ભારતીય હોકી ટીમે અત્યાર સુધી કુલ 8 ગોલ્ડ, 3 બ્રોન્ઝ અને 1 સિલ્વર મેડલ જીત્યા છે, હરમનપ્રીત સિંહની આગેવાની હેઠળની ટીમ પાસે વધુ એક બ્રોન્ઝ મેડલ મેળવવાની તક
યુવા કુસ્તીબાજ અંતિમ પંઘાલને પેરિસ છોડવાનો આદેશ
ભારતના યુવા કુસ્તીબાજ અંતિમ પંઘાલ અને તેની સમગ્ર ટીમને પેરિસથી દેશનિકાલનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે આ યુવા કુસ્તીબાજે પોતાનું ઓફિશ્યલ માન્યતા કાર્ડ તેની નાની બહેનને આપી દીધું હતું. જેને સુરક્ષા કર્મચારીઓ દ્વારા સ્પોર્ટ્સ વિલેજમાંથી બહાર નિકળતી વખતે પકડી લીધું હતું. અંતિમ 53 કિગ્રાની અંતિમ સ્પર્ધામાં પ્રથમ મેચ હાર્યા બાદ તે પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગઈ હતી.
સ્પોર્ટ્સ વિલેજ જવાને બદલે તે હોટલ પર પહોંચી જ્યાં તેના કોચ ભગત સિંહ અને સાથી પ્રેક્ટિસ કરતા કુસ્તીબાજ વિકાસ, જ તેના કોચ છે, રોકાયા હતા. અંતિમે તેની બહેનને સ્પોર્ટ્સ વિલેજ જવા અને તેનો સામાન લઇને પાછા આવવા કહ્યું. તેની બહેન અન્ય કોઈના કાર્ડ પર પ્રવેશ કરવા માટે પકડાઈ હતી અને તેનું નિવેદન નોંધવા માટે તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી.
વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુ માત્ર 1 કિગ્રાના અંતર સાથે મેડલ ચૂકી
ભારતીય વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુ પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતવામાં નિષ્ફળ રહી હતી. તે વેઈટલિફ્ટિંગની 49 કિગ્રા વર્ગમાં ચોથા સ્થાને રહી હતી. દરમિયાન, અવિનાશ સાબલે 3000 મીટર સ્ટીપલચેઝ રેસમાં 11મું સ્થાન મેળવ્યું હતું. ટોકિયો ઓલિમ્પિક્સની સિલ્વર મેડલ વિજેતા મીરાબાઈએ કુલ 199 કિલો વજન ઉપાડ્યું અને ચોથા સ્થાને રહી. ચીનની હુ જિહુઈએ 206 કિલો વજન ઉઠાવીને ઓલિમ્પિક રેકોર્ડ સાથે ગોલ્ડ જીત્યો હતો. રોમાનિયાની મિહાએલા વેલેન્ટિનાએ (205 કિગ્રા) સિલ્વર અને થાઈલેન્ડની ખામ્બાઓ સુલોચનાએ 200 કિગ્રા વજન ઉઠાવીને બ્રોન્ઝ જીત્યો હતો. આમ, મીરાબાઈ ચાનુ માત્ર 1 કિગ્રાના અંતર સાથે મેડલ ચૂકી ગઈ હતી.
ગોલ્ડન બોય નીરજ ચોપરા પાસે આજે ગોલ્ડ મેડલની આશા
ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા આજે રાત્રે ઓલિમ્પિકમાં સતત બીજો ગોલ્ડ મેડલ જીતવા ઉતરશે. નીરજે ક્વોલિફિકેશનમાં સારું પ્રદર્શન કર્યું હતું અને પહેલા જ પ્રયાસમાં 89.34 મીટરના થ્રો સાથે ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું હતું. નીરજ ઓલિમ્પિક ઈતિહાસમાં આ ટાઇટલ જાળવી રાખનાર ભાલા ફેંકનો પાંચમો પુરુષ ખેલાડી બનવાના ઈરાદા સાથે ફાઇનલમાં પ્રવેશ કરશે. જો તે આ ટાઇટલ જીતી લેશે તો ઓલિમ્પિક વ્યક્તિગત કેટેગરીમાં બે ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય પણ બની જશે. જો નીરજ કોઈ મેડલ જીતે તો પણ તે આઝાદી પછી બે વ્યક્તિગત ઓલિમ્પિક મેડલ જીતનાર ચોથો ભારતીય ખેલાડી હશે.
ભારતનું 44 વર્ષ પછી હોકીમાં ગોલ્ડ જીતવાનું સપનું 6 ઓગસ્ટના રોજ ચકનાચૂર થઈ ગયું જ્યારે હરમનપ્રીત સિંહની આગેવાની હેઠળની ટીમ જર્મની સામેની સેમિફાઈનલ મેચમાં હારી ગઈ. હવે ટીમ બ્રોન્ઝ મેડલ માટે સ્પર્ધા કરશે. જર્મનીએ સેમિફાઇનલ મેચમાં ભારતીય પુરુષ હોકી ટીમને હરાવીને પેરિસ ઓલિમ્પિકની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. જર્મનીએ આ મેચમાં ભારતને 3-2ના માર્જીનથી હરાવીને ગોલ્ડ મેડલ મેચમાં જગ્યા બનાવી લીધી હતી. ફાઇનલમાં જર્મનીનો મુકાબલો નેધરલેન્ડ્સ સામે થશે જેણે અન્ય સેમિફાઇનલમાં સ્પેનને હરાવ્યું હતું.
ભારતીય ટીમ ભલે ગોલ્ડ મેડલની મેચ માટે ક્વોલિફાય ન થઈ શકી પરંતુ હરમનપ્રીત સિંહની આગેવાની હેઠળની ટીમ પાસે બ્રોન્ઝ મેડલ જીતવાની તક રહેશે. ભારત બ્રોન્ઝ માટે સ્પેન સામે ટકરાશે. ભારતીય ટીમ પેરિસ ઓલિમ્પિક 2024ની બ્રોન્ઝ મેડલ મેચ માટે સ્પેનિશ ટીમ સામે ટકરાશે. આ મેચ આજે ભારતીય સમય અનુસાર સાંજે 5.30 કલાકે રમાશે. સેમિફાઇનલ મેચમાં નેધરલેન્ડ સામે સ્પેનનો 4-0થી કારમી પરાજય થયો હતો. સ્પેને ક્વાર્ટર ફાઇનલમાં બેલ્જિયમને હરાવ્યું હતું. ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમના પ્રદર્શનની વાત કરીએ તો અત્યાર સુધીમાં તેણે કુલ 8 ગોલ્ડ, 3 બ્રોન્ઝ અને 1 સિલ્વર મેડલ જીત્યા છે. વર્ષ 1928માં એમ્સ્ટર્ડમ ઓલિમ્પિકમાં ભારતે પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પછી 1932, 1936, 1948, 1952, 1956, 1964 અને 1980માં ગોલ્ડ મેડલ જીત્યા હતા. વર્ષ 1960માં ભારતીય ટીમે સિલ્વર મેડલ જીત્યો હતો જ્યારે 1968, 1972 અને 2020માં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.
આજે આ રમતોમાં ભારતીય ખેલાડી મેદાને ઉતરશે
ગોલ્ફ: મહિલા વ્યક્તિગત: અદિતિ અશોક અને દીક્ષા ડાગર – બપોરે 12.30 વાગે
એથ્લેટિક્સ: વિમેન્સ 100 મીટર હર્ડલ્સ રિપેચેજ રાઉન્ડ: જ્યોતિ યારાજી – બપોરે 2.05 વાગે
મેન્સ જેવલિન થ્રો ફાઈનલ: નીરજ ચોપરા – રાતે 11.55 વાગે
કુસ્તી: મેન્સ ફ્રીસ્ટાઇલ 57 કિગ્રા (પ્રી-ક્વાર્ટર ફાઇનલ): અમન સેહરાવત – બપોરે 2.30 વાગે
મહિલા ફ્રી સ્ટાઇલ 57 કિગ્રા (પ્રી-ક્વાર્ટર ફાઇનલ): અંશુ મલિક – બપોરે 2:30 વાગે
હોકી: મેન્સ બ્રોન્ઝ મેડલ મેચ: ભારત દત સ્પેન: સાંજે 5.30 વાગે