• “બજરંગદાસ બાપુ, મસ્તરામ બાપુ, બટુક મહારાજ અને અંબાજીના ચુંદડીવાળા માતાજી આવા જીવનમુકત સિધ્ધ સંતો હતા !”

સને  1984માં જસદણથી સુરેન્દ્રનગર જિલ્લામાં મારી બદલી થતા મૂળી પોલીસ સ્ટેશનમાં ફોજદાર તરીકે  નિમણુંક થઈ મૂળીમાં તે સમયે પ્રમાણમાં ઘણુ ઓછુ કામ હતુ તેથી મને વાંચવાનો તથા આ ઝાલાવાડ વિસ્તારનાં ઐતિહાસીક, ધાર્મિક,  પૌરાણીક  સ્થળો જોવામાં હું સમય   પસાર કરતો વળી થાણાના જુના અને અનુભવી જમાદારો અને જવાનો સાથે આ અંગે ચર્ચાઓ પણ થતી.

એક વખત મુળી સ્વામીનારાયણ મંદિરે જવાનું થયું. મંદિરમાં દર્શન કર્યા પછી જવાનોએ કહ્યું, સાહેબ  આ મંદિરના મહંત સ્વામી લક્ષ્મીપ્રસાદજી પોલીસના ખૂબજ પ્રેમી છે. અને મળવા જેવા છે, ચાલો તેમના આસને જઈએ. આથી હું સંત નિવાસના  બીજા માળે આવ્યો મહંત સ્વામીના રૂમમાં જતા તેમના આસન ઉપર એક  30-35 વર્ષની વયની તેજસ્વી વ્યકિત જેમણે ફકત એક  સફેદ ટુંકી ધોતી પહેરેલી તેઓ આસન ઉપર બેઠા હતા. આથી મને ખૂબ આશ્ર્ચર્ય થયું પહેલું એ કે મહંત સ્વામીની સરળતા અને બીજુ એક નાની વયની ઉઘાડે શરીરે અને સફેદ ધોતી પહેરેલી વ્યકિત ઉપરથી સહેજે ખ્યાલ આવતો હતો કે આ વ્યકિત સ્વામી નારાયણ સંપ્રદાયની નથી લાગતી તેને મહંત સ્વામીએ પોતાના  આસન ઉપર બેસાડયા હતા !

મને એવો અનુભવ હતો અને  સામાન્ય રીતે એવું હોય પણ છે કે કોઈ પણ સંપ્રદાયના વડા પોતાના આસન ઉપર કોઈ સામાન્ય  વ્યકિતને  બેસવા ન જ દે ! મેં મહંત સ્વામીને જય સ્વામીનારાયણ કહેતા  તેમણે મને કહ્યું આ આસન ઉપર બેઠેલા છે તે બટુક મહારાજ છે તે  તમને ખબર નથી લાગતી, તેઓ સનાતની હસ્તી છે જેથી મેં બટુક મહારાજને હાથ જોડી પ્રણામ કરી ‘સીતારામ’ કહેતા તેમણે પણ સીતારામ કહ્યું પણ કોઈ ખાસ પ્રતિભાવ આપ્યો નહી સામાન્ય રીતે બટુક મહારાજ કોઈની સાથે વાત કરતા નહી અને બોલે તો પણ  અંટનું સંટ બોલે! પરંતુ મને સહજતાથી સીતારામ  કહેતા તમામને આશ્ર્ચર્ય  થયું અહિં  લગભગ તમામ   વ્યકિતઓ  સાથે મારે ખાસ કોઈ પરીચય નહી હોય થોડીવાર બેસી રવાના થયો.

પોલીસ સ્ટેશને  આવીને મેં જમાદાર પ્રતાપસિંહ પરમાર સાથે બટુક મહારાજ અંગે ચર્ચા કરતા તેમણે  કહ્યું ‘સાહેબ બટુક મહારાજની ઉંમર તમે કેટલી માનો છો?’ મેં કહ્યું હશે કદાચ  30-35 વર્ષ, તો તેમણે કહ્યું આ ગામતો શું આખા ઝાલાવાડમાં કોઈને આ બટુક મહારાજની ખરેખર કેટલી ઉંમર છે તે  ખબર નથી ! વૃધ્ધોને પૂછતા એમ કહે છે કે હું નાનો  હતો ત્યારથી  બટુક મહારાજ આવાને આવા છે, કદાચ તેમની  ઉંમર  200 વર્ષ કરતા વધારે હશે !

