પ્રિ-ઓપનીંગમાં સેન્સેકસમાં 4000 અને નિફટીમાં 600થી વધુ પોઈન્ટના કડાકા બાદ શેરબજારમાં રિકવરી: વિશ્વભરના બજારો મંદીનું તાંડવ
રોકાણકારો માટે હાલ સાવચેતી જ સલામતી
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ભીષણ યુધ્ધ ફાટી નીકળે તેવી દહેશત ઉભી થતા આજે વિશ્ર્વભરનાં શેર બજારોમાં મંદીનું ભયાનક તાંડવ જોવા મળ્યું હતુ. ભારતીય શેરબજારમાં મંદીની સુનામી આવી હતી. બંને આગેવાન ઈન્ડેકસ સેન્સેકસ અને નિફટી ઉંધામાથે પટકાયા હતા પ્રિ-ઓપનીંગમાં સેન્સેકસમાં 4000થી વધુ અને નિફટીમાં 600થી વધુ પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. જોકે બજાર ખૂલ્યા બાદ સારી એવી રિકવરી જોવા મળી રહી છે.
ઈઝરાયેલે હમાસનાં ચીફ હાનીયાને ઠાર કર્યા બાદ ઈરાને યુધ્ધની ઘોષણા કરી છે. આજે ઈઝરાયેલ પર ઈરાન હુમલો કરે તેવી દહેશત જણાય રહી છે. બંને વચ્ચે મહાભયાનક યુધ્ધની ભીતિએ વિશ્વભરને હચમચાવી દીધું છે. વિશ્વભરના શેરબજારમાં આજે મંદિની સુનામી જોવા મળી હતી. ભારતીય શેર બજાર પણ સપ્તાહના પ્રથમ દિવસે જ મંદીના વમળોમાં ફસાયું હતુ. પ્રિ-ઓપનીંગમાં સેન્સેકસ અને નિફટીમાં તોતીંગ કડાકા બોલી ગયા હતા સેન્સેકસમાં 4000થી વધુ અને નિફટીમાં 600થી વધુ પોઈન્ટનો કડાકોજોવા મળ્યો હતો. જોકે બજાર ખૂલ્યા બાદ રિકવરીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે યુધ્ધની ભીતિ વચ્ચે હજી બજારમાં મંદીનો પવન ફૂંકાય રહ્યો છે.
આજે સેન્સેકસ ઈન્ટ્રાડેમાં 78580.60 સુધી સરકી ગયું હતુ. ત્યારબાદ થોડી રિકવરી દેખાતા બજાર 79780 સુધી ઉપર આવ્યું હતુ. જયારે નિફટીએ 24192.50ની નીચલી સપાટી હાંસલ કર્યા બાદ 24350.05 સુધી ઉપર આવી હતી બેંક નિફટી અને નિફટી મીડકેપ 100માં પણ અકલ્પનીય ઘટાડા જોવા મળ્યા હતા.
વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ભારતીય અર્થ વ્યવસ્થા ખૂબજ મજબૂતી સાથે ઉભરી રહી હોય જેના કારણે વિશ્ર્વભરના રોકાણકારો ભારતીય શેર બજાર તરફ સતત આકર્ષાય રહ્યા છે.અને મૂડી રોકાણ કરી રહ્યા છે. જેના કારણે થોડા દિવસો પહેલા સેન્સેકસે 82129.49 પોઈન્ટનો અને નિફટીએ 25078.30 પોઈન્ટનો નવો લાઈફ ટાઈમ હાય હાંસલ કર્યા હતો.
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના સતત વધી રહેલા તનાવને પગલે આજે વિશ્ર્વભરના શેરબજારોમાં કડાકા બોલી ગયા હતા કોરોના બાદ આજે પ્રથમ વાર ભારતીય શેરબજારમાં પ્રિ-ઓપનીંગમાં સેન્સેકસમાં 4000 અનેનિફટીમાં 600 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. આજે મહામંદી વચ્ચે પણ એચયુએલ, ડાબર ઈન્ડીયા માહીકો, સનફાર્મા સહિતની કંપનીઓનાં શેરોના ભાવમાં ઉછાળા જોવા મળ્યા હતા જયારે ભારત ફોર્જ, મધરસન, એમફાર્માસી, એલઆઈસી હાઉસીંગ ફાઈનાન્સ એચડીએફસી બેંક ટાટા મોટર્સ, એસબીઆઈ, હિન્દુસ્તાન એરોન સહિતની કંપનઓનાં શેરોના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.
આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ 1463 પોઈન્ટના ઘટાડા સાથે 79519 પોઈન્ટ પર નિફટી 443 પોઈન્ટના ઘટાડા સાથે 24275 પોઈન્ટ પર બેંક નિફટી 960 પોઈન્ટના ઘટાડા સાથે 50391 પોઈન્ટ પર જયારે નિફટી મીડકેપ-100 1356 પોઈન્ટના ઘટાડા સાથે 56601 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યા છે. શેર બજારમાં મંદીનો માહોલ છવાયો છે. તો બીજી તરફ બુલીયન બજારમાં તેજી છે. સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો રહંયો હતો. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપીયો થોડો મજબૂત બન્યો હતો.
વિશ્વ વિખ્યાત ઇન્ટેલ કંપનીના શેરમાં કડાકાને લઈ એક જ દિવસમાં રોકાણકારોના રૂ.અઢી લાખ કરોડ સ્વાહા
વિશ્વ અગ્રણી ચિપ બનાવતી કંપનીઓમાંની એક ઇન્ટેલ માટે 2 ઓગસ્ટનો દિવસ બ્લેક ફ્રાઇડે સાબિત થયો. શુક્રવારે કંપનીના શેરમાં લગભગ 28 ટકાનો ઘટાડો થયો હતો અને આ 50 વર્ષમાં કંપનીના ઈતિહાસમાં સૌથી મોટો ઘટાડો સાબિત થયો હતો. કંપનીને એક જ દિવસમાં અંદાજે 35 બિલિયન ડોલર એટલે કે અંદાજે રૂ.અઢી લાખ કરોડનું નુકસાન થયું છે. કંપનીનો શેર 7.57 ડોલર ઘટીને 21.48 ડોલર પર બંધ થયો. ઇન્ટેલે ગુરુવારે છટણીની જાહેરાત કરી હતી. કંપની તેના 15 ટકા કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. આ નિર્ણયથી અંદાજે 17,500 કર્મચારીઓને અસર થશે. મેન્યુફેક્ચરિંગ બિઝનેસમાં ઇન્ટેલને ભારે નુકસાન થયું છે. નિષ્ણાતોએ તેને ઇન્ટેલ માટે અસ્તિત્વની કટોકટી ગણાવી છે. તે કહે છે કે લડાઈ ચાલુ રાખવા માટે, ઇન્ટેલને કોઈને કોઈ રીતે ટકી રહેવું પડશે.