Rajkot:વોર્ડ નં.14માં લોક દરબારમાં કોંગ્રેસના ગજુભા ઝાલા અને વિરલ ભટ્ટે પ્રશ્ર્નોની ઝડી વરસાવી: સમસ્યાનો રાફડો ફાટ્યો છે ત્યારે બે કલાકના દરબારમાં પ્રશ્ર્નો રજૂ ન થઇ શકે તેવી પણ કરી દલીલ
‘મેયર તમારે દ્વારે’ શિર્ષક અંતર્ગત આજે શહેરના વોર્ડ નં.14માં કોર્પોરેશન દ્વારા લોક દરબાર યોજવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસના પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલા અને વિરલ ભટ્ટે પ્રશ્ર્નોનો મારો ચલાવ્યો હતો. સાથોસાથ એવી પણ ચીમકી ઉચ્ચારી હતી કે લોક દરબારમાં આવેલા પ્રશ્ર્નોનો 30 દિવસમાં નિકાલ નહીં આવે તો કોંગ્રેસ દ્વારા ભક્તિનગર સર્કલ ખાતે ધરણાં યોજવામાં આવશે. વોર્ડમાં સમસ્યાઓનો રાફડો ફાટ્યો છે ત્યારે ફક્ત બે કલાકમાં પ્રશ્ર્નો કોઇ કાળે રજૂ ન થઇ શકે તેવી પણ દલીલ કરી હતી.
વોર્ડ નં.14માં આજે યોજાયેલા લોક દરબારમાં કુલ 77 પ્રશ્ર્નો અને રજૂઆત આવી હતી. જેમાં કોંગ્રેસના પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલાએ થોકબધ્ધ પ્રશ્ર્નો રજૂ કર્યા હતા. કૌભાંડ, ભ્રષ્ટાચાર, બેદરકારી, બંધ ફૂવારા, સફાઇમાં ધાંધીયા, વારંવાર તૂટતી પાઇપલાઇન, ઉભરાતી ગટરો અને વોંકળાની સમસ્યાઓ તંત્ર સમક્ષ રજૂ કરી હતી.
સાથોસાથ એવી પણ ચીમકી ઉચ્ચારી હતી કે જો લોક દરબારમાં આવેલી ફરિયાદ, પ્રશ્ર્નો કે રજૂઆત આગામી 30 દિવસમાં નહીં ઉકેલાય તો કોંગ્રેસ દ્વારા ભક્તિનગર સર્કલ ખાતે ધરણાં કરવામાં આવશે. કોર્પોરેશનના કોંગ્રેસ કાર્યાલયના પૂર્વ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટે પણ લોક દરબારમાં અલગ-અલગ 14 શાખાઓને લગતા પ્રશ્ર્નો તર્કબધ્ધ રીતે રજૂ કર્યા હતા. તેઓએ શાખા વાઇઝ પ્રશ્ર્નોની લેખિત યાદી કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ સમક્ષ રજૂ કરી હતી. તેઓની દલીલમાં પણ તર્ક હતું. આજે કુલ 77 પ્રશ્ર્નો રજૂ થયા હતા.
વોર્ડ નં.14માં યોજાયેલ “મેયર તમારા દ્વારે…” “લોક દરબાર” વોંકળામાં સઘન સફાઈ કરવા બાબત, મિલપરા મેઈન રોડ પર વરસાદી પાણી ભરાવા બાબત, ખોડિયારપરામાં સ્ટ્રીટ લાઈટ અને ટ્રાફિક બાબત, લાઇબ્રેરીમાં ઇનવટર કે જનરેટરની વ્યવસ્થા કરવા બાબત, કેનાલ રોડ પર ગેરકાયદેસર બાંધકામ અટકાવવા બાબત, જિલ્લા ગાર્ડન ચોકમાં દબાણ દૂર કરવા બાબત, જિલ્લા ગાર્ડન પાસે વરસાદી પાણી ભરાઈ જવાથી રોડ લેવલ કરવા બાબત, સોરઠીયા પ્લોટમાં આવેલ વોકળા સફાઈ કરવા બાબત, લક્ષ્મીવાડીમાં ખોડિયાર મંદિર પાસે રોડ પર સફાઈ કરવા બાબત,પરવાનગી વગર જાહેરાતના બોર્ડ બેનરો દૂર કરવા બાબત, ભક્તિનગર સર્કલનો ફુવારો શરૂ કરવા બાબત,વોર્ડ નં.14માં વાઇફાઇ સુવિધા શરૂ કરવા બાબત, વોર્ડ નં.14માં ટીપરવાન અનિયમિત આવે છે,વિવિધ ટ્રાફિકવાળા રોડ પર સ્પીડ બ્રેકર બનાવવા બાબત,વિવિધ વિસ્તારમાં ફોગીંગ કરવા બાબત,વસંતનગરમાં રોડ ઉપર રોડ બનાવવામાં આવે છે.
જેના લીધે રોડ ઉપરના પાણી ઘરમાં આવે છે, રામનાથ મહાદેવ મંદિર ડેવલપમેન્ટ અને આજી રિવરફ્રન્ટ પ્રોજેકટ આગળ ધપાવવા બાબત,આનંદનગર વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ કરવા બાબત, કોઠારીયા કોલોનીમાં રોડ ખુલ્લો કરવા બાબત, સોસાયટીના કોમન પ્લોટમાં મંદિર બનાવવા બાબત, વાણિયાવાડી 3/7ના કોર્નરમાં નિયમિત સફાઈ કરવા બાબત, બાપુનગર સ્લમ ક્વાર્ટરમાં વરસાદી પાણી ઘરમાં આવે છે, ગુંદાવાડી પોલીસ ચોકી ચોકમાં ટ્રાફિક દૂર કરી ફૂટપાથ પર ખાણી-પીણીના દબાણ દૂર કરવા બાબત વગેરે મુખ્ય બાબતોના પ્રશ્ર્નો અને રજુઆતો આવી હતી.