વળી મારા રાયટર જયેન્દ્રસિંહ પરમારે જે વાત મને કરી તે સાંભળી હું નવાઈ  પામી ગયો બટુક મહારાજનો કોઈ આશ્રમ કે કાયમી રહેવાનું સ્થળ ન હતુ. તેઓ મુળી ધ્રાંગધ્રા અને પાટડી તાલુકાના ગામડાઓમાં મન પડે ત્યાં ફર્યા કરતા. મુળીમાં મુળી પોલીસ પાસે અને ખાસ  તો ટ્રેઝરી ગાર્ડ જે મામલતદાર કચેરી પાસે હતી ત્યાં તેમની વધારે આવન જાવન રહેતી મુસાફરી માટે કાંઈ ખાસ નકકી નહી રસ્તે ચાલતા જાય, વર્ષોથી લોકો તેમને ઓળખતા હોઈ  બટુક મહારાજને જોઈ પોતાનું વાહન ઉભુ રાખે, અરે ! એસ.ટી.બસના ડ્રાઈવર પણ તેમને જોઈ જાય એટલે બસને ઉભી રાખતા. વળી કોઈ હોંશિલી વ્યકિત જોઈ જાય તો  મોટર સાયકલ લઈ ને પુછે ચાલો બાપુ મૂકી જાવ ? અને જો તેમની ઈચ્છા હોય તો બેસે અને જે ગામનું કહે ત્યાં મૂકી આવે !

મુળી પોલીસ સ્ટેશનનો એક જવાન ટપુ બેચર તેમનો ભકત અને બાપુને પણ તેની ઉપર લાગણી. બટુક મહારાજને જમવાની કાંઈ લપ ન હતી. કોઈ ચા-પાણી પાય તો પી લે વળી કોઈ ભગત ખૂબ આગ્રહ કરે અને મુડમાં હોય તો બે ત્રણ બટકા લે અને મુડના હોય તો  ગાળોની રમઝટ બોલે ! રાયટર જયુભા કહેતા કે બટુક મહારાજ મોટી હસ્તી છે, શીતળામાતાજી મંદિરના મહંત નારણદાસ  બાપુ કહેતા કે આ આત્મા ગત જન્મનો યોગ સિધ્ધ છે અધૂરી સાધના આ જન્મે પૂરી થતા હવે અવધૂત સ્થિતિમાં  રહી પ્રાપ્ત  આયુષ્ય પુરૂ કરી રહેલા છે.તેમને ભૂખ, તરસ અને નિંદ્રા ઉપર કાબુ છે. બટુક મારાજ મોજમાં હોય ત્યારે  કાંઈક પ્રશ્ર્ન કે કોયડો પુછો તો તેનો 100%  સાચો જવાબ આપતાના અમુક ઉતરેલા કાટલા તેમની કસોટી પણ કરે ! એક  વખત આવી એક વ્યકિતએ બટુક મહારાજને પુછેલું  કે આજે કયો આંકડો આવશે ? આ આંકડો એટલે  વરલી મટકાનો ! મહારાજે આંકડો તો  આપ્યો પણ તે વ્યકિત બજારમાં દોડયો ગામમાં જઈ બુકી પાસે જઈ ખૂબ મોટી રકમનો આંકડો લખાવવાથી  વાત કરતા મુળીના  બુકીની આવડો મોટો આંકડો  લખવાની હિંમત ચાલી નહીં તેણે કહ્યું સુરેન્દ્રનગર જઈ લખાવ.પેલો બસમાં  બેસી સુરેન્દ્રનગર ગયો પરંતું ત્યાં  સુધીમાં  આંકડો લખાવવાનો સમય પૂરો થઈ ગયો જો મુળીમાં નાની રકમનો આંકડો લખાવ્યો હોત તો લોટરી લાગી જાત ! તે દિવસે બટુક મહારાજે કહેલ તે આંકડો આવ્યો હતો ! બટુક મહારાજને કોઈ એ આ વાત કહેતા તેઓ બોલેલા ‘ચલી ગઈ માયા, રહી ગઈ કાયા આખિર ઉસકા અંત ન પાયા.’

એક દિવસ સાંજના હું મુળી જકાત નાકાની ઓફિસે   મિત્રો સો બેઠો હતો ત્યારે મેં બટુક મહારાજની ઉંમર અંગે  ચર્ચા ચાલુ કરી. ત્યાં  જી.ઈ.બી.નાં મીટર રીડર ત્રિકમભાઈ સોની હાજર હતા તેમણે કહ્યુંં કે એક વખત હું કાપડ ખરીદવા અમદાવાદના એક શો રૂમમાં ગયો હતો ત્યાં શેઠનાં ઉંચા આસન ઉપર  શેઠ સાથે આ બટુક મહારાજ પણ બેઠા હતા. મને નવાઈ લાગી કે આ સાચુ છે કે ખોટુ છે ? બટુક મહારાજ અહિં?  મેં કાપડ ખરીદી લીધા પછી શો રૂમના  શેઠને પુછયું   કે આ બટુક  મહારાજને તમે કેવી રીતે ઓળખો છો? તો તેમણે કહ્યું કે  આ તો અલગારી સાધુ છે, મારા બાપા કહેતા હતા  કે તેઓ બે પેઢીથી અહી આવે છે. તેમની કેટલી ઉંમર છે તેજ  ખબર નથી  તેમના કોઈ આશ્રમ કે  જગ્યાની કાંઈ ખબર નથી બસ વર્ષમાં એક બે વખત આંટો મારી જાય છે. કાંઈ લેવા દેવાની વાત  જ નહીં!

એક વખત રાયટર જયેન્દ્રસિંહ પરમાર મારી ચેમ્બરમાં આવ્યા  અને કહ્યું કે  એક આરોપીનું વોરંટ ભાવનગર પોલીસે વગર બજાવ્યે પાછુ મોકલ્યું છે અને કોર્ટમાંથી ખાસ સુચના આવી છે કે આ વોરંટની  મુળી પોલીસે જાતે અવશ્ય બજવણી કરવી. કોન્સ્ટેબલ ટપુ બેચર તથા કોન્સ્ટેબલ જનકસિંહ ઝાલા (સમલા) આ વોરંટ બજાવવા માટે ભાવનગર જવા  ઈચ્છે છે કેમકે તેમને ત્યાં  ભાવનગર મસ્તરામ બાપુના દર્શન કરવા છે અને સાથે બટુક મહારાજને પણ લઈ જવા છે.

મેં વોરંટ  ઉપર શેરો મારી  ટપુ બેચરને  આ વોરંટનો  અમલ કરવા ખાસ સુચના  કરી. મૂળીથી  ટેક્ષી લઈ ટપુ બેચર તથા જનકસિંહ ઝાલા  બટુક મહારાજને સાથે લઈ ભાવનગર રવાના થયા.

ત્રિજે દિવસે  ટપુ બેચર અને જનકસિંહ આરોપીને  પકડીને લઈ આવ્યા મેં આરોપીને પૂછપરછ કરી કે કેમ  સરનામાવાળી જગ્યાએ હાજર મળતો નથી ? આરોપીએ કહ્યું  સાહેબ મેં ભાવનગરમાં બીજા જ વિસ્તારમાં   મકાન ફેરવી  નાખ્યું છે.  જેનું સરનામું ત્યાંના પાડોશીઓ કે મૂળી કે  ભાવનગર પોલીસ પણ જાણતી નહતી. વિસ્તાર જ ફેરવી નાખ્યો કોણ પકડી શકે?

મેં જનકસિંહને પૂછયું તમે આરોપીને કેવી રીતે  પકડયો? તેમણે મને કહ્યું સાહેબ તેની અમને પણ ખબર નહોતી અમે તો મોટા ઉપાડે  ભાવનગર આવેલા કે આરોપીને  સરનામા વાળી જગ્યાએથી ઉપાડી જ લઈશું  પરંતુ  સરનામાવાળી જગ્યાએ આવી કોઈ વ્યકિત જ નહી રહેતી હોવાનું અને તેના સરનામાની પણ કોઈ ને ખબર નહતી! જેથી અમે પાછા વળી ગયેલા, પરંતુ  અમે એક બીજા એવા વિસ્તારમાંથી  પસાર થતા હતા કે જયાં કોઈ દુકાનો હતી નહી ત્યાંજ બટુક મહારાજે  કહ્યું મારે પાણી પીવું છે. જેથી ટપુએ કહ્યું હમણા દુકાન આવે એટલે બીસ્લેરી બોટલ લઈ લેશું. પરંતુ બટુક મહારાજ તો અલગારી તેમણે કહ્યું નહી અહિં જ કાર ઉભી રખાવો. આથી  કાર ઉભી રખાવતા  બટુક મહારાજે એક ઘર તરફ આંગળી ચીંધી કહ્યું કે આ ઘરનું પાણી પીવું છે.

અમે મુંઝાયા કે અજાણ્યું શહેર અજાણ્યો  જિલ્લો અજાણ્યા ના ઘેર  પોલીસ તરીકે વગર કામે  કેમ જવું?  કેવો સમય આવી ગયો છે! પરંતુ  આતો બટુક મહારાજ આથી તેમણે ચિંધેલ ઘરનો દરવાજો ખખડાયો આથી એક મહિલા બહાર આવ્યા તેમની પાસેથી પીવાનું પાણી માંગતા તેમણે કહ્યું અહી ઉભા રહો હું લઈ આવું. તેમ કહી ઘરમાં જતા ઘરમાં ડોકયું કર્યું તો ઘરમાં આ વોરંટ વાળો આરોપી જ ઘરમાં બેઠો હતો ! પછી શું? તેને પણ સાથે લઈ લીધો અને રસ્તામાં ચિત્રા ખાતે મસ્તરામ બાપૂના દર્શન કર્યા. બંને હસ્તીઓ ફકત આંખથી જ ચર્ચા મુલાકાત કરી લીધી અને મસ્તરામ બાપૂએ બટુક મહારાજને બીડી આપી  અને બંને જણાએ પ્રસન્ન ચિતે બીડીના કસ લીધા ! તે પછી અમે મુળી આવવા રવાના થયા.

આમ અમને એક સાથે  બંને  અગમ્ય  સિધ્ધ હસ્તીઓની એક  સાથે મૂલાકાત દર્શનનો લાભ મળ્યો !

“આવા સંતો જીવનમુકત હોય છે. પરંતુ   બાકીનું  પ્રારબ્ધજીવન અવધૂત અવસ્થામાં  પસાર કરતા હોય છે!

આવા જ્ઞાન પ્રાપ્ત સંતોને પદાર્થ-દર્શનમાં સારા નરસાની ભાવના રહેતી નથી. તેમને જમવા ઉંઘવાની કે  અન્ય કોઈ ઈચ્છા હોતી નથી, તેમને કાંઈ પ્રિય કે અપ્રિય રહેતુ નથી. વાસનાઓને છોડીને જેઓ સ્વરૂપભૂત થઈને  રહે છે તે પુરૂષ જીવન મુકત કહેવાય છે. જેના ચિતની બધી તૃષ્ણાઓ નીકળી ગઈ હોય  તેઓ કોઈ ધ્યાન કરે કે ન કરે તેમજ સંસારિક કર્મ કરે અ થવા ન કરે તેમના માટે બધુ સરખુ જ છે.

ગુજરાતના સિધ્ધ સંત, બટુકમહારાજ, મસ્તરામ બાપુ, બજરંગદાસબાપુ (બાપાસિતારામ) અને અંબાજીના ચુંદડી વાળા માતાજી આવા જીવન મુકત સંતો હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.