- સિંહ સંરક્ષણના વ્યાપક પ્રાયાસોના કારણે ગીરમાં સિંહોની વસ્તીમાં ઉત્તરોતર વધારો થાય છે: મંત્રી મુળુભાઇ બેરા
- મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇની અઘ્યક્ષમાં સાસણ ગીર ખાતે વિશ્ર્વ સિંહ દિવસની ઉજવાયો
- ઇકો ડેવલપમેન્ટ સમિતિઓને સામુહિક વિકાસના કામોનો રૂા.89 લાખના ચેકનું વિતરણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘વિશ્વ સિંહ દિવસ’ની ભવ્ય ઉજવણી સાસણ-ગીર ખાતે આવેલા કમ્યુનિકેશન સેન્ટર ખાતે કરવામાં આવી હતી. સંત, શૂરા અને સાવજની ભૂમિ સૌરાષ્ટ્રમાં આ ઉજવણીમાં વન-પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
મુખ્યમંત્રીએ વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવા માટેની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પનાને સાકાર કરવા માટે વિરાસતની જાળવણી સાથે વિકાસની કટિબદ્ધતા વ્યક્ત કરી છે.
તેમણે જણાવ્યું કે, પ્રાણી અને પ્રકૃતિ સાચવવાની આપણા સૌની સંયુક્ત જવાબદારી છે. ગુજરાતના ગૌરવ એવા વનકેસરી કુદરતી રીતે વિહરે, વિચરે અને વિકસે તે માટેના પ્રયત્નો જ સિંહ દિવસની સાચી ઉજવણી છે. દર વર્ષે ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણીએ ફક્ત ઉજવણી ન બની રહેતાં, પ્રાણીમાત્ર પ્રત્યેની અનુકંપા બને અને પ્રાણીમાત્રનું રક્ષણ થાય તેવો ભાવ જનજનમાં જાગે એ જ તેની સાચી ઉજવણી છે એમ મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આપણા જીવન વ્યવહારમાં પણ દરેક જીવ માટે પરોપકાર અને ‘જીવો અને જીવવા દો’ની ભાવના વણાયેલી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રાણીમાત્ર પ્રત્યેની દયા અને અનુકંપાની પ્રતિતિ કરાવતા પ્રસંગને યાદ કરતા તેમણે કહ્યું હતું કે, તાઉ’તે વખતે સૌરાષ્ટ્રમાં થયેલી ખુવારીની વિગતો મેળવતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જંગલમાં રહેલા પશુ-પંખીઓની રક્ષા અને માવજત પણ માનવજીવ સાથે થાય તે માટે સંવેદનશીલતાથી કાર્ય કરવા માટે માર્ગદર્શન આપતા હતા.
મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે, ‘વિશ્વ સિંહ દિવસ’ જેવાં દિવસની ઉજવણી વર્ષમાં ભલે એકવાર કરવામાં આવે છે પરંતુ આવા કાર્યક્રમમાં આવવાથી વિદ્યાર્થીઓને પ્રકૃતિના જતન-સંવર્ધનની એક શીખ પણ મળશે તો આ પ્રકૃતિના રક્ષણ માટેનું મોટું કદમ લેખાશે.
વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરાએ વિશ્વ સિંહ દિવસની શુભેચ્છાઓ આપતા જણાવ્યું હતું કે, ‘એશિયાઈ સિંહો સમગ્ર ભારત અને ગુજરાતની શાન છે. ગીરનું સ્થળ પ્રવાસીઓને સૌથી વધુ આકર્ષિત કરતું પ્રવાસન સ્થળ બન્યું છે. અખૂટ સુંદરતાના કારણે પ્રકૃતિપ્રેમી અને પ્રવાસીઓને ગીર આકર્ષી રહ્યું છે. અહીં ખળખળ વહેતી અને સંતાકૂકડી કરતી નદીઓ અને ગીરના ઢોળાવો પ્રાકૃતિક રચનાનું સુંદર ઉદાહરણ પ્રસ્તુત કરે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, ગીર એ ગુજરાતના કાઠિયાવાડનું સાંસ્કૃતિક અને ધાર્મિક આસ્થાકેન્દ્ર બન્યું છે. વનવિભાગ અને સ્થાનિક લોકોના સહિયારા પ્રયાસથી એશિયાઈ સિંહોની વસ્તીમાં ઉત્તરોતર વધારો થયો છે.
આખા વિશ્વમાં એશિયાઈ સિંહ સૌરાષ્ટ્ર વિસ્તારમાં કુદરતી રીતે વિચરણ કરે છે. જેમાં ગુજરાત સરકાર અને વનવિભાગની સાથે માલધારી ભાઈઓ અને સ્થાનિક નાગરિકોનો મોટો ફાળો છે. લોકભાગીદારી નાગરિકો જાગૃત થાય ત્યારે જ આ કાર્ય શક્ય બને છે. એશિયાઈ સિંહ ફક્ત ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં જ વસવાટ કરતા હોય તેનું ગૌરવ લેવાની સાથે જ સંરક્ષણ અને સંવર્ધનની જવાબદારી પણ આપણી છે. લોકજાગૃતિ જ્ઞાન અને સહયોગના કારણે આ શક્ય બન્યું છે.‘વિશ્વ સિંહ દિવસ’ના ઉપલક્ષમાં વનવિભાગ દ્વારા 75 લાખ લોકોને ટેક્સ્ટ મેસેજ અને 3 લાખ લોકોને મેઈલ દ્વારા જાગૃતિ અંગેનો સંદેશો ફેલાવવામાં આવ્યો છે. આ સિવાય રાજ્યમા સિંહનો વસવાટ ધરાવતા 11 જિલ્લાઓમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રેલી, રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા વગેરે જનજાગૃતિ દ્વારા સિંહ સંરક્ષણ અંગેની જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે, તેની વિગતો મંત્રીએ આપી હતી.
મુખ્યમંત્રી અને મહાનુભાવોના હસ્તે ‘ક્ધઝર્વેશન ઓફ એશિયાટિક લાયન: ઈન્ટીગ્રેટેડ રેડિયો ટેલિમેટ્રી ફોર એન્હાન્સ ઈકોલોજિકલ મોનિટરિંગ’, ‘પોપ્યુલેશન સ્ટેટસ ઓફ વાઈલ્ડ પ્રે ઈન ગીર પ્રોટેક્ટેડ એરિયા’ અને ‘રીઈન્ટ્રોડક્શન અને સેટેલાઈટ ટેલિમેટ્રી ઓફ ઈન્ડિયન ગ્રે હોર્ન બીલ ઈન ગીર’ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું. તેમજ ગીર ખાતે કાર્યરત ઈકો ડેવલપમેન્ટ સમિતિઓને સામૂહિક વિકાસના કામો માટે 89 લાખ રૂપિયાના ચેક વિતરણ કરવામાં આવ્યા હતાં.