- વિશ્વ સિંહ દિવસ ઉજવણી થીમ : જંગલના રાજાનું રક્ષણ કરો
- સિંહ નેતૃત્વ અને ગૌરવનું પ્રતીક મનાય છે, જે લગભગ દરેક સંસ્કૃતિમાં જોવા મળે છે, હિન્દુ અને અન્ય સંસ્કૃતિમાં સિંહની પૂજા કરવામાં આવે છે.
World Lion Day : એક સદી પહેલા આફ્રિકામાં બે લાખથી વધુ સિંહ હતા જે આજે ઘટીને વિશ્વમાં 30 હજાર જેટલા બચ્યા છે : સિંહ રાત્રે શિકાર કરે છે અને દિવસે 18 થી 20 કલાક ઊંઘ કરે છે : આપણા દેશમાં તેની વસ્તી છેલ્લા દસકામાં 60 ટકા વધી છે.
સિંહ એક મજબૂત માંસાહારી જંગલી પ્રાણી છે. તેના મજબૂત પંજા અને પૂંછ રેશમ જેવી મુલાયમ અને ગુચ્છાદાર હોય છે. જંગલમાં નર સિંહ 12 થી 16 વર્ષ જ્યારે માદા 15 થી 18 વર્ષ જીવે છે. પ્રાણી ઘરમાં 20 વર્ષથી વધુ પણ જીવે છે. દર બે વર્ષે માદા 1 થી 4 બચ્ચાને જન્મ આપે છે. બાળ સિંહ બે વર્ષની ઉંમરે જ ગર્જના કરવાનું શરૂ કરે છે, સિંહની ગર્જના આઠ કિલોમીટર દૂર પણ સંભળાય છે. ઘણા રાજાઓ સિંહને પાંજરામાં રાખતા તે શક્તિનું પ્રતિક ગણાતું. દુનિયામાં જંગલો ખતમ થતા તેની વસ્તી ઘટી રહી છે. હાલ વિશ્વમાં સિંહની બે જ પ્રજાતિઓ બાકી છે. જેમાં એશિયાટિક લાયન અને આફ્રિકન સિંહની લગભગ છ પેટા જાતિઓ જોવા મળે છે. શિકારી ચામડી, હાડકા માટે તેનો શિકાર કરે છે. તેનો મુખ્ય ખોરાક નીલગાય, હરણ, ચિતલ અને સાબર છે.
સિંહોનો શિકાર, વસવાટનો વિનાશ અને માનવ-સિંહ સંઘર્ષ જેવા જોખમો વચ્ચે આજે ઉજવાશે ‘વિશ્વ સિંહ દિવસ’.આજના યુગમાં આપણી ‘જાતને બચાવવા માટે, જાનવરોના રાજાને બચાવવા’નો સંદેશ છે. જંગલના રાજાની ઉજવણી કરવાની અને તેની સુખાકારી અને સંરક્ષણ વિશે જાગૃત્તિ લાવવાનો દિવસ અને તક છે.‘વિશ્વ સિંહ દિવસ’ની શરૂઆત ફ્લોરીડાના દંપતીએ આજના દિવસે 2013માં કરી હતી. ગીરમાં 2016થી આ ઉજવણીની શરૂઆત થઇ હતી. સિંહ પ્રથમવાર એક લાખ વર્ષ પહેલા આફ્રિકામાં જોવા મળ્યો હતો.
‘સેવ લાયન’ આ સુત્ર ઘણા વર્ષોથી આપણે સાંભળીએ છીએ પણ વિશ્ર્વમાં ફ્લોરીડાના વાઇલ્ડ લાઇફના ક્ષેત્રમાં જાણીતું નામ ડેરેક અને બેવરલી જોબર્ટ દ્વારા આફ્રિકાના જંગલોમાં ફરીને સિંહ સહિતના પ્રાણીઓ વિશે ખુબ અભ્યાસ કર્યા બાદ બિલાડી કુળની આ પ્રજાતિને બચાવવા એક ઝુંબેશ શરૂ કરી. સિંહોને બચાવવા હોય તો લોકોને આ મુહિમમાં જોડવા અનિવાર્ય હોવાથી સૌપ્રથમવાર વિશ્ર્માં 10 ઓગસ્ટ 2013ના રોજ વિશ્ર સિંહ દિવસની ઉજવણી શરૂ કરી હતી. બાદમાં વાઇલ્ડ લાઇફ ક્ષેત્રે કાર્ય કરતી અનેક સંસ્થાઓ જોડાવા લાગી હતી. આપણાં દેશમાં છેલ્લા દસકામાં તેની વસ્તી લગભગ 60 ટકા જેવી વધી છે.
