્રમાં ગુજરાત ૫૨ ટકાના યોગદાન સાથે મોખરે છે. સિંગલ વિન્ડો સિસ્ટમથી નાગરીકો આ યોજનાનો સરળતાથી લાભ લઇ રહ્યા છે.
ભારત સરકારે ગુજરાત મોડલનું કર્યું પ્રસારણ અને અનુસરણ
ભારત સરકારના નવીન અને નવીકરણીય ઊર્જા મંત્રાલયે ગુજરાત સરકારના પ્રયાસોને બિરદાવીને દેશના તમામ ડિસ્કોમમાં ગુજરાત મોડલનું પ્રસારણ કર્યું હતું અને પીએમ સૂર્ય ઘર મુફ્ત બીજલી યોજના દ્વારા તેનું અનુસરણ કરેલ છે. બાય ડિરેક્સનલ મીટરની ખરીદી માટેનું અદ્યતન આયોજન, ઓટો મોનિટરિંગ સિસ્ટમ, ફરિયાદ નિવારણ મિકેનિઝમ તેમજ સ્ટેટ કોર્પસ ફંડનું સુદ્રઢ આયોજન ગુજરાતને અન્યોથી વિશેષ સ્થાન આપાવે છે. ગુજરાતના નાગરીકો રૂફટોપ સોલરને મીઠો આવકાર આપીને અપનાવી રહ્યા છે અને કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવામાં પોતાનો મહત્વપૂર્ણ ફાળો આપી રહ્યા છે.