-
પ્રેમમાં પાગલ એક યુવકે યુવતી પર કર્યો જીવલેણ હુમલો
-
રાહતદારી યુવક એ યુવતીને સંકી પ્રેમીના ચુંગાલમાંથી જીવના જોખમે છોડાવી
-
છોડાવા ગયેલા યુવક પર બ્લેડ વડે હુમલો કરી કર્યો ઘાયલ
Surat News: શહેરના મહિધરપુરા વસ્તા દેવડી રોડ પર યુવતી અને લોકોની બહાદુરીને પગલે ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટનાને બનતા અટકાવાઇ હતી. રાહતદારી યુવકે યુવતી પર બ્લેડ વડે હુમલો કરનારા હુમલાખોર યુવકના ચુંગાલમાંથી જીવના જોખમે છોડાવી યુવકને ને ઝડપી લીધો હતો અને નરાધમને પોલીસને હવાલે કર્યો હતો. પરંતુ આ ઘટના દરમ્યાન ઝપાઝપી થતા રાહદારી યુવાનના હાથમાં બ્લેડ વાગી જતા તેને ૧૫ જેટલા ટાંકા લેવાની ફરજ પડી હતી. આ ઘટના બાદ ભોગ બનનાર યુવતીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક પ્રેમમાં પાગલ યુવાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે યુવતીનો જીવ બચાવનાર રાહદારી યુવાનનું ઉચ્ચ પોલીસ કર્મીઓએ સન્માન કરી તેમની હિંમતને બિરદાવી હતી.
આ અંગે DCP પીનાકીન પરમારે માહિતી આપતા જણાવ્યું હતું કે, તારીખ 9 ઓગસ્ટ 2024ના રોજ ઝોન ત્રણ વિસ્તારના મહીધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સવારે 8:30 વાગ્યે એક બનાવ બનવા પામ્યો હતો. જેમાં એક યુવતી એની ફ્રેન્ડ સાથે જ્યારે રસ્તે થી ચાલીને જતી હતી એ દરમિયાન એક દીપુન જૈના નામનો ઈસમ આવીને યુવતીને હાથ પકડીને ખેંચીને લઈ જતો હતો. આ દરમિયાન આજુબાજુના રહીશો અને રસ્તે જતા વ્યક્તિઓએ જ્યારે આ ભાઈને પૂછવાનો પ્રયત્ન કરતા એ ભાઈએ પોતાના ખિસ્સામાંથી એક બ્લેડ કાઢી અને જે યુવતી હતી એના ગળા ઉપર મૂકીને ધમકી આપી હતી કે કોઈપણ વચ્ચે આવશે તો હું આને મારી દઈશ. પરંતુ ચિંતન પટેલ નામના એક રહીશે જે શાંતિનિકેતન સોસાયટીની આસપાસ રહે છે. તેમણે પોતે હિંમત બતાવી એ વ્યક્તિનો હાથ પકડી અને એને ધક્કો મારતા યુવતીને છોડી દીધી હતી જેથી યુવતી ભાગી ગઈ હતી.
યુવતીને બચાવવામાં ઝપાઝપી કરતાં રાહદારીને હાથ પર આવ્યા 15 ટાંકા:
પરંતુ દીપુન જેના સાથે ઝપાઝપી કરતા એના હાથમાં રહેલી બ્લેડ ચિંતનભાઈ હાથ ઉપર વાગતા તેમના હાથ ઉપર 15 ટાંકા આવ્યા હતા. ત્યારે સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને મહિધરપુરા પોલીસેની ટીમે તપાસ હાથ ધરી રેલ્વે સ્ટેશનથી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી દીપુન ઘટનાને અંજામ આપી ઓરિસ્સા ભાગી જવાની ફિરાકમાં હતો પરંતુ પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભોગ બનનાર યુવતી અને આરોપી બંને ઓરિસ્સાના રહેવાસી:
અત્રે ઉલ્લેખનીય છે કે , ભોગ બનનાર યુવતી અને આ આરોપી દીપુન બંને ઓરિસ્સાના રહેવાસી છે અને તેઓ ઓરિસ્સામાં સાથે ભણતા હતા. બન્ને વચ્ચે ચારથી પાંચ વર્ષનો પ્રેમ સંબંધ હતો. આ પ્રેમ સંબંધ દરમિયાન આ યુવતીના અમુક ફોટોગ્રાફ્સ અને વિડિયો દીપુને પોતાના મોબાઈલમાં રાખેલા હતા અને એ મોબાઇલના ફોટાના આધારે એને સોશિયલ મીડિયામાં અપલોડ કરી દેવાની ધમકી આપી એની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે પ્રયત્ન કરતો હતો એ દરમિયાન આ યુવતી ઓરિસ્સાથી એમના સબંધીને ત્યાં સુરત ખાતે રહેવા આવી ગઈ હતી જેની ખબર આરોપી દીપુનને પડતા એ પણ સુરત આવ્યો હતો અને અહીંયા આવીને યુવતીનો કોન્ટેક્ટ કરી ફરીથી એ જ રીતે એને ધમકીઓ આપી અને બ્લેકમેલ કરતો હતો.બાદમાં એક વખત આરોપી પોતે જે જગ્યાએ વરાછામાં રહેતો હતો ત્યાં યુવતીને લઇ ગયો હતો અને રૂમમાં સાત દિવસ પોતાની પાસે રાખી તેની મરજી વિરુદ્ધ શારીરિક સબંધ બાંધ્યા હતા.
બાદમાં યુવતીએ ફરી પ્રયુક્તિથી ત્યાંથી ભાગી ગઈ હતી અને તેના બીજા સબંધીને ત્યાં રહેવા ચાલી ગઈ હતી. પરંતુ જ્યારે આરોપીને ખબર પડી કે યુવતી કોઈ જગ્યાએ નોકરી કરે છે અને સવારે આ રસ્તેથી પસાર થાય છે તો આરોપીએ યુવતીનો પીછો કરી એની પાછળ આવ્યો અને એનો હાથ પકડીને ખેંચીને પોતાના ઘર તરફ લઈ જવા દબાણ કરતો હતો પરંતુ આજુબાજુના લોકો ભેગા થઇ જતા તેને યુવતીના ગળા પર બ્લેડ મૂકી દઈ મારી નાખવાની ધમકી આપી હતી જો કે ચિંતન પટેલ નામના રાહદારીએ હિંમત કરતા યુવતીનો જીવ બચી ગયો હતો. આ ઘટના બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો યુવતીનો જીવ બચાવનાર રાહદારી ચિંતન પટેલની હિંમતને બિરદાવી તેનું સન્માન કર્યું હતું.
આ ઘટનાએ યાદ આપવા ‘ગ્રીષ્મા હત્યાકાંડ’ની:
આવી જ ઘટના સુરતના કામરેજના પાસોદરામાં 12 ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી અને ત્યાર બાદ હાથની નસ કાપીને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાના વિડીયો વાયરલ થયા હતા. જો કે પોલીસે આરોપી ફેનિલ ગોયાણીની ધરપકડ કરી કોર્ટમાં રજુ કર્યો હતો અને કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલતા આરોપી ફેનિલ ગોયાણીને 5 મેં ૨૦૨૨ના રોજ ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. અને તે સમયે જ જજે કહ્યું હતું કે આ રેરેસ્ટ ઓફ ધી રેર કેસ છે.