વિશ્વમાં હાલ યુદ્ધ પહેલાની શાંતિ હોય તેવો માહોલ છવાયો છે. કારણકે રશિયા- યુક્રેન યુદ્ધ હવે ઉગ્ર બનવા જઈ રહ્યું છે. તો ઇઝરાયેલ- ઈરાન વચ્ચે પણ યુદ્ધ છેડાય તેવી શકયતા સેવાઈ રહી છે.
યુક્રેનના ટોચના સૈન્ય કમાન્ડર, જનરલ ઓલેક્ઝાન્ડર સિરસ્કીએ કહ્યું છે કે તેમના દળોએ રશિયામાં કુસ્ર્કના મોટા ભાગોને કબજે કરીને આ વિસ્તારમાં નોંધપાત્ર ફાયદો મેળવ્યો છે. સિરસ્કીએ દાવો કર્યો છે કે યુક્રેનિયન દળોએ કુસ્ર્કમાં 1,000 ચોરસ કિલોમીટર વિસ્તારનો કબજો મેળવી લીધો છે. જનરલ સિરસ્કીનું નિવેદન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીની ટેલિગ્રામ ચેનલ પર શેર કરવામાં આવ્યું છે. કુસ્ર્કમાં ઓપરેશન શરૂ કર્યા બાદ યુક્રેનિયન સેના અને સરકાર તરફથી આ અંગે પ્રથમ જાહેર સ્વીકૃતિ છે. આને બીજા વિશ્વ યુદ્ધ પછી રશિયન જમીન પરનો સૌથી મોટો કબજો કહેવામાં આવી રહ્યો છે.
અહેવાલ મુજબ, રશિયાના કુસ્ર્ક ક્ષેત્રમાં યુક્રેનિયન સૈન્યનું આક્રમણ બીજા વિશ્વ યુદ્ધ પછી રશિયન જમીન પરનો સૌથી મોટો હુમલો હતો. જે મોસ્કોના લશ્કરી નેતૃત્વ માટે ગંભીર શરમજનક બની રહ્યો છે. આ માટે, રશિયાની સૈન્ય અને સરકારને તેમના યુદ્ધના સંચાલન માટે વધતી જતી આંતરિક ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો છે.
રશિયન પ્રમુખ પુતિન કહે છે કે યુક્રેન પરિસ્થિતિનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યું છે, પુતિને આક્રમણ અંગેની તેમની ટિપ્પણીમાં સૂચવ્યું હતું કે આ હુમલાનો યુક્રેનનો હેતુ સંભવિત શાંતિ વાટાઘાટોમાં તેની સ્થિતિ મજબૂત કરવાનો હતો. તેણે કિવ પર રશિયા પર પ્રભુત્વ મેળવવા માટે તેના પશ્ચિમી માસ્ટર્સની મદદથી કામ કરવાનો આરોપ મૂક્યો, કહ્યું કે તે અન્ય ક્ષેત્રોમાં રશિયન લશ્કરી પ્રગતિને ધીમું કરવાનો પ્રયાસ હતો. રશિયન અધિકારીઓએ અનુમાન કર્યું છે કે યુક્રેનની આક્રમણનો હેતુ તેના પશ્ચિમી સાથીઓને બતાવવાનો છે કે તે હજુ પણ મોટા પાયે લશ્કરી કાર્યવાહી કરી શકે છે, તેમ છતાં વાટાઘાટો પર વિચાર કરવા માટે બંને પક્ષો પર આંતરરાષ્ટ્રીય દબાણ વધી રહ્યું છે.
બીજી તરફ હમાસ સામેના યુદ્ધમાં ફસાયેલા ઈઝરાયેલ માટે એક નવું સંકટ વધુ ઘેરાઈ ગયું છે. તેહરાનમાં હમાસ ચીફ ઈસ્માઈલ હનીયાહની હત્યા બાદ ઈરાન બદલાની આગથી સળગી રહ્યું છે. હિઝબુલ્લાહ અને ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે ઈઝરાયેલના ભૂતપૂર્વ સૈન્ય વડાએ કહ્યું છે કે યુદ્ધની શક્યતા ખૂબ નજીક છે. આ દરમિયાન અમેરિકાએ એક ડગલું આગળ વધીને મિડલ ઈસ્ટમાં મિસાઈલથી સજ્જ સબમરીન લોન્ચ કરી છે. બીજી તરફ ઈરાન દ્વારા ઈઝરાયેલ પરના સંભવિત હુમલાને જોતા લુફ્થાન્સાએ 21 ઓગસ્ટ સુધી પોતાની ઘણી ફ્લાઈટ્સ રદ્દ કરી દીધી છે. 21 ઓગસ્ટ સુધી તેલ અવીવ, તેહરાન, બેરૂત, અમ્માન અને એર્બિલ માટે કોઈ ફ્લાઈટ નહીં હોય. હિઝબોલ્લાહ અને ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે ઈઝરાયેલ છેલ્લા મહિનાથી મોટા હુમલા માટે તૈયાર છે. હકીકતમાં, એક મહિના પહેલા, ઇઝરાયેલના કબજા હેઠળના ગોલાન હાઇટ્સમાં મિસાઇલ હુમલામાં 12 બાળકો માર્યા ગયા હતા અને ઇઝરાયેલે બેરૂતમાં એક વરિષ્ઠ હિઝબુલ્લાહ કમાન્ડરની હત્યા કરીને જવાબ આપ્યો હતો. તે ઓપરેશનના એક દિવસ પછી, તેહરાનમાં હમાસના વડા ઇસ્માઇલ હનીયેહની હત્યા કરવામાં આવી હતી, જેનાથી ઇરાનને ઇઝરાયેલ સામે બદલો લેવાનું વચન આપ્યું હતું. જેરુસલેમ પોસ્ટના અહેવાલ અનુસાર પૂર્વ આઇડીએફ ચીફ ઈઝરાયેલ ઝિવે સ્થાનિક ઈઝરાયેલ મીડિયાને જણાવ્યું કે, “અમે તે ક્ષણે પહોંચી ગયા છીએ જ્યાં વાસ્તવમાં કોઈપણ સમયે યુદ્ધ થઈ શકે છે.”