હત્યાના પગલે સમગ્ર ગુજરાતમાં એન.એસ.યુ.આઈ દ્વારા આવેદન પાઠવવામાં આવશે: રાજકોટ બંધનું એલાન
ગઈકાલે રાજકોટના બજરંગવાડી વિસ્તારમાં એન.એસ.યુ.આઈ.ના હોદેદાર જયરાજસિંહ જાડેજાની હત્યાના વિરોધમાં આજરોજ એન.એસ.યુ.આઈ. દ્વારા કોલેજો બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે. હત્યાને પગલે સમગ્ર ગુજરાતમાં એન.એસ.યુ.આઈ દ્વારા આવેદનપત્ર પણ પાઠવવામાં આવશે. આજે સવારથી જ રાજકોટમાં ઘણી ખરી કોલેજો સ્વયંભૂ રીતે બંધ રાખવામાં આવી હતી. હત્યાના પગલે સમગ્ર રાજકોટ તેમજ ગુજરાતભરમાં એન.એસ.યુ.આઈમાં ભારે ચકચાર થવા પામ્યો છે. જેના પગલે એન.એસ.યુ.આઈ દ્વારા કોલેજ બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે.
ગઈકાલે બપોરના સમયે બજરંગવાડી વિસ્તારમાં વાહન અથડાવા જેવી નજીવી બાબતમાં એસ.વાય.બી.કોમમાં અભ્યાસ કરતા જયરાજસિંહ જાડેજા રાજકોટ શહેર એન.એસ.યુ.આઈના મંત્રીની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. મૃતક જયરાજસિંહના ભાઈ બચાવવા તેના હાથના ભાગે છરી વાગતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલાને લીધે રાજકોટ શહેરમાં સનસનાટી થવા પામી હતી. જેને પગલે આજે રાજકોટની કોલેજો બંધ રાખવામાં આવી હતી.
આ સમગ્ર મામલે એન.એસ.યુ.આઈના પૂર્વ પ્રમુખ આદિત્યસિંહ ગોહિલ અને યુથ કોંગ્રેસના આગેવાન રાજદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, શહેરમાં વિદ્યાર્થીઓ આગેવાન સુરક્ષિત નથી તો વિદ્યાર્થીઓની સલામતીનું શું ? પોલીસ તાકીદે યોગ્ય કાર્યવાહી કરે તે આવશ્યક છે.
આજરોજ પોલીસ કમિશનરને પણ આવેદન પત્ર પાઠવવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, શહેરની કોલેજો અમારી સાથે છે. સવારથી જ મોટાભાગની કોલેજો આજરોજ સ્વયંભૂ રીતે બંધ જ રાખવામાં આવી છે. થોડીઘણી કોલેજો ચાલુ છે તેને પણ અમે બંધ કરવાની અપીલ કરી છે. હત્યાની યોગ્ય તપાસ થાય અને કાયદેસરની કાર્યવાહી થાય તેવી અમારી માંગ છે. એન.એસ.યુ.આઈના હોદેદારની હત્યાના પગલે સમગ્ર શહેરમાં ચકચાર થવા પામ્યો છે. જેને પગલે શહેરની નામચિહન કોલેજો સ્વયંભૂ રીતે બંધ રાખવામાં આવી છે.