એક સમયે આપણાં ભારતમાં હરિયાળા, ઝારખંડ, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં સિંહ વસવાટ કરતા હતા, દક્ષિણ ગુજરાતનાં એરિયામાં પણ સિંહો જોવા મળતા પણ ધીરેધીરે સિંહો માત્ર ગીરનાં જંગલોમાં બચ્યા છે. એક સમયે તો માત્ર 20 જ સિંહ હતા. ત્યારે જુનાગઢના નવાબે સિંહોના શિકાર પર પ્રતિબંધ મુક્યો હતો. 1990 બાદ દર વર્ષે અને દર પાંચ વર્ષે તેના આંકડા સતત વધી રહ્યા છે. છેલ્લા 2020 આંકડા મુજબ 664 સિંહોની સંખ્યા છે. હાલ સૌરાષ્ટ્રના પાંચ જીલ્લામાં સિંહોનો વસવાટ જોવા મળે છે. સમગ્ર એશિયાખંડમાં એકમાત્ર સૌરાષ્ટ્રમાં સિંહોનો વસવાટ છે.
આ દિવસ જંગલના રાજાની ઉજવણી કરવાની અને તેની સુખાકારી અને સંરક્ષણ વિશે જાગૃત્તિ લાવવાની તક છે. સિંહોનો શિકાર, વસવાટનો વિનાશ, માનવ-સિંહ વચ્ચેના સંઘર્ષ જેવા જોખમો વિશે ચિંતા વ્યક્ત કરવાનો દિવસ છે. આજના દિવસના મુખ્ય ધ્યેય જાતને બચાવવા માટે જાનવરોના રાજાને બચાવવાનો સંદેશ છે. આશરે 4 મિલિયન વર્ષો પહેલા સિંહો યુરોપ, આફ્રિકા, એશિયા અને મધ્ય પૂર્વમાં તેમના કુદરતી વાતાવરણમાં રહેતા હતા. જો કે હવે દુનિયામાં આફ્રિકા અને એશિયા જેવા બે જ સ્થળોએ જોવા મળે છે. બન્ને પ્રાંતોમાં સિંહ જોખમી પ્રજાતિઓની રેડ યાદીમાં લુપ્તપ્રાય તરીકે સુચિબધ્ધ છે. આજે દુનિયામાં માત્ર 30 હજારથી એક લાખ વચ્ચેની સંખ્યામાં સિંહો બચ્યા છે. છેલ્લા ચાર-પાંચ દાયકામાં સિંહોની વસ્તી લગભગ અડધી થઇ ગઇ છે.
સિંહ વિશ્રની સૌથી પ્રતિષ્ઠિત પ્રજાતિ છે. લગભગ દરેક ખંડો ઉપર અને હજારો સંસ્કૃતિઓમાં તેનું સ્થાન જોવા મળે છે તેને વનરાજ અથવા જંગલોનો રાજા પણ કહેવાય છે. સમગ્ર યુગમાં સિંહોનું સાંકેતિક મહત્વ હોવા છતાં આજે આફ્રિકા અને ભારતના ગીરમાં જ તે મુશ્કેલી વચ્ચે અસ્તિત્વ ટકાવવા ઝઝુમી રહ્યા છે. સિંહો તેમના વિસ્તારના સર્વોચ્ચ શિકારી છે. તેઓ ટોળાના સૌથી નબળા પ્રાણીને નિશાન બનાવે છે. પર્યાવરણી સંતુલન અને શિકારની વસ્તીમાં રોગ નિયંત્રણમાં મદદ કરે છે.
