• સૌરાષ્ટ્રનું ‘અમરનાથ’: “ઝરીયા મહાદેવ ” ગુફામાંથી શિવલિંગ પર સ્વયંભુ થતો જળાભિષેક
  • ચોટીલાથી 15 કિમી દૂર થાનગઢ રોડ પર  આવેલા ઝરીયા મહાદેવ મંદિરે બારેમાસ શિવલિંગ પર સતત થતું જળાભિષેક
  • શ્રાવણ માસમાં ‘દાદા’ના દર્શન કરવા ભકતોનું ઘોડાપૂર ઉમટયું
  • ઝરીયા મહાદેવ મંદિર પાસે પથ્થરની ઉપર પથ્થર મુકવાની અનોખી માન્યતા

પ્રભુ અને પ્રકૃતિનો અલૌકિક સંગમ એટલે ઝરીયા મહાદેવ. ચોમાસામાં જ અહીં લીલોતરી જોવા મળે છે છતાં ચટ્ટાનમાંથી બારેમાસ અવિરત પાણી ટપકતું રહે છે. વિજ્ઞાન પણ આજદિન સુધી આ રહસ્યનો તાગ મેળવી શક્યું નથી. વગડાની નિરવ શાંતિમાં અહીં પક્ષીઓનો મધુર કલરવ સંભળાય છે. પક્ષીઓના કલરવથી સુમસાન વગડાનું વાતાવરણ પણ પ્રફુલ્લિત બની જાય છે. શ્રાવણ માસમાં અને ખાસ કરીને શ્રાવણીયા સોમવારે અહીં મેળો ભરાય છે. દૂર દૂરથી લોકો મહાદેવના દર્શન અને મેળો માણવા આવે છે. તો કેટલાક પ્રકૃતિ પ્રેમીઓ અહીં વન ભોજનનો પણ આનંદ લે છે. અહીં પથ્થરની ઉપર પથ્થર મુકવાની એક અનોખી માન્યતા પણ છે. અહીં આવતા દર્શનાર્થીઓ એવું માને છે કે, એમ કરવાથી ભવિષ્યમાં પોતાનું ઘર બને છે…

પાંડવોએ સ્વયંભૂ મહાદેવની પૂજા કરી હોવાની લોકવાયકા

બારેમાસ પથ્થરની એક શીલામાંથી અવિરત પાણી ઝરતું હોવાથી આ રમણીય મંદિરનું નામ ઝરીયા મહાદેવ પડ્યું હોવાનું મનાય છે. વર્ષોથી દર્શને આવતા ભક્તોને પણ ખ્યાલ નથી કે, આ મંદિરનો ઇતિહાસ કેટલો જૂનો છે. કેટલાક વડીલોનું એવું માનવું છે કે, આ ભૂમિ પાંચાળ ભૂમિ છે. બારવર્ષના અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ અહીંની પાવન ભૂમિ પર વસવાટ કર્યો હતો. એટલે પાંડવોના સમયનું આ મંદિર છે, તેવું પણ માનવામાં આવે છે. કહેવાય છે કે, પાંડવો અહીં સ્વયંભૂ મહાદેવની પૂજા કરતા હતા.

કુદરત રચિત ગુફાઓમાં શિવલિંગની સ્થાપના કરવામાં આવી

ચોટીલાના માંડવ વનમાં આવેલા ઝરીયા મહાદેવ ની  મુખ્ય વિશેષતા એ છે કે, કુદરતે  બનાવેલ  ગુફાઓમાં શિવલિંગની સ્થાપના થઇ છે અને આ ગુફાઓની ચોતરફની દિવાલોમાંથી બારેય માસ અને ચોવીસ કલાક સતત  મીઠા પાણી જેવા જળનો અભિષેક આપોઆપ મહાદેવજી ના  શિવલિંગ ઉપર થતો રહે છે. ગુફાની દિવાલોમાંથી શિવલિંગ ઉપર થતાં જળના અભિષેકનું રહસ્ય આજ દિન સુધી હજુ  કોઇ સમજી શક્યું નથી. આ પાણીનુ મૂળ સ્ત્રોત ક્યાં છે ? અને પાણી ગુફાઓની દિવાલોમાંથી કઇ જગ્યાએથી આવે છે ? તે હજુ સુધી કોઇ જ જાણી શક્યું નથી.

પથ્થરની મોટી શીલા નીચે  બિરાજમાન સ્વયંભૂ મહાદેવ

મંદિરના ગર્ભગૃહમાં પથ્થરની એક મોટી શીલા નીચે સ્વયંભૂ મહાદેવ બિરાજમાન છે. શીલામાંથી ટપકતું પાણી આગળના એક કુંડમાં જમા થાય છે. જેને ભાવિકો પ્રસાદ તરીકે પીવે છે. ગુફામાં પ્રવેશતાની સાથે જાણે ઠંડુ બરફ જેવું વાતાવરણ અનુભવાય છે. ઉનાળામાં  પણ એવી જ ઠંડક હોય છે.અને શિવલિંગ પર પણ મેઘવર્ષાની જેમ પાણી ટપકતું રહે છે. ગુફાને લગોલગ ઘણા વર્ષો જૂનો વડલો પણ છે. આ શિવલિંગનો પ્રાગટ્ય કેટલો પુરાણો છે તેનો હજુ સુધી કોઈ પાસે તાગ નથી. હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન માટે આવે છે. પ્રકૃતિ,ભક્તિ અને આસ્થાના આ ત્રિવેણી સંગમ એવા સ્વયંભૂ ઝરીયા મહાદેવના એકવાર અચૂક દર્શનો લ્હાવો લેવા જેવો છે.

ઝરીયા મહાદેવ મંદિરનું અનેરૂ મહત્વ

A supernatural confluence of God and nature

ઝરીયા મહાદેવના ગુફામાં આવેલા શિવાલય સામે એક બીજી ગુફા છે. આ ગુફામાં મહાકાળી માતાજીની મૂર્તિની સ્થાપના થઇ છે. શ્રાવણ માસમાં અસંખ્ય ભક્તો દર્શન કરવા  અહીં આવે છે. સૌરાષ્ટ્ર ભરમાથી  પર્યટકો અને છેક અમદાવાદ બાજુથી પણ શિવભકતો, શાળાઓના વિદ્યાર્થીઓ રમણીય સ્થળે આવતાં હોય છે. ચોટીલા તાલુકાના અનેક પ્રાચિન રમણીય સ્થળોમાં આ ઝરીયા મહાદેવનું મંદિર પણ આગવું જ મહત્વ છે. ચોતરફ લીલોતરી અને કુદરતે છુટા હાથે વેરેલા સૌંદર્ય જોઇને જ પર્યટકો પણ ખુશખુશાલ બની જાય છે…

પવિત્ર શ્રાવણ માસ તેના અંતિમ ચરણમાં છે, ત્યારે આ સાતમ-આઠમની રજા વચ્ચે ભાવિક ભક્તો દ્વારા ભગવાન શિવના શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે. પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવના દર્શન કરવાનો અનેરો મહિમા છે. ભગવાન શિવના દરેક શિવાલયો સાથે અનેરું મહત્વ અને લોકોની શ્રદ્ધા જોડાયેલી છે, તો આવું જ એક શિવાલય કે, જે સૌરાષ્ટ્રનું અમરનાથ તરીકે જાણીતું છે.શિવ ભક્તો માટે પ્રાકૃતિક વાતાવરણમાં સૌરાષ્ટ્રમાં, એક એવું શિવ મંદિર છે કે જેને સૌરાષ્ટ્રના અમરનાથ તરીકે ઓળખવામાં આવે છે. આ એક પુરાણ પ્રસિદ્ધ અને રહસ્ય  મંદિર છે કે, જે આશરે 5 હજાર વર્ષ પુરાણું મંદિર છે, તેમ માનવમાં આવે છે કે, અહી અવિરત પાણી વહેતું રહે છે, આ એ ઝરીયા મહાદેવ કે, જ્યાં શિવલિંગ પર સતત પાણી ટપકતું રહે છે. આ મંદિર સુરેન્દ્રનગર જિલ્લાના થાનથી માત્ર 20 કિમીના અંતરે જંગલમાં આવેલું છે. ઝરીયા મહાદેવ બહુ જ નાની એવી જગ્યામાં આવેલું મંદિર છે. પહાડો અને જંગલોમાં ઘટાદાર વૃક્ષોની વચ્ચે આ મંદિર આવેલું છે. આ મંદિરની એક ગુફામાંથી સતત શિવલિંગ પર સ્વયંભુ રીતે જળાભિષેક થાય છે. સૌરાષ્ટ્રનું આ મંદિર એટલું જાણીતું છે કે, ભક્તો અહી નિયમિત દર્શન કરવા આવે છે. કહેવાય છે કે, ઝરીયા મહાદેવના દર્શને આવતા દરેક ભાવિક ભક્તોનું અહિયાની વનરાજી, વૃક્ષો અને એકદમ લીલુછમ વાતાવરણ મન મોહી લે છે. કહેવાય છે કે, મહાદેવ એકાંત પ્રિય છે. ભોળાનાથ હમેશા સ્મશાન કે વેરાન જગ્યાએ ધ્યાન મગ્ન રહેવાનું પસંદ કરે છે. આવી જ એક માંડવ વનમાં જગ્યા કે જ્યાં થાય છે. સ્વયંભૂ શિવલિંગ પર બારેમાસ અવિરત જળાભિષેક. ચોટીલાથી આશરે 15 કિમી દૂર થાનગઢ રોડ પર આવેલું ઝરીયા મહાદેવ મંદિર એટલે પ્રભુ અને પ્રકૃતિનું રમણીય સંગમ.

ચોટીલાથી આશરે 15 કિમી દૂર થાનગઢ રોડ પર માંડવ વનમાં પૌરાણિક સ્વયંભૂ ઝરીયા મહાદેવનું મંદિર આવેલું છે. સુરેન્દ્રનગરથી અંદાજે 68 કિમી દૂર આ અલૌકિક મંદિર આવેલું છે. અહીં બારેમાસ શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે અને એમાંય ખાસ શ્રાવણ મહિનામાં તો ભક્તોનો મેળાવડો જામે છે. દૂર-દૂરથી ભાવિકો અહીં ભોળાનાથના દર્શનાર્થે આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.