- ડાર્ક વેબ મારફત નશાનો કાળો કારોબાર
- રમકડાં, ચોકલેટ, ફૂટવેરના 37 પાર્સલમાંથી 5.670 કિલો નશીલો પદાર્થ ઝડપાયો
- સ્પેન, થાઈલેન્ડ, બ્રિટન, અમેરિકા અને કેનેડાના પાર્સલમાંથી ગાંજો જપ્ત
ગુજરાતમાં વધુ એક વખત વિવિધ પાર્સલની આડમાં હાઈબ્રીડ ગાંજો ઘૂસાડવાના ષડયંત્રનો સાયબર ક્રાઇમએ પર્દાફાશ કર્યો છે. ડાર્ક વેબ મારફતે વિદેશથી હાઈ બ્રીડ ગાંજો મંગાવ્યો હોવાની માહિતી મળતા જ સાયબર ક્રાઇમએ 37 પાર્સલમાં કુલ 1 કરોડ 70 લાખ ની કિંમતનો 5 કિલો 670 ગ્રામ ગાંજો જપ્ત કર્યો છે.
ગુજરાતના યુવા ધનને બરબાદ કરવા માટે ડ્રગ્સ માફિયાઓ યેન કેન પ્રકારે નશીલા દ્રવ્યો ઘૂસાડવાનો પ્રયત્ન કરતા હોય છે. છેલ્લા કેટલાક સમયથી વિદેશમાં બેઠેલા ડ્રગ્સ માફિયાઓ વિવિધ પાર્સલની આડમાં હાઇબ્રીડ ગાંજો સપ્લાય કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આવા અનેક પાર્સલો અગાઉ પોલીસે જપ્ત કર્યા છે અને વધુ કેટલાક પાર્સલો અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે.
અમદાવાદ સાયબર ક્રાઈમ અને કસ્ટમ વિભાગને માહિતી મળી હતી કે કેટલાક લોકો માદક દ્રવ્યોના ગેરકાયદેસર હેરાફેરી માટે ડાર્ક વેબ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે. જેના આધારે સાયબર ક્રાઇમએ વોચ ગોઠવી મોટા પ્રમાણમાં હાઈ બ્રીડ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. સાયબર ક્રાઇમએ 37 પાર્સલ જપ્ત કર્યા છે. જેમાં 1 કરોડ 70 લાખની કિંમતનો 5 કિલો 670 ગ્રામ હાઈ બ્રીડ ગાંજો જપ્ત કર્યો છે. આ ગાંજો નમકીન, રમકડા, ટ્રાવેલ એર બેગ, ચોકલેટ, લેડીઝ ફૂટવેર, સ્પીકર, એર પ્યોરિફાયર પાર્સલમાં છૂપાવવામાં આવ્યો હતો.
પોલીસે જપ્ત કરેલ પાર્સલમાં સ્પેનથી 1, થાઇલેન્ડથી 2, બ્રિટનથી 14, અમેરિકાથી 10 અને 10 પાર્સલ કેનેડાથી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જે પાર્સલમાં લખેલ સરનામા પણ મોટાભાગે અમદાવાદ શહેર વિસ્તારના છે. જેમાં ખાસ કરીને અમરાઈવાડી, સેટેલાઇટ, બોડકદેવ, સોલા આ ઉપરાંત સુરત, દીવ દમણ, વાપી, રાજકોટના પણ કેટલાક સરનામા મળી આવ્યા છે. પોલીસએ આ દિશામાં પણ તપાસ શરૂ કરી છે. પોલીસનું માનવું છે કે મોટાભાગે હાઈ બ્રીડ ગાંજાની માંગ યુવા વર્ગમાં વધારે જોવા મળે છે. સોશિયલ મીડિયા તેમજ ડાર્ક વેબનો ઉપયોગ કરી ડ્રગ્સ માફિયાઓ ગાંજાની સપ્લાય કરે છે. હાલમાં પોલીસે પાર્સલ પરથી મળી આવેલ સરનામા અંગે પણ વધુ તપાસ શરૂ કરી છે.
અમદાવાદ સાયબર ક્રાઇમ સેલને માહિતી મળી હતી કે અમદાવાદના શાહીબાગ સ્થિત ફોરેન પોસ્ટ ઓફિસમાં મોટી માત્રામાં હાઇબ્રિડ ગાંજાના જથ્થાના પાર્સલ પડેલ છે. હાઇબ્રિડ ગાંજાના પાર્સલ અમેરિકા, કેનેડા, સ્પેન, થાઇલેન્ડ જેવા દેશોમાંથી આવેલ છે. સાયબર ક્રાઇમ સેલના 30 જેટલા સભ્યોની ટીમે ગઈ કાલે કસ્ટમ વિભાગની ટીમને સાથે રાખી, એફએસએલ અને પંચો રૂબરૂ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી ગાંજા ભરેલ જથ્થાના 37 પેકેટ શોધી કાઢ્યા હતા, જેની કુલ કિંમત 1 કરોડ 70 લાખ અને કુલ વજન 5 કિલો 670 ગ્રામ અને 17 મિલિગ્રામ થાય છે.