વિશ્રમાં આપણો એક માત્ર દેશ એવો છે જ્યાં તેની વસ્તી વધી છે. સિંહ જેવું રાજવી બીજુ કોઇ પ્રાણી નથી. ચાલો આપણે સૌ જંગલના રાજાને આપણી આવનારી પેઢીઓ માટે આ દુનિયામાં રાખવા માટે બચાવવીએ. સિંહ એક જાજરમાન મોટી બિલાડી છે જેનું વજન 500 પાઉન્ડ જેટલું હોય છે અને 10 ફૂટ લાંબુ તેનું શરીર હોય છે. વાઘ પછી બિલાડી પરિવારનો બીજો સૌથી મોટો સભ્ય છે. જન્મ પછી તે તરત જ અવાજ કરી શકે છે પણ એક વર્ષના થાય ત્યાં સુધી ગર્જના કરી શકતા નથી. તેની ત્રાડ કે ગર્જના પાંચ માઇલ સુધી સંભળાય છે. સિંહ નિયમિત પણે સામાજીક જુથમાં રહેનારૂ પ્રાણી છે. 10 થી 15નું તેનું જુથ જે 2 થી 40 સભ્યો પણ થઇ શકે છે. કેન્યાના સવાનાના નરસિંહ માદાઓ વચ્ચે એકલા લીડરશીપ ભોગવે છે. તે દર કલાકે 81 કિ.મી.ની ઝડપે દોડી શકે છે.
માદાઓ બચ્ચા ઉછેરની જવાબદારી સંભાળે છે. સિંહ લગભગ એક દિવસમાં 20 પાઉન્ડ માંસ ખાય છે પણ ક્યારેક 100 પાઉન્ડ પણ ખાય જાય છે. ઘણી માદાઓ એક સાથે બચ્ચાને જન્મ આપતી હોવાથી અન્ય માદાઓ પણ બીજા બચ્ચાને સ્તનપાન કરાવે છે. એક સમયે વિશ્રભરમાં જોવા મળતા સિંહો હિમયુગ અને કુદરતી આબોહવા પરિવર્તનને કારણે એશિયા અને આફ્રિકામાં જ ટકી શક્યા છે. સિંહની પ્રજાતિ વિશ્ર્વની સૌથી મોટી પ્રજાતિઓ પૈકી એક છે જેને પેન્થેરા લીઓ તરીકે ઓળખાય છે. 300 થી 550 પાઉન્ડ વચ્ચે વજન ધરાવતા જાડા માથાથી ઝડપથી ઓળખાય છે અને તેને કેશવાળી હોય છે. આજે એક અંદાજ મુજબ 30 હજાર જ સિંહો દુનિયામાં બચ્યા છે. આપણાં દેશમાં ગીર ફોરેસ્ટ નેશનલ પાર્કની આસપાસ તેની થોડી નાની વસ્તી જોવા મળે છે. આધુનિક સિંહ પ્રથમ વખત દક્ષિણ આફ્રિકામાં એકનો શિકાર કરે છે. આફ્રિકામાં સફેદ સિંહ પણ જોવા મળે છે.
વિશ્વ સિંહ દિવસની ઉજવણીના મુખ્ય ત્રણ હેતુઓ
જંગલના રાજાના સંવર્ધન અને સંરક્ષણ માટેની જનજાગૃત્તિ માટે ઉજવાતો ‘વર્લ્ડ લાયન ડે’ના મુખ્ય ત્રણ ઉદેશ્યો છે. જેમાં જંગલોમાં સિંહોને કઇ સમસ્યાનો સામનો કરવો પડે છે. તેની લોકોમાં જાગૃત્તિ લાવવી. બીજું જંગલના રાજા સિંહને બચાવવાના રસ્તાઓ શોધવાનું છે. ત્રીજા ઉદ્દેશ્યમાં જંગલની નજીક રહેતા લોકોને સિંહોના જોખમો વિશે અને તેઓ તેમને માર્યા વિના પોતાનું રક્ષણ કેવી રીતે કરી શકે તે શીખવવાનું છે. વિશ્રમાં સિંહની બાકીની પ્રજાતિઓનું રક્ષણ અને સંરક્ષણએ નેશનલ જિયોગ્રાફી બિગ કેટ ઇનિશિયેટિવનો મુખ્ય હેતું છે. ટર્કિશ કહેવત મુજબ ‘દરેક બહાદુર માણસના હૃદયમાં સિંહ સૂતો હોય છે.
અરુણ દવે