ફૂટપાથ 7॥ ઇંચ જેટલી ઉંચી રખાશે જેથી વાહન પાર્ક ન થઇ શકે: હાઇવે ટચ રોડને સંપૂર્ણપણે સિટી રોડ બનાવાશે: ટેબલ ટોપ બનાવી વાહનની સ્પિડને લીમીટમાં રખાશે: હેરિટેજ ડિઝાઇન મુજબ ફ્લોરીંગ અને ડિવાઇડર બનશે
જે રિતે શહેરીજનો સ્માર્ટ સિટી વિસ્તાર અને રેસકોર્ષ રિંગ રોડ પર ફરવા જાય છે. તેજ રીતે ભવિષ્યમાં શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલા પેડક રોડ પર પણ ફરવા જશે. કોર્પોરેશન દ્વારા પેડક રોડને રૂ.17 કરોડના ખર્ચે ગૌરવપથ કમ્પ્લીટ સ્ટ્રીટ ડિઝાઇન મોડેલ બનાવવામાં આવશે. આ કામ માટે સતત ત્રીજી વખત ટેન્ડર પ્રસિદ્વ કરી દેવામાં આવ્યું છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલા 2.1 કિલોમીટર પેડક રોડને ગૌરવપથ તરીકે વિકસાવવામાં આવ્યો છે. હવે તેને 17 કરોડના ખર્ચે શહેરના પ્રથમ કમ્પ્લીટ સ્ટ્રીટ ડિઝાઇન મોડેલ રોડ તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ આ રોડ હાઇવે ટચ હોવાના કારણે વાહનોની ગતિ ખૂબ જ વધુ રહે છે. હવે હાઇવે ટચ આ રોડને સંપૂર્ણપણે સિટી રોડ બનાવવામાં આવશે. વાહનોની સ્પિડ ક્ધટ્રોલમાં રહે તે માટે ટેબલ ટોપ પણ બનાવવામાં આવશે. હેરિટેજ ડિઝાઇન મુજબ ફ્લોરિંગ અને ડિવાઇડર બનાવવામાં આવશે. સાથોસાથ ગેરેજ-વેનું પણ નિર્માણ કરવામાં આવશે. શહેરના મોટાભાગના રાજમાર્ગો પર ફૂટપાથનો ઉપયોગ વાહન પાર્કિંગ કે ગેરકાયદે દબાણો માટે થવા લાગ્યો છે. હવે પેડક રોડને કમ્પ્લીટ સ્ટ્રીટ મુજબ વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં ફૂટપાથની ઉંચાઇ 7॥ ઇંચ વધુ રાખવામાં આવશે. તેના કારણે ફૂટપાથ પર વાહન પાર્કિંગ કરી શકાય નહિં. આટલું જ નહિં દાદા અને પૌત્ર સુરક્ષા સાથે સમગ્ર રોડ પર હરીફરી શકે તેવું પ્લાનિંગ કરવામાં આવશે. 2.1 કિલોમીટરના રોડ પર બાકડાઓ મુકાશે, ગઝેબો મુકાશે અને કિયોસ્ક બોર્ડ પણ લગાવવામાં આવશે. રાજકોટનો આ પ્રથમ રોડ હશે કે કમ્પ્લીટ સ્ટ્રીટ ડિઝાઇન મુજબ બનશે. આ માટે 17 કરોડનો ખર્ચ થશે. સતત ત્રીજીવાર ટેન્ડર પ્રસિદ્વ કરવામાં આવ્યું છે. જેની મુદ્ત આગામી 20 ઓગસ્ટના રોજ પૂર્ણ થઇ રહી છે. ટ્રીબીડ મિટીંગ 12મી ઓગસ્ટના રોજ બોલાવવામાં આવી છે.