મિલકતોમાં હવે કોસ્ટ ઇન્ડેક્સ પણ બાદ મળી શકશે
જૂની સ્કીમ હેઠળ 20 ટકા લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવીને ઇન્ડેક્સેશનનો લાભ લઈ શકાશે, નવી સ્કીમમાં 12.4 ટકા લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવનારને આ લાભ મળશે નહિ
પ્રોપર્ટી ટેક્સ અંગે નવો નિયમ શું હતો?
બજેટમાં સરકારે કોઈપણ પ્રકારની પ્રોપર્ટીના વેચાણ પર લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સમાં ઘટાડો કર્યો હતો. તેનો મતલબ એ કે તમે શેર વેચો કે કોઈ પ્રોપર્ટી વેચો, તમારે 12.5 ટકાનો લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ ચૂકવવો પડશે. જોકે, સરકારે પ્રોપર્ટીના વેચાણ પર ઉપલબ્ધ ઈન્ડેક્સેશનને હટાવી દીધું હતું. ત્યારપછી સરકારે કહ્યું કે આ ફેરફાર ટેક્સ સિસ્ટમને સરળ બનાવવા માટે કરવામાં આવ્યો હતો.
મકાન ખરીદનારાઓને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ એટલે કે એલટીસીજીમાં રાહત મળશે. સરકારે બજેટમાં કરેલી જાહેરાત બાદ વિરોધનો સુર ઉઠતા પાછોતરા પગલાં લીધા છે. જે મુજબ જૂની સ્કીમ હેઠળ 20 ટકા એલટીસીજી ચૂકવીને ઇન્ડેક્સેશનનો લાભ લઈ શકાશે. જો કે નવી સ્કીમમાં 12.4 ટકા એલટીસીજી ચૂકવનારને આ લાભ મળશે નહીં. એટલે કે મકાન વેચતી વખતે જૂની કે નવી સ્કીમ એમ બેમાંથી એકની પસંદગી કરી શકાશે.
ઉલ્લેખનીય છે કે 2024-25ના બજેટમાં સરકારે એલટીસીજીનો દર 20 ટકાથી ઘટાડીને 12.5 ટકા કર્યો હતો. પણ ફુગાવાના દરના આધારે નક્કી થતી ઇન્ડેક્સેશનનો લાભ સરકારે નાબૂદ કર્યો હતો.
ટેક્સ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે સૂચિત ફેરફારને કારણે કરદાતાઓ પર એલટીસીજીનું ભારણ વધી શકે છે. આ મુદ્દે વ્યાપક રાજકીય વિરોધ પણ થયો હતો. સંસદમાં ચોમાસું સત્ર દરમિયાન વિપક્ષના વિવિધ નેતાઓએ આ મુદ્દે સરકારને ઘેરી હતી તથા ઇન્ડેક્સેશનનો લાભ યથાવત રાખવા માટે સરકારને અપીલ કરી હતી. મંગળવારે ફાઇનાન્સ બિલમાં સુધારો જાહેર કરાયો હતો.
આ નિર્ણયથી ઇન્ડેક્સેશનનો લાભ ગુમાવનાર કરદાતાઓને મોટી રાહત મળશે. હવે કરદાતાઓ જૂની અને નવી રિજિમ વચ્ચે પસંદગી કરીને લાભ મેળવી શકશે. તથા બન્ને સ્કીમમાંથી જે પણ ઓછો ટેક્સ હોય તે ચૂકવીને લાભ મેળવી શકશે.
ઇન્ડેક્સેશન શું છે?
ઇન્ડેક્સેશન સમયાંતરે કોઈ મિલકતની ખરીદ કિંમતને સમયની સાથે મોંઘવારી અનુસાર એડજસ્ટ કરે છે. જેનો ઉપયોગ કેપિટલ ગેઇનના કેલ્ક્યુલેશન માટે કરાય છે. સરકાર બેઝ યર (2001-2002) ની તુલનામાં ભાવમાં ફેરફારને માપવા માટે દર વર્ષે કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ (સીઆઇઆઈ) બહાર પાડે છે. તેના આધારે ગણતરી કરીને ઇન્ડેક્સેશન નક્કી કરવામાં આવે છે.