રાજ્યમાં વર્ષ 2024-25માં બાલવાટિકાથી ધોરણ – 12 સુધી 2.29લાખથી વધુ વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો
વર્ષ 2024-25માં અમદાવાદ મહાનગરપાલિકામાં સૌથી વધુ કુલ 37 હજાર તેમજ બનાસકાંઠા જિલ્લામાં ૧૦હજાર કરતા વધુ વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી શાળાઓમાં લીધો પ્રવેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યમાં શિક્ષણના સ્તરની ઉત્તરોત્તર વૃદ્ધિ અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા અનેકવિધ નવી પહેલ શરૂ કરી છે. આ પહેલ ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષણ મંત્રી ડો. કુબેર ડીંડોર અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાના નેતૃત્વમાં વધુ વેગવંતુ બની છે જેના પરિણામે ગુજરાતના વાલીઓ પોતાના બાળકોનું ભાવી ઘડવા રાજ્ય સરકારની શિક્ષણ પદ્ધતિ પર વધુને વધુ વિશ્વાસ મુકી રહ્યા છે. જેના પરિણામ સ્વરૂપે રાજ્યમાં વર્ષ 2024-25માં બાલવાટિકાથી ધોરણ-12 સુધી કુલ 2,29,747 વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. જેમાં અમદાવાદ મહાનગરપાલિકામાં સૌથી વધુ કુલ 37,786 વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે; જ્યારે સુરત મહાનગરપાલિકાના કુલ 22,892 વિદ્યાર્થીઓ, વડોદરા મહાનગરપાલિકામાં કુલ ૧૦,૬૦૨ વિદ્યાર્થીઓ અને રાજકોટ મહાનગરપાલિકામાં કુલ 6,204 વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 10,228 વિદ્યાર્થીઓ, મહેસાણામાં 8,267 વિદ્યાર્થીઓ, ભાવનગરમાં કુલ 8,242 વિદ્યાર્થીઓ, જૂનાગઢમાં 7,892 વિદ્યાર્થીઓ, આણંદમાં 7,269 વિદ્યાર્થીઓ, અમદાવાદ ગ્રામીણમાં કુલ 6,910 વિદ્યાર્થીઓ રાજકોટમાં કુલ 6,881 વિદ્યાર્થીઓ, ગાંધીનગરમાં 6,881વિદ્યાર્થીઓ, કચ્છમાં 5,952 વિદ્યાર્થીઓ, ખેડામાં 5,910 વિદ્યાર્થીઓ, અને સુરતમાં 5,777 વિદ્યાર્થીઓએ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. આમ રાજ્યમાં તમામ જિલ્લાઓ, નગરપાલિકાઓ અને ચાર
મહાનગરપાલિકામાંથી કુલ 2,29,747 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓની સાપેક્ષે સરકારી શાળામાં પ્રવેશ મેળવવાને પ્રાધાન્ય આપ્યું છે.
રાજ્યની સરકારી શાળાઓ ગુણવત્તાયુકત શિક્ષણ તો આપી જ રહી છે સાથોસાથ પીવાના પાણી, કોમ્પ્યુટર લેબ, પુસ્તકાલય, રમત-ગમત મેદાન, પોષણયુક્ત મધ્યાહન ભોજન, ગણવેશ, સ્માર્ટ ક્લાસ, ઓરડા, અને સ્વચ્છતા જેવી શ્રેષ્ઠ માળખાગત સુવિધાઓ આજે સરકારી શાળાઓમાં મળી રહી છે. રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓના હિતમાં દર વર્ષે બજેટમાં ઉત્તરોતર વધારો કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ માટે ગત વર્ષ ૨૦૨૩-૨૪ બજેટની જોગવાઈ કરતાં રૂ.11,463 કરોડના વધારા સાથે કુલ રૂ.55,114 કરોડની માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે.
શિક્ષણમાં ગુણવત્તાયુક્ત પરિવર્તન કરવાની દિશામાં ખૂબ અસરકારક અને પરિણામલક્ષી કામગીરી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ આજના સમયમાં ટેક્નોલોજીયુક્ત શિક્ષણ મેળવી શકે તે માટે ગુજરાતમાં એક લાખથી વધુ સ્માર્ટ ક્લાસ કાર્યરત છે અને પાંચ હજારથી વધુ સ્માર્ટ ક્લાસનું કાર્ય પ્રગતિ હેઠળ છે. રાજ્યના બાળકોને કોમ્પ્યુટરયુકત શિક્ષણ મળી શકે તે માટે 16 હજાર શાળાઓમાં ૨ લાખ 40 હજાર જેટલા કોમ્પ્યુટર આપવામાં આવ્યા છે. જ્યારે વધુ ચાર હજાર શાળાઓમાં 70હજાર જેટલા કોમ્પ્યુટર આપવાનું કાર્ય પ્રગતિ હેઠળ છે.
રાજ્યનો કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે મંત્ર સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર શાળા પ્રવેશોત્સવ, કન્યાકેળવણી, અને ગુણોત્સવ જેવા વિવિધ કાર્યક્રમો દ્વારા ગુજરાતના છેવાડાના ગામ સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોચાડવા કટિબદ્ધ